Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેસાણામાં ૧૪ વર્ષીય વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

મહેસાણામાં ૧૪ વર્ષીય વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

રખેવાળ 2 weeks ago

હેસાણાના સોમનાથ રોડ વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનામાં એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નજીકની શિવકૃપા સોસાયટીમાં રહેતી અને સિદ્ધાર્થ સ્કૂલમાં ધોરણ ૭માં ભણતી ચાર્મી પરમાર નામની ૧૪ વર્ષની માસૂમ કિશોરીએ આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. આ અણધારી અને આઘાતજનક ઘટનાને પગલે પરિવારજનો ઉંડા શોકમાં સરી પડ્યા છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર્મી હંમેશ મુજબ સવારે ઘરેથી ચા-નાસ્તો કરીને આનંદભેર સાત વાગ્યાની આસપાસ શાળાએ જવા નીકળી હતી. જોકે, તેની શાળાનો સમય સાડા સાત વાગ્યાનો હોવા છતાં તે સ્કૂલે જવાના બદલે દીનદયાલ આવાસની બિલ્ડિંગ પર પહોંચી ગઈ હતી. સવારે ૭ થી ૭:૩૦ વાગ્યાના સુમારે તેણે ઉપરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ગોઝારી ઘટના બનતા જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આવાસના પ્રમુખ તેમજ આગેવાનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ મહેસાણા એ ડિવિઝન પોલીસના પી.આઈ. એલ.આર. પારઘી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે, આટલી નાની ઉંમરે વિદ્યાર્થિનીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને પીએમ રિપોર્ટ તેમજ પરિવાર અને શાળાના શિક્ષકો-મિત્રોની સઘન પૂછપરછના આધારે આપઘાત પાછળનું ચોક્કસ કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal