સુરત: સુરતના નાનપુરા વિસ્તારમાં કારનો દરવાજો અચાનક ખોલી દેવાની બેદરકારીના કારણે થયેલા અકસ્માતમાં 56 વર્ષીય મોપેડ ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મંગળવારે બપોરે બનેલા આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત થયું હતું.
ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નાનપુરા વિસ્તારમાં આવેલા રિવર પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ (ઉં.વ. 56) મંગળવારે બપોરના સમયે મોપેડ લઈને પોતાની દુકાને જવા માટે નીકળ્યા હતા. તેઓ નાનપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રંગઉપવન મલ્ટીલેવલ પાર્કિંગ નજીક રસ્તા પર એક કાર ઊભી હતી. આ દરમિયાન કારની પાછળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક કારનો દરવાજો ખોલી દીધો હતો.
અચાનક ખૂલેલા દરવાજા સાથે મોપેડની જોરદાર ટક્કર
કારનો દરવાજો અચાનક ખોલવામાં આવતાં મોપેડ લઈને પસાર થઈ રહેલા મોહમ્મદ અમીનને સંભાળવાનો સમય મળ્યો ન હતો. તેમની મોપેડ ખુલ્લા દરવાજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોહમ્મદ અમીન મોપેડ પરથી ઉછળીને રસ્તા પર પટકાયા હતા. અકસ્મિક રીતે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નજીકની દુકાનોના વેપારીઓ અને રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ તરત જ ઇજાગ્રસ્તની મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ગંભીર સ્થિતિમાં રહેલા મોહમ્મદ અમીનને તાત્કાલિક સારવાર મળે તે માટે મદદ કરી હતી.
વડોદરાથી મુન્દ્રા એર ટેક્સી સેવા શરૂ : પ્રથમ દિવસે જ 3 મુસાફરો સાથે સફળ ઉડાણ, માત્ર 50 મિનિટમાં કપાશે અંતર
108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
અકસ્મતમાં મોહમ્મદ અમીનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ઈજાઓ ગંભીર હોવાથી સારવાર દરમિયાન આજે સવારે મોહમ્મદ અમીનનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સામાન્ય ટક્કર ગંભીર જીવલેણ ઘટનામાં પરિવર્તિત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સાગબારાના ખેડૂતોનાં ધરણાનાં 22માં દિવસે મળ્યો માટો ઝટકો : 2 મંત્રીની મુલાકાત ટળી; હક માટે રાહ યથાવત
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
મોહમ્મદ અમીનના મોત બાદ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો હતો, કાર ક્યાં અને કેવી રીતે ઊભી હતી, કારનો દરવાજો ખોલતી વખતે પાછળથી આવતા વાહનનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નહીં સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. રસ્તા પર વાહનનો દરવાજો ખોલતી વખતે પાછળથી આવતા વાહનો અને દ્વિચક્રી વાહનચાલકોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને વ્યસ્ત રસ્તાઓ પર અચાનક દરવાજો ખોલવાથી મોપેડ કે બાઇક ચાલકને બચવાનો સમય મળતો નથી અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સુરતની આ ઘટના પણ આવી જ બેદરકારી કેટલું ગંભીર પરિણામ લાવી શકે છે તેનું ઉદાહરણ બની છે.
હાલ પોલીસ દ્વારા અકસ્માત સંબંધિત તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની ચોક્કસ જવાબદારી અને અકસ્માતની સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે.

