થરાદના કરણપુરા ગામે એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.મળતી વિગતો મુજબ, કરણપુરા ગામે એક ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરતા કેટલાક શ્રમિકો ૨૮ મેની રાત્રે આશરે ૧૦ વાગ્યાના સુમારે ખેત તલાવડીની પાળ પર બેસીને નાહી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક યુવકનો પગ લપસી જતાં તે તલાવડીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
તેને ડૂબતો બચાવવા માટે બીજો યુવક પણ કૂદ્યો હતો, પરંતુ કમનસીબે ઊંડા પાણીના કારણે બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આશરે ૪૦ મિનિટની ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા તલાવડીમાંથી બહાર કાઢ્યા બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પીએમ થયા બાદ આક્રંદ કરતા શ્રમિક પરિવારો મૃતદેહોને લઈને પોતાના વતન રવાના થયા હતા. આ કરુણ દુર્ઘટનાએ મજૂર પરિવારના માળા પીંખી નાખ્યા છે.

