Dailyhunt
ઝોલા છાપ તબીબોની હાટડીઓ થશે બંધ: ડિગ્રી વગરના ડોક્ટરો સામે ચાલશે ડ્રાઇવ, બસ આટલા સમયની વાર

ઝોલા છાપ તબીબોની હાટડીઓ થશે બંધ: ડિગ્રી વગરના ડોક્ટરો સામે ચાલશે ડ્રાઇવ, બસ આટલા સમયની વાર

OFFBEAT STORIES 3 weeks ago

Gujarat Health Department Action, 02 April 2026: ગુજરાતમાં ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકારે હવે લાલ આંખ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં બિનલાયકાત ધરાવતા લોકો જે રીતે આયુર્વેદિક ઉપચારના નામે હાટડીઓ ખોલીને બેઠા છે, તેમની સામે આકરો કાયદો લાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખાસ કરીને આયુર્વેદના નામે અંધશ્રદ્ધા ફેલાવતા અને જીવલેણ પદ્ધતિઓ અપનાવતા તત્વો હવે સરકારના રડારમાં છે.

આ મામલે સુરતના આયુર્વેદિક ડોક્ટરોના પ્રતિનિધિમંડળે મંત્રીને મળીને ગંભીર રજૂઆતો કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, કેટલાક લોકો પાસે મેડિકલની કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તેઓ આશ્રમો કે ક્લિનિક ચલાવીને ગંભીર રોગોની સારવાર કરવાનો દાવો કરે છે. મંત્રીએ આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ચૂંટણી આચારસંહિતા લાગુ હોવાથી વહીવટી મર્યાદાઓ છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં નકલી ડોક્ટરોને ડામી દેવા માટે એક વિશેષ ડ્રાઈવ (Special Drive) ચલાવવામાં આવશે.

કામરેજમાં આયુર્વેદના નામે ખતરનાક 'અખતરા'નો પર્દાફાશ

સુરતના કામરેજ વિસ્તારમાં આશ્રમ ચલાવતા પ્રદીપ જોટંગીયા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આક્ષેપ છે કે, તેમની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી નથી, છતાં તેઓ આયુર્વેદિક સારવારના નામે દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું છે કે, સારવારના નામે શરીરમાં સોય ચુંભવી, દોરા-ધાગા બાંધવા અને અંધશ્રદ્ધા આધારિત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આવી બેદરકારીને કારણે અગાઉ કેટલાક દર્દીઓના જીવ ગયા હોવાના પણ આક્ષેપ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

આ પણ વાંચો:સુરતથી મમતા ગઢમાં ભાજપનું ગાબડું! : 5000 બંગાળી મતદારો માટે દોડાવાશે 4 સ્પેશિયલ ટ્રેનો, જાણો શું છે માસ્ટરપ્લાન

નવો કાયદો અને ફરજિયાત રજીસ્ટ્રેશન

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સરકાર માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ કાયદામાં પણ મોટા ફેરફાર કરવા જઈ રહી છે. હવેથી આયુર્વેદિક સહિત તમામ પ્રકારની તબીબી પ્રેક્ટિસ કરતા વ્યક્તિઓ માટે સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. જે લોકો પાસે લાયકાત મુજબની ડિગ્રી કે નોંધણી નહીં હોય, તેમને સારવાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ નિયમનો ભંગ કરશે, તો તેની સામે બિનજામીનપાત્ર ગુનો નોંધવા જેવી કડક જોગવાઈઓ ઉમેરવાની પણ તૈયારી ચાલી રહી છે.

જનતાને અપીલ: અંધશ્રદ્ધાથી દૂર રહો

સરકારે જનતાને પણ જાગૃત રહેવા અપીલ કરી છે. મંત્રીએ કહ્યું કે, "કોઈપણ વ્યક્તિના ભ્રામક દાવાઓ કે ચમત્કારી સારવારની વાતોમાં ન ફસાવવું જોઈએ. હંમેશા પ્રમાણિત અને ડિગ્રી ધરાવતા ડોક્ટરો પાસે જ સારવાર લેવી હિતાવહ છે." સરકારે ખાતરી આપી છે કે જો કોઈ નાગરિકને આવા નકલી ડોક્ટરો વિશે માહિતી મળે, તો તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવી, જેથી તત્કાલ પગલાં ભરી શકાય.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: OFFBEAT STORIES