ફતેપુરા ખાતે બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ.
શહેરા તાલુકા પંચાયતમાં નિષ્ઠાપૂર્વક સેવાઓ આપ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની દાહોદ જીલ્લાના ફતેપુરા ખાતે બદલી થતા તાલુકા પંચાયતના હોલ ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી મંત્રી મંડળ દ્વારા તેમના સફળ કાર્યકાળ અને સહયોગી સ્વભાવને બિરદાવી ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની દાહોદ જીલ્લાના ફતેપુરા ખાતે બદલી થતાં તાલુકા પંચાયત પરિવાર અને તલાટી કમ મંત્રી મંડળ દ્વારા એક ભવ્ય તથા ભાવુક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓએ પાર્થ પટેલની અત્યાર સુધીની ઉત્કૃષ્ટ સેવાઓ અને સહયોગપૂર્ણ સ્વભાવને બિરદાવ્યો હતો.વિદાય સમારંભ દરમિયાન તાલુકા પંચાયતના વિવિધ શાખાના કર્મચારીઓ, તલાટી કમ મંત્રી મંડળ તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલને ફૂલોનુ બુકે, ફળ અને યાદગીરીપે મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વક્તાઓએ તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલા વિકાસકામો અને તમામ સ્ટાફ પ્રત્યેના તેમના સકારાત્મક અભિગમને યાદ કરીને તેમના ભાવિ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.જ્યારે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે પણ પોતાના દિલના ભાવ વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "શહેરા તાલુકામાં મારી સેવાઓ દરમિયાન મને પંચાયતના તમામ કર્મચારીઓ, તલાટી મિત્રો, તાલુકાના સરપંચો અને જનપ્રતિનિધિઓ તરફથી જે અભૂતપૂર્વ સહકાર મળ્યો છે, તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કોઈપણ અધિકારી એકલો કંઈ કરી શકતો નથી; સમગ્ર ટીમનો સાથ હોય તો જ તાલુકાનો વિકાસ શક્ય બને છે. શહેરાના લોકોનો પ્રેમ અને સહકાર મારી આગામી સફર માટે મોટી મૂડી બની રહેશે." તેમણે પોતાની નવી નિમણૂક સ્થળ ફતેપુરા જીલ્લો દાહોદ ખાતે પણ આવી જ નિષ્ઠાથી કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયતનો સમગ્ર સ્ટાફ, સરપંચો, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શહેરાના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે જય શુક્લની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આગામી દિવસોમાં વિધિવત રીતે તાલુકા વિકાસ અધિકારી તરીકેનો પદભાર અને ચાર્જ સંભાળશે.