Sooryavanshi: સ્ટાર્ક સાથેનો મુકાબલો ટળ્યો, પણ જેમીસને ઉખેડ્યા વૈભવના સ્ટમ્પ: જાણો RR vs DC મેચના રોમાંચક અહેવાલ
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે શુક્રવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ખરાખરીનો જંગ ખેલાયો હતો. આ મેચને મુખ્યત્વે ૧૫ વર્ષના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મિચેલ સ્ટાર્ક વચ્ચેના મુકાબલા તરીકે જોવામાં આવતી હતી.
આ સીઝનમાં જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ જેવા દિગ્ગજોના છક્કા છોડાવનાર સૂર્યવંશી પાસેથી ફેન્સને મોટી આશા હતી, પરંતુ આ વખતે નસીબે તેનો સાથ આપ્યો નહીં.

માત્ર બે બોલની રમત અને જેમીસનનો પાવર
વૈભવ સૂર્યવંશી જેવો મેદાનમાં આવ્યો કે તરત જ તેણે પ્રથમ બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને પોતાના તેવર બતાવ્યા હતા. જોકે, તેની આ ઇનિંગ માત્ર બે બોલ સુધી જ મર્યાદિત રહી હતી. ન્યુઝીલેન્ડના ઉંચા કદના ફાસ્ટ બોલર કાઈલ જેમીસને બીજા જ બોલ પર તેને પેવેલિયન ભેગો કર્યો હતો. જેમીસને લો-ડીપિંગ ફૂલ ટોસ બોલ નાખ્યો હતો, જેને વૈભવ ખોદી કાઢવા માંગતો હતો, પરંતુ બોલ બેટની નીચેની ધાર લઈને પેડ પર અથડાયો અને સ્ટમ્પમાં ઘુસી ગયો.
વૈભવ સૂર્યવંશી માત્ર ૪ રન બનાવી આઉટ થયો ત્યારે તે ખૂબ જ નિરાશ જણાતો હતો. બીજી તરફ, જેમીસને આ મહત્વની વિકેટ લીધા બાદ યુવા બેટ્સમેન સામે આક્રમક રીતે ઉજવણી કરીને તેને 'સેન્ડ-ઓફ' આપ્યો હતો.
રાજસ્થાન રોયલ્સની ખરાબ શરૂઆત
રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય શરૂઆતમાં ખોટો સાબિત થયો. ઇનિંગની પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે યશસ્વી જયસ્વાલને આઉટ કરીને રાજસ્થાનને મોટો ઝટકો આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, જે બેટલ (સૂર્યવંશી વિ. સ્ટાર્ક) ની સૌ રાહ જોતા હતા તે થઈ શકી નહીં, કારણ કે સ્ટાર્કની ઓવરના તમામ બોલ જયસ્વાલ અને ધ્રુવ જુરેલે રમ્યા હતા.
વૈભવ સૂર્યવંશીનો આ સીઝનનો રેકોર્ડ
આ મેચમાં નિષ્ફળતા મળી હોવા છતાં, આ ૧૫ વર્ષના છોકરાએ IPL 2026 માં આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તે આ સીઝનમાં સૌથી ઓછા બોલમાં ૪૦૦ રન નો આંકડો પાર કરનાર બેટ્સમેન બન્યો છે. તેની આક્રમક બેટિંગ શૈલીને કારણે જ દિલ્હી કેપિટલ્સના બોલરો તેની વિકેટ લઈને આટલા ઉત્સાહિત જણાતા હતા.

કેપ્ટન રિયાન પરાગનું નિવેદન
ટોસ દરમિયાન રિયાન પરાગે પીચ વિશે જણાવ્યું હતું કે, "અમે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે કારણ કે જયપુરની આ પીચ સામાન્ય કરતા થોડી અલગ છે. આ પિચ થોડી સૂકી (Dry) છે અને છેલ્લી મેચમાં તે ઝડપી રમી રહી હતી. અમને આશા છે કે મેચના અંતિમ ભાગમાં તે ધીમી પડશે, જેનો ફાયદો અમારા બોલરોને મળી શકે."
પરાગે વધુમાં ઉમેર્યું કે, "અમારી ટીમનો મુદ્રાલેખ છે કે દરેક ખેલાડીએ આગળ આવીને જવાબદારી નિભાવી જોઈએ. અત્યાર સુધી અમે ૪૦ ઓવરની સંપૂર્ણ ક્રિકેટ રમી શક્યા નથી, પરંતુ ટૂર્નામેન્ટ જ્યારે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, ત્યારે અમે ભૂલો સુધારીને પ્લેઓફમાં મજબૂત દાવેદારી નોંધાવવા માંગીએ છીએ."
