નવી દિલ્હી, 3 જુલાઈ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનો અંત આવતા અને હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) દ્વારા તેલનો સપ્લાય ફરી શરૂ થતાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની આશા હતી, પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કરી દીધું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ઇંધણના ભાવ ઘટાડવાનું કોઈ નક્કર કારણ નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે મીડિયાના સવાલોના જવાબ આપતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મોટાભાગે સ્થિર રાખવામાં આવ્યા છે. તેમણે આંકડાકીય વિગતો આપતા ઉમેર્યું કે, છેલ્લા ચાર વર્ષમાં દેશમાં પેટ્રોલના ભાવમાં માત્ર 5.58 ટકા અને ડીઝલના ભાવમાં 6.23 ટકાનો જ નજીવો વધારો થયો છે.
ઇંધણના ભાવ અત્યારે કેમ નહીં ઘટે?
પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ આશરે 2.18 લાખ કરોડ રૂપિયાના સંચયી અંડર-રિકવરી (નુકસાન)ની ભરપાઈ કરી રહી છે. આ ઉપરાંત, આ કંપનીઓ પાસે હજુ પણ એવા જૂના ક્રૂડ ઓઈલનો સ્ટોક ઉપલબ્ધ છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ખૂબ જ ઊંચી હતી ત્યારે ખરીદવામાં આવ્યો હતો. આ મોંઘા સ્ટોક અને કંપનીઓના આર્થિક બોજને જોતાં હાલના તબક્કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવો વ્યવહારિક નથી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, “વર્તમાન સંજોગોમાં ઇંધણના ભાવ ઘટાડવાનો પ્રશ્ન વ્યાજબી નથી. સરકારે વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા ઉતાર-ચઢાવની સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડવા દીધી નથી. તાજેતરમાં જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ યુદ્ધ જેવો તણાવ હતો, ત્યારે પણ દેશમાં ક્યાંય પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ખોરવાયો ન હતો.”
કેન્દ્રીય મંત્રીએ વધુમાં દાવો કર્યો હતો કે વૈશ્વિક સંકટ દરમિયાન દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર ઇંધણ ખૂટી જવાની (ડ્રાય-આઉટ) સ્થિતિ સર્જાઈ નથી. દેશભરમાં આવેલા અંદાજે 1.07 લાખ પેટ્રોલ પંપ સમગ્ર કટોકટી દરમિયાન સામાન્ય રીતે કાર્યરત રહ્યા હતા. સરકાર અને ઓઈલ કંપનીઓએ વૈશ્વિક ક્રૂડના ભાવોની અસ્થિરતાથી ઊભા થયેલા આર્થિક ઝટકાઓ મોટાભાગે પોતે સહન કર્યા છે, જેથી આમ જનતા પર વધારાનો આર્થિક બોજ ન પડે. જોકે, આ જ કારણસર હવે વૈશ્વિક બજાર શાંત થવા છતાં તાત્કાલિક ભાવ ઘટાડો શક્ય બનશે નહીં.

