
કાળી પટ્ટી ધારણ કરી મહેસૂલી કર્મચારીઓનો વિરોધ, પ્રશ્નો નહીં ઉકેલાય તો ૧૦ સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી.
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસૂલી કર્મચારીઓના બઢતી-બદલી સહિતના ૧૪ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે આજે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગમાંથી બઢતી મેળવનારા કર્મચારીઓને મોટા પ્રમાણમાં દૂરના જીલ્લામાં નિમણૂક આપવામાં આવી છે. તેમજ સિનિયોરીટી યાદી સમયસર તૈયાર ન થવાના કારણે અનેક નાયબ મામલતદારો બઢતીથી વંચિત રહ્યા છે.
આ ઉપરાંત મહેસૂલી તલાટીઓ માટે ફિલ્ડની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના નવો જોબચાર્ટ જાહેર કરાયો હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. ઓનલાઈન પોર્ટલ પર ઓટીપી અને થમ્બ પ્રક્રિયા સહિતની કામગીરીના કારણે કર્મચારીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
મહામંડળની મુખ્ય માંગણીઓમાં નવી ભરતી પહેલાં નાયબ મામલતદારોને બઢતી આપવી, દૂરના જીલ્લામાં બદલી કરાયેલા. કર્મચારીઓને તબક્કાવાર તેમના મૂળ જીલ્લામાં નિમણૂક આપવી, નાયબ મામલતદાર અને મામલતદાર સંવર્ગની સીધી ભરતીની પ્રક્રિયા બંધ કરવી તથા ૯૧૭ મહેસૂલી તલાટીઓની હંગામી નિમણૂક રદ કરવી સહિતના ૧૪ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
મહામંડળ દ્વારા આંદોલનનું તબક્કાવાર એલાન પણ કરવામાં આવ્યું છે. ૩૧ ઓગસ્ટે કાળી પટ્ટી ધારણ કરી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે, ૭ સપ્ટેમ્બરે કાળી પટ્ટી સાથે કામકાજ સ્થગિત કરવામાં આવશે, ૮ સપ્ટેમ્બરે માસ સીએલ અને ૧૦ સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળ શ કરવાની ચીમકી આપવામાં આવી છે.
ઝાલોદ પ્રાંત કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી મહેસૂલી કર્મચારીઓએ સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવા વિરોધ નોંધાવ્યો હતો. હવે સરકાર દ્વારા કર્મચારીઓના ૧૪ મુદ્દાઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસૂલી કર્મચારીઓના બઢતી-બદલી સહિતના ૧૪ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે આજે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
