Saturday, 04 Jan, 12.25 pm વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
અમેરીકા-ઈરાન વચ્ચેના તણાવમાં પિસાયું ભારત, પેટ્રોલનો ભાવ ઉંચકાયો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવનો બોજ ભારતને વેઠવો પડી શકે છે. શનિવારે આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પેટ્રોલનો ભાવ 81 રૂપિયા પ્રતિલીટરને વટાવી ગયો છે. જ્યારે અન્ય ચાર મહાનગરોમાંથી મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં ડીઝલનો ભાવ 70 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. કમોડિટી એક્સપર્ટનું માનીએ તો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના ભાવ 10 મહિનામાં સૌથી વધુ છે. અધૂરામાં પૂરૂ શુક્રવારે ભારતીય રૂપિયો પણ તળિયે ગયો છે. જેના લીધે કિંમતોમાં તેજી આવી હોવાનું માનવામાં આવે છે. જો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઉંચકાય તો તેમાં નવાઈ નહિ. 

પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરતી કંપની આઈઓસીની વેબસાઈટ પર નજર કરીએ તો, દેશના ચાર મોટા શહેરો દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે તેજી આવી છે. 

દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિલીટર 75.45 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિલીટર 68.40 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં અનુક્રમે પેટ્રોલના ભાવ પ્રતિલીટર 81.04 રૂપિયા, 78.39 રૂપિયા અને 78.04 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિલીટર 71.72 રૂપિયા, 72.28 રૂપિયા અને 70.76 રૂપિયા નોંધાયો છે.

શું છે ક્રૂડ ઓઈલના ભાવ વધારાનું કારણ?

કમોડિટી નિષ્ણાંતનું કહેવું છે, કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ વધારા પાછળ અમેરીકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ જવાબદાર છે. બંને દેશો વચ્ચેના તણાવના લીધે ક્રૂડ ઓઈલની સપ્લાઈમાં કાપ મૂકાઈ શકે છે. જેના લીધે ક્રૂડના ભાવ વધારવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે, ઈરાનની કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ હુમલામાં માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી અમેરિકાએ લીધી છે. આ હુમલામાં કતાઈબ હિજબુલ્લાહના કમાન્ડર અબૂ મહદી અલ-મુહાંદિસ પણ માર્યો ગયો છે. આ સમાચાર બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો 10 મહિનાની ઉપલી સાપાટીએ પહોંચી ગઈ છે. 

ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની નોમુરાના અનુમાન અનુસાર, ક્રૂડ ઓઈલની કિંમતોમાં પ્રતિ બેરલ 10 ડૉલરના વધારાથી ભારતના રાજકોષિય ખોટ અને કરંટ એકાઉન્ટના બેલેન્સ પર અસર પહોંચે છે. 

આ રીતે નક્કી થાય છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

આપણે જે કિંમત પર પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદીએ છીએ તેની આશરે 48 ટકા બેઝ પ્રાઈસ હોય છે. ત્યાર બાદ તેના ભાવ પર આશરે 35 ટકા એક્સાઈઝ ડ્યુટી, 15 ટકા સેલ્સ ટેક્સ અને 2 ટકા કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવે છે. 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ

જો તમે સવારે 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગો છો તો, 92249 92249 નંબર પર એસએમએસ મોકલીને પણ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણી શકો છો.

આ માટે તમારે RPS <સ્પેસ> પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 નંબર મેસેજ મોકલવો પડશે. દા.ત. જો તમે દિલ્હીમાં છો અને મેસેજ દ્વારા પેટ્રોલનો ભાવ જાણવા માંગો છો તો તમારે RSP 102072 લખી 92249 92249 નંબર પર મેસેજ મોકલવો પડશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top