Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાટણમાં હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મોત : ઘટના CCTV માં કેદ થઈ

પાટણમાં હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મોત : ઘટના CCTV માં કેદ થઈ

બેફામ બાઇકચાલક વોકિંગ કરતા વૃદ્ધને ટક્કર મારી ફરાર

પાટણ શહેરમાં ટ્રાફિક અને બેફામ વાહનચાલકોની સમસ્યા વધી રહી છે. ગત રાત્રે શહેરના અધારા દરવાજા થી ફાટીપાળ દરવાજા વચ્ચેના રોડ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી.જેમા રાત્રિ વોકિંગમાં નીકળેલા એક પ્રૌઢને બેફામ ગતિએ પસાર થઇ રહેલ બાઇક ચાલકે ટક્કર મારતાં પ્રૌઢ ને માથામાં ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, પાટણની મોહનનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ તળશીભાઈ પટેલ (ઉંમર આશરે 50-55 વર્ષ) 30 જૂનની રાત્રે 9.00 થી 9.15 વાગ્યાના સુમારે જમીને વોકિંગ કરવા નીકળ્યા હતા. તેઓ હેરીટેજ પેટ્રોલ પંપ આગળથી પસાર થઈ રહ્યા હતા.તે જ સમયે અધારા દરવાજા તરફથી ફાટીપાળ દરવાજા તરફ એક બાઇક ચાલક અત્યંત ગફલતભરી રીતે મોટર સાયકલ હંકારીને આવી રહ્યો હતો.

આ બાઇક ચાલકે સામેથી આવતા અન્ય એક બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે તેનું મોટરસાયકલ રોડ પર ફંગોળાયું હતું.ફંગોળાયેલા બાઇકે વોકિંગ કરી રહેલા ભરતભાઈને પાછળના ભાગેથી પ્રચંડ ટક્કર મારી હતી.આ ભયાનક અકસ્માતમાં ભરતભાઈ રોડ પર પટકાતાં તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માત સર્જનાર બાઇક ચાલક ઇજાગ્રસ્ત પ્રૌઢને મદદ કરવા કે પોલીસને જાણ કરવાને બદલે, પોતાનું બાઇક ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.ઘટનાને નજરે જોનાર મૃતકના સાળા રાકેશકુમારે તાત્કાલિક ખાનગી વાહન અને ત્યાર બાદ 108 મારફતે ભરતભાઈને પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જયાં આઇસીયુ વિભાગમાં ફરજ પરના તબીબોએ તેમને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા,પરંતુ ગંભીર ઇજાઓના કારણે ગતરોજ સારવાર દરમિયાન જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્ધ બી.એન.એસ. ની કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અકસ્માતની ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય પાટણવાસીઓ આ બેફામ બાઇક ચાલકની વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal