Dailyhunt
વિધાનસભા ચૂંટણી પરિણામઃ બંગાળ અને કેરલમમાં ડાબેરીઓના પ્રદર્શન અંગે ડી.રાજાએ વ્યક્ત કરી ચિંતા

વિધાનસભા ચૂંટણી પરિણામઃ બંગાળ અને કેરલમમાં ડાબેરીઓના પ્રદર્શન અંગે ડી.રાજાએ વ્યક્ત કરી ચિંતા

વી દિલ્હી, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે જ્યારે ડાબેરીઓનો ગઢ ગણાતા કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ના મહાસચિવ ડી. રાજાએ વિપક્ષી દળો અને ખાસ કરીને ડાબેરી પક્ષોને આત્મમંથન કરવાની સલાહ આપી છે.

તેમણે કહ્યું કે બંગાળમાં ભાજપનું મજબૂત થવું એ માત્ર એક રાજકીય ફેરફાર નથી, પરંતુ તમામ લોકતાંત્રિક સંગઠનો માટે જોખમની ઘંટડી છે.

ડી. રાજાએ સ્વીકાર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોનું કથળતું પ્રદર્શન અત્યંત ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું કે, “બંગાળમાં પ્રથમ વખત ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં દેખાઈ રહ્યો છે. આ તમામ બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક સંગઠનો માટે એક મોટો બોધપાઠ છે. જો આપણે બંગાળમાં ડાબેરી વિચારધારાને ફરી બેઠી નહીં કરીએ, તો સમગ્ર દેશમાં ડાબેરી રાજકારણ સામે અસ્તિત્વનું સંકટ ઊભું થશે.” કેરળના મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં નબળા પડ્યા બાદ હવે આપણી પાસે કેરળ એક મુખ્ય ગઢ છે. જો કોઈ સંજોગોમાં આપણે કેરળ પણ ગુમાવી દઈએ, તો ભારતમાં ડાબેરી ચળવળનું ભવિષ્ય શું હશે? તે એક ગંભીર પ્રશ્ન છે.”

ડી. રાજાએ સ્પષ્ટ કર્યું હતું કે ડાબેરી પક્ષોએ જમીની સ્તરે ફરીથી લોકો સાથે જોડાવું પડશે અને ભાજપના વધતા પ્રભાવને રોકવા માટે તમામ બિનસાંપ્રદાયિક મોરચાઓએ એકજૂથ થવું પડશે. બંગાળમાં ડાબેરીઓનું પુનરુત્થાન જ દેશમાં ડાબેરી રાજકારણને નવી દિશા આપી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી પરિણામ: કેરલમમાં કોંગ્રેસ 100 બેઠકોની નજીક પહોંચી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Real Voice of India