
પંચમહાલના હાલોલ અને આસપાસના પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ (ઈદુલ અદહા)નો પવિત્ર તહેવાર ધર્મભાવના અને ભાઈચારા સાથે ઉજવવામાં આવ્યો. હાલોલ નગર સહિત સમગ્ર પંથકમાં મુસ્લિમ બિરાદરોએ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
સવારથી જ નગરમાં ઈદનો માહોલ છવાયો હતો. મુસ્લિમ સમાજના લોકો નવા પોષાકોમાં સજ્જ થઈ, માથા પર સાફા ધારણ કરીને ઈદગાહ અને મસ્જિદોમાં પહોંચ્યા હતા.
પાવાગઢ રોડ સ્થિત કબ્રસ્તાન પાસે આવેલી ઈદગાહ તથા મોહમંદી સ્ટ્રીટ સ્થિત નૂરાની મસ્જિદ ખાતે વિશેષ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.
ઈદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુએ ઈદની નમાઝ અદા કરાવી હતી. જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મસ્જિદના ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી. ઈદગાહમાં મૌલાના યાકૂબ રઝવીએ ધાર્મિક તકરીર કરી, જેમાં ઈસ્લામિક શિક્ષણ, ભાઈચારો અને શાંતિના સંદેશ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વાતાવરણ આનંદ, એકતા અને ભાઈચારાથી ભરપૂર રહ્યું હતું. આ પવિત્ર અવસરે અલ્લાહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વિશ્ર્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ઈદ પર્વને ધ્યાનમાં રાખીને નગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાને કારણે પર્વ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવાઈ શક્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહ્યું હતું.
સવારથી જ નગરમાં ઈદનો માહોલ છવાયો હતો. મુસ્લિમ સમાજના લોકો નવા પોષાકોમાં સજ્જ થઈ, માથા પર સાફા ધારણ કરીને ઈદગાહ અને મસ્જિદોમાં પહોંચ્યા હતા. પાવાગઢ રોડ સ્થિત કબ્રસ્તાન પાસે આવેલી ઈદગાહ તથા મોહમંદી સ્ટ્રીટ સ્થિત નૂરાની મસ્જિદ ખાતે વિશેષ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.
