Dailyhunt
વડોદરામાં કાયદો-વ્યવસ્થા પર સવાલ: એક જ દિવસે બે લૂંટની ઘટના, મહિલાનો અછોડો ખેંચાયો, વેપારીને ચાકુની અણીએ લૂંટ્યો

વડોદરામાં કાયદો-વ્યવસ્થા પર સવાલ: એક જ દિવસે બે લૂંટની ઘટના, મહિલાનો અછોડો ખેંચાયો, વેપારીને ચાકુની અણીએ લૂંટ્યો

OFFBEAT STORIES 1 week ago

Vadodara Robbery: સંસ્કારી નગરી વડોદરામાં લૂંટારુઓએ માઝા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના પુરાવા આપતી બે મોટી ઘટનાઓ એક જ દિવસમાં સામે આવી છે. હનુમાન જયંતીના પવિત્ર પર્વે જ્યારે આખું શહેર ભક્તિમાં લીન હતું, ત્યારે માંજલપુરમાં એક મહિલા શ્રદ્ધાળુનો અછોડો તૂટવાની ઘટના બની છે. બીજી તરફ, તાંદલજા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીને નિશાન બનાવી, ચપ્પુની અણીએ રૂ.3.50 લાખની સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

શહેરમાં વધી રહેલી ગુનાખોરીએ રહીશોમાં ફફડાટ ફેલાવ્યો છે. ખાસ કરીને ભીડભાડ વાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓ પાસે લૂંટારુઓ બેફામ બન્યા છે. માંજલપુર અને જે.પી. રોડ પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટનાઓએ પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

માંજલપુરમાં ભક્તિના માહોલ વચ્ચે ચેઈન સ્નેચિંગ: મહિલા શ્રદ્ધાળુ નિશાને

માંજલપુર વિસ્તારમાં સરસ્વતી પેટ્રોલ પંપ પાસે આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ પવિત્ર પર્વ દરમિયાન દર્શનની ભીડનો લાભ લઈ એક તસ્કરે વરિષ્ઠ મહિલા શ્રદ્ધાળુને નિશાન બનાવી હતી. મહિલા જ્યારે મંદિરમાં દર્શન કરી રહ્યા હતા, ત્યારે તકનો લાભ ઉઠાવી તસ્કર તેમના ગળામાંથી સોનાની ચેઈન તોડી પલકવારમાં ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મંદિરમાં હાજર અન્ય શ્રદ્ધાળુઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. માંજલપુર પોલીસે મંદિરના CCTV ફૂટેજ મેળવી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ : વીજળીના કડાકા સાથે આ 4 જિલ્લામાં કમોસમી વરસાદ, કેસર કેરી અને રવિ પાકને નુકસાનનો ખતરો

તાંદલજામાં ફિલ્મી ઢબે લૂંટ: વેપારીને ચપ્પુ બતાવી રૂ.3.50 લાખ પડાવ્યા

બીજી તરફ, શહેરના તાંદલજા વિસ્તારમાં 'સાહેરી પ્લાય સેન્ટર'નો વ્યવસાય કરતા હુસૈન કાઈદભાઈ સાહેરવાલા સાથે ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની છે. હુસૈનભાઈ પોતાની દુકાનનું દૈનિક કલેક્શન લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. કિસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તા વચ્ચે દેવદાસ ફાર્મ પાસે પાછળથી આવેલા ત્રણ મોપેડ સવારોએ તેમની એક્ટિવા આંતરી હતી. લૂંટારુઓએ ચાલતી એક્ટિવા પર પગ મૂકી વાહન રોક્યું અને બળજબરીથી ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ ચપ્પુની અણીએ ડરાવીને એક્ટિવાની ડેકીમાંથી ₹3.50 લાખ રોકડા અને મોબાઈલ લૂંટીને લૂંટારુઓ રફુચક્કર થઈ ગયા હતા.

પોલીસ એક્શન મોડમાં: CCTV કેમેરા ખંગાળવામાં આવ્યા

આ બંને ઘટનાઓને પગલે વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે. તાંદલજાની ઘટના અંગે જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે કિસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તા સુધીના તમામ રસ્તાઓના CCTV કેમેરાની તપાસ શરૂ કરી છે. લૂંટારુઓની ત્રિપુટી અને ચેઈન સ્નેચરને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. શહેરમાં એક જ દિવસમાં બનેલી બે લૂંટની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES