Saturday, 03 Aug, 10.11 am રખેવાળ

બનાસકાંઠા
બનાસકાંઠામાં કોઈ સરકારી શાળા મર્જ નહી કરવા જિ.પં.ની સભામાં ઠરાવ કરાયો

પાલનપુર : કાંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં પ્રમુખ દ્વારા સદસ્યોને વિકાસના કામો માટે સ્વભંડોળમાંથી રૂપિયા ૨૧ની ગ્રાંટ આપવાનો ઠરાવ કરાયો હતો. જોકે, સ્વભંડોળમાંથી આ રીતે નાણાં આપવામાં આવશે તો ભવિષ્યમાં ચા- પાણીના પૈસા પણ નહી બચે તેવી અધિકારીએ ટકોર કરી જિલ્લા પંચાયતની નાણાંકીય સ્થિતિ ઉપર પ્રકાશ પાડ્‌યો હતો. સભામાં ભાજપ સરકાર દ્વારા શાળાઓ મર્જ કરવાનો વિરોધ કરી બહુમતીથી ઠરાવ પસાર કરાયો હતો. આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોની ચર્ચામાં ભાજપ- કોંગ્રેસના સદસ્યો સામસામે આવી શાબ્દિક યુદ્ધ પર ઉતરી આવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. કાંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતનો સભાખંડ જર્જરિત હોવાથી તોડી પડાયો છે. પરિણામે શુક્રવારે જિલ્લા પંચાયતની સાધારણ સભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. શરૂઆતમાં ગત સાધારણસભાની બેઠકમાં લીધેલા નિર્ણય જેવા કે, અંદાજપત્ર, જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮માં વિના મુલ્યે ઉત્તરવહી માટે સ્વભંડોળમાં થી જોગવાઇ, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ પુરક લેબર બજેટ, બિન ખેતીની પરવાનગી સત્તાઓ પરત મેળવવા બાબત, જિલ્લા પંચાયતને સોંપવામાં આવેલ ગુજરાત સહકારી મંડળી અધિનિયમની સત્તા ફેરફાર કરવામાં આવેલ છે તે પુનઃ ચાલુ કરવા સહિતના કામોને બહાલી આપવામાં આવી હતી.

જે બાદ પ્રશ્નોત્તરી કાળમાં ભાજપના વડગામના સદસ્ય અશ્વિનભાઇ સકસેનાએ આજની તારીખની મહત્વતા દર્શાવી વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોને વર્ણવતા શાસકપક્ષ કોંગ્રેસના લક્ષ્‍મીબેન કરેણ સહિત સદસ્યોએ આ વાર્તાલાપનો વિરોધ કરી અશ્વિન સકસેનાને માત્ર પ્રશ્નોની ચર્ચા કરવા માટે જ બોલવાનું જણાવતાં બંને પક્ષોના સદસ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી થવા પામી હતી. સભાના અંતિમ ચરણોમાં કોંગ્રેસના શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્‍મીબેન કરેણે ગુજરાત સરકાર દ્વારા શાળાઓ મર્જ કરવાના આદેશને પડકારતો ઠરાવ રજૂ કરતાં ભાજપના સદસ્યો ઉકળી ઉઠ્‌યા હતા. જોકે, અંતે ભારે હોબાળા બાદ સભા જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોરે આ ઠરાવ બહુમતીથી પસાર કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Rakhewal
Top