હૈદરાબાદ, 3 જુલાઈ 2026: દેશભરમાં કુરિયર અને સરકારી સ્પીડ પોસ્ટ સેવાઓનો દુરુપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરતા એક બહુરાજ્યીય મોટા ગેરકાયદેસર નેટવર્કને પકડી પાડવામાં હૈદરાબાદ પોલીસને મોટી સફળતા મળી છે. હૈદરાબાદ નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગની તપાસમાં બહાર આવ્યું છે કે, આ સિન્ડિકેટ ઝારખંડથી દેશના 21 રાજ્યોમાં ગ્રાહકોના ઘર સુધી સીધું ડ્રગ્સ પહોંચાડતું હતું.
આ સમગ્ર આંતરરાજ્ય રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઝારખંડના ઇસરી બજાર પોસ્ટ ઓફિસથી હૈદરાબાદ મોકલવામાં આવી રહેલું ગાંજાનું એક શંકાસ્પદ પાર્સલ પકડાયું હતું. ત્યારબાદ પોલીસને ફુસરો બજાર પોસ્ટ ઓફિસથી મોકલાયેલા અન્ય એક પાર્સલની કડી મળી હતી, જેની ઝીણવટભરી તપાસ કરતા દેશવ્યાપી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ રેકેટમાં મુખ્ય સુત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ટોળકી દરરોજ 80 થી 100 ગ્રાહકોના ઓર્ડર પૂરા કરતી હતી અને રોજની 8 થી 10 સ્પીડ પોસ્ટ કુરિયર રવાના કરતી હતી. દરેક પાર્સલમાં 50 ગ્રામથી લઈને 250 ગ્રામ સુધીનો ગાંજો છુપાવવામાં આવતો હતો, જેની કિંમત ગ્રાહક દીઠ 1500 થી 8000 રૂપિયા વસૂલવામાં આવતી હતી. આ કાળા કારોબારથી ગેંગ દરરોજ અંદાજે 1 લાખ રૂપિયા, મહિને 30 થી 35 લાખ રૂપિયા અને વર્ષે 4 થી 5 કરોડ રૂપિયા સુધીની અધધ કમાણી કરતી હતી.
મુંબઈમાં આ નેટવર્કના 1000થી વધારે ગ્રાહક
પોલીસે આ કેસના મુખ્ય આરોપી સત્યમ મિશ્રાની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેનો ભાઈ શુભમ મિશ્રા ઉર્ફે શુભમ દાદા, રાહુલ ઝા, સચિન મિશ્રા અને સંતોષ પંડિત હાલ ફરાર છે. હૈદરાબાદના ગુડીમલકાપુર અને એસ.આર. નગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે ડ્રગ્સ મેળવનારા બે સ્થાનિક ખરીદદારો સુશાંત વ્યાસ અને લડ્ડુની પણ ધરપકડ કરી છે, જેમની પાસેથી 2 કિલો ગાંજો જપ્ત કરાયો છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સિન્ડિકેટ ઝારખંડમાં ઉગાડવામાં આવતા ગાંજાની સાથે અન્ય બહારના સપ્લાયર્સ પાસેથી પણ માલ મંગાવતું હતું. ઝારખંડથી ગાંજો પહેલા ટ્રેન મારફતે મુંબઈ અને અન્ય સેન્ટરો પર સચિન મિશ્રા અને સંતોષ પંડિતના ઠેકાણાઓ પર મોકલાતો હતો. ત્યાંથી તેનું નાના પેકેટોમાં પેકિંગ થતું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માત્ર મુંબઈમાં જ આ નેટવર્કના 1000 થી વધુ કાયમી ગ્રાહકો હતા. હૈદરાબાદ મોકલવામાં આવતા કેટલાક મહત્વના પાર્સલ તો એર કાર્ગો (હવાઈ માર્ગે) પણ મોકલવામાં આવતા હતા જેથી તે ઝડપથી પહોંચી શકે.
મેંગો’ અને ‘ફ્લાવર’ જેવા કોડવર્ડ અને UPI થી પેમેન્ટ
આરોપીઓ પકડાઈ ન જાય તે માટે પાર્સલની ઉપર ‘દવાઓ’ અથવા ‘જનરલ સામાન’ લખી દેતા હતા જેથી સ્કેનિંગ કે તપાસ દરમિયાન કોઈને શંકા ન જાય. ઓર્ડર મેળવવા માટે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ થતો હતો અને નાણાકીય લેવડદેવડ સંપૂર્ણપણે UPI (ડિજિટલ પેમેન્ટ) દ્વારા થતી હતી. પકડાયેલા આરોપી સત્યમ મિશ્રાએ આર્થિક તંગીના કારણે અભ્યાસ છોડી દીધો હતો અને બાદમાં નશાની લત લાગતા આ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો. ગેરકાયદે કમાણી છુપાવવા માટે તે પોતાની માતાના બેંક એકાઉન્ટ સહિત અનેક ડમી ખાતાઓનો ઉપયોગ કરતો હતો અને આ કાળા નાણાંને સોના તથા મોંઘી ગાડીઓમાં ઇન્વેસ્ટ કરતો હતો. હાલ પોલીસની ખાસ ટીમો ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડી રહી છે.

