Dailyhunt
સતત હુમલા છતાં ઈરાન પાસે હજુ જંગી મિસાઈલ અને ડ્રોન સુરક્ષિત, US ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો

સતત હુમલા છતાં ઈરાન પાસે હજુ જંગી મિસાઈલ અને ડ્રોન સુરક્ષિત, US ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો

વોશિંગ્ટન, 3 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલના દાવાઓ પર સવાલ ઉઠાવતો એક સનસનાટીભર્યો ખુફિયા રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ સપ્તાહથી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા સચોટ હુમલાઓ છતાં ઈરાનની સૈન્ય શક્તિનો અંત આવ્યો નથી.

સીએનએન દ્વારા જાહેર કરાયેલ અહેવાલ મુજબ, ઈરાન પાસે હજુ પણ તેની મિસાઈલ લોન્ચિંગ ક્ષમતાના 50 ટકા મિસાઈલ લોન્ચર અને હજારો ડ્રોન સક્રિય હાલતમાં છે, જે સમગ્ર પ્રદેશ માટે ગંભીર ખતરો બની શકે છે.

તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલ અને ડ્રોન લોન્ચ કરવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે અને તેમની ફેક્ટરીઓ બરબાદ થઈ ચુકી છે. જોકે, ગુપ્તચર અહેવાલ આ દાવા સાથે સહમત નથી. રિપોર્ટ અનુસાર, ઈરાનની અંડરગ્રાઉન્ડ ટનલ (ભૂગર્ભ સુરંગો) અને મોબાઈલ લોન્ચ સિસ્ટમ હજુ પણ કાર્યરત છે, જેના કારણે ઈરાન વળતો પ્રહાર કરવાની શક્તિ ધરાવે છે.

પેન્ટાગનના જણાવ્યા મુજબ, અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનના 12,300 થી વધુ લક્ષ્‍યો પર હુમલા કર્યા છે. જેમાં સર્વોચ્ચ નેતા અલી ખામેની અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાની જેવા નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. તેમ છતાં, ઈરાનની ‘કોસ્ટલ ક્રૂઝ મિસાઈલ’ હજુ પણ સુરક્ષિત છે, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજો માટે મોટું જોખમ છે.

ઈરાને વર્ષોથી પોતાની મિસાઈલો અને લોન્ચર્સને પહાડોમાં આવેલી ગુપ્ત ગુફાઓ અને અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં છુપાવી રાખ્યા છે. અમેરિકાએ આ ટનલના પ્રવેશદ્વારો પર હુમલા કરીને તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મોબાઈલ લોન્ચિંગ પ્લેટફોર્મ્સને કારણે ઈરાન સતત પોતાનું સ્થાન બદલી રહ્યું છે, જેથી તેને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવું મુશ્કેલ બની રહ્યું છે.

ઈરાની નૌસેનાને નોંધપાત્ર નુકસાન થયું હોવા છતાં, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નાની હોડીઓ અને માનવરહિત સરફેસ જહાજો હજુ પણ સક્રિય છે. આ નાની નૌકાઓ દરિયાઈ માર્ગે ‘ગેરિલા’ હુમલા કરીને વૈશ્વિક વેપારને ખોરવી શકે છે. નિષ્ણાતોના મતે, ભલે ઈરાની મિસાઈલ હુમલાઓમાં 90 ટકાનો ઘટાડો થયો હોય અને અમેરિકા પાસે ‘એર ડોમિનેન્સ’ હોય, પરંતુ ઈરાનને સંપૂર્ણપણે સૈન્ય વિહોણું કરવું એ ધારવા કરતાં વધુ પડકારજનક છે. આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે માત્ર હવાઈ હુમલા પૂરતા નથી.

આ પણ વાંચોઃ વિદેશમાં ભારતીય શ્રમિકોની સ્થિતિ ચિંતાજનક: 5 વર્ષમાં 37,000 થી વધુના મોત

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Real Voice of India