Dailyhunt
પશ્ચિમ બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાંથી 76 લાખ નામો દૂર કરાયા

પશ્ચિમ બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાંથી 76 લાખ નામો દૂર કરાયા

કોલકાતા, 26 માર્ચ 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે મતદાર યાદીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યમાં મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 76 લાખ જેટલા શંકાસ્પદ નામો દૂર કરવામાં આવ્યા છે. કોલકાતામાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી કે, તપાસ કરાયેલા 32 લાખ નામોમાંથી 40 ટકા એટલે કે આશરે 13 લાખ નામો હાલમાં જ હટાવવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, SIR પ્રક્રિયા દરમિયાન અગાઉ 63 લાખ નામો દૂર કરવામાં આવ્યા હતા, જેની સાથે કુલ આંકડો હવે 76 લાખ પર પહોંચ્યો છે. આ પ્રક્રિયા બાદ પશ્ચિમ બંગાળમાં પાત્ર મતદારોની સંખ્યા શરૂઆતી 7.66 કરોડથી ઘટીને 7.08 કરોડ થઈ ગઈ હતી. 28 ફેબ્રુઆરીએ જાહેર થયેલી અપડેટેડ યાદી બાદ આ સંખ્યા વધુ ઘટીને 7.04 કરોડ નોંધાઈ છે.

ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે મતદાર યાદીમાંથી નામો દૂર કરવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે. મતદારનું મૃત્યુ થયું હોય, મતદાર અન્ય સ્થળે કાયમી સ્થળાંતર કરી ગયો હોય અને એક જ મતદારનું નામ બે અલગ-અલગ જગ્યાએ (ડુપ્લીકેશન) નોંધાયેલું હોય.

ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં 32 લાખ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 28 લાખ કેસો તપાસના દાયરામાં છે. આ કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યમાં 705 ન્યાયિક અધિકારીઓ કાર્યરત છે. પશ્ચિમ બંગાળના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી સપ્લીમેન્ટરી લિસ્ટ દર શુક્રવારે જાહેર કરવામાં આવશે, જેનો અર્થ છે કે આવતીકાલે બીજી યાદી જાહેર થઈ શકે છે.

દરમિયાન, CEO મનોજ અગ્રવાલે મતદાર યાદી દરરોજ જાહેર કરવાની પરવાનગી મેળવવા માટે કલકત્તા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જોકે, હાઈકોર્ટે આ મામલે સ્પષ્ટતા કરી છે કે આ અરજી પર વધુ સુનાવણી 27 માર્ચ પછી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચની આ કડક કાર્યવાહીને કારણે રાજકીય પક્ષોમાં પણ હલચલ મચી ગઈ છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થવાથી આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર પડી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Real Voice of India