Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આખા રાજ્યમાં બફારો ને ઉકળાટ, સુરેન્દ્રનગર 44.7°C સાથે સૌથી ગરમ:48 કલાક બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી; 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

આખા રાજ્યમાં બફારો ને ઉકળાટ, સુરેન્દ્રનગર 44.7°C સાથે સૌથી ગરમ:48 કલાક બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી; 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર 44.7°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 44.4°C, રાજકોટમાં 43.6°C, ગાંધીનગરમાં 43.5°C અને ડીસામાં 42.2°C મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ 28.8°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં 0.6°C વધુ છે.

જ્યારે વડોદરામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 30.0°C જેટલું ઊંચું નોંધાતાં અસહ્ય બફારાની સ્થિતિ યથાવત્ છે.

ગૂરૂવારે દિવસભર કાળઝાળ ગરમી રહ્યાં બાદ સાંજના સમયે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને વરસાદી માહોલ બન્યો હતો. પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.

અન્ય રાજ્યોના હવામાનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના 12 જિલ્લામાં વરસાદ પડી શકે છે. અહીં વાવાઝોડાનું પણ એલર્ટ છે. ગુરુવારે શ્રીગંગાનગરમાં નૌતપા વચ્ચે સાંજે કરા પડ્યા, પરંતુ અહીં દિવસનું મહત્તમ તાપમાન 47.1°C રહ્યું. યુપીમાં ગરમીને બદલે વરસાદ-વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. શુક્રવારે સવારે લખનઉ, પ્રયાગરાજ, ઝાંસી અને ચંદૌલીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા. હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, જેમાં 6 લોકોના મોત થયા.

દરિયાકાંઠાના વિસ્તારો અને મહાનગરો માટે 'હોટ એન્ડ હ્યુમિડ'ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આજે (29 મે)ના રોજ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારો, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'હોટ એન્ડ હ્યુમિડ એર' (ગરમ અને ભેજવાળું વાતાવરણ)ને કારણે ભારે અકળામણ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, આગામી 24 કલાક બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 3 થી 5°Cનો મોટો ઘટાડો થવાની સંભાવના છે.

48 કલાક પછી વાતાવરણ પલટાશે, ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજના દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે. પરંતુ, 30 મે (DAY-3)થી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

  1. 30 મેઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
  2. 31 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે. આ દરમિયાન અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની ખાસ ચેતવણી પણ આપવામાં આવી છે.
  3. 1થી 3 જૂન: વરસાદનો વ્યાપ વધશે અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 1 જૂનના રોજ દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની ચેતવણી છે, જ્યારે 2 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

ચોમાસાની પ્રગતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં માલદીવ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસમાં તે બંગાળની ખાડીના બાકીના ભાગો અને આંદામાન સમુદ્રમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર 44.7°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 44.4°C, રાજકોટમાં 43.6°C, ગાંધીનગરમાં 43.5°C અને ડીસામાં 42.2°C મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ 28.8°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં 0.6°C વધુ છે. જ્યારે વડોદરામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 30.0°C જેટલું ઊંચું નોંધાતાં અસહ્ય બફારાની સ્થિતિ યથાવત્ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar