Sunday, 17 Dec, 5.40 am સમભાવ ન્યૂઝ

કલા અને સાહિત્ય
પાલનપુર એટલે 'શૂન્ય', 'સૈફ' અને 'ઈશ્ક'

નવાબીનગરી પાલનપુરની આમ તો અનેક વિશેષતાઓ છે, છતાં ગુજરાતી ગઝલવિશ્વમાં રહેલું તેનું મુઠી ઉંચેરું સ્થાન એની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય. 'શૂન્ય' અને 'સૈફ' સહિત અનેક ઉમદા શાયરોનો સમૃદ્ધ ગઝલવારસો સાચવીને બેઠેલા આ શહેરની ગલીઓમાં ગુજરાતી ગઝલનો એક આખો ઈતિહાસ ધરબાઈને પડ્યો છે. હાલ 'શૂન્ય' પાલનપુરીની જન્મજયંતિ નજીકમાં છે ત્યારે અહીં પ્રસ્તુત છે પાલનપુરની શેરીઓમાં રઝળપાટ કરીને મેળવેલા ગુજરાતી ગઝલવિશ્વના કેટલાક સાચાં મોતી...

પાંચેક વાગ્યા હશે. સાંકડી શેરીઓના ઉબડખાબડ રસ્તાઓ પર ભીડને ચીરતી શટલરિક્ષા કાવા મારતી ચાલી જાય છે. નવાઈ ત્યારે લાગી જ્યારે ભીડના ભારે અવરોધ વચ્ચે પણ રિક્ષાની બંને બાજુએ પસાર થતી ગલી, શેરીનો વૈભવ ધ્યાન ખેંચ્યા વિના ન રહ્યો. નજર સામેથી એક પછી એક પસાર થતી જતી જૂની ઢબની મેડીઓ તથા તેના કલાત્મક ઝરૃખા સાથે સ્પર્ધા કરતા બારી-બારણાં વગેરેને ફરીફરીને જોવાની ઈચ્છા થઈ આવી. સફેદ સપાટ ટોપી પહેરીને પતંગ ઉડાવતા બાળકોને જોઈને તમને અચાનક કોઈ કવિતા સ્ફૂરે. તો ભરબજારે કાજળ ખરીદવા નીકળેલી કોઈ બાનુ કાજળની ઘેરાશ ચકાસવા આંખમાં લસરકો મારીને પોતાના બુરખાનશીન ચહેરા વચ્ચેથી તગતગતી બે મસ્તીભરી આંખો વચ્ચે હસતા કાજળનો રંગ તપાસતી દેખાય તે દૃશ્ય વિશે તો શું કહેવું ! આવી જ કોઈ 'રૃપની રાણી' કે 'શાહજાદી'ને જોઈને જ અહીંના હોનહાર શાયરને એ લાજવાબ પંક્તિઓ સ્ફૂરી હશે! સ્ત્રીઓ તો ઠીક, અહીં પાનના ગલ્લે, બેકરી શોપે, મટન-ચીકનની લારીએ, ઘડિયાળી કે અત્તરવાળાને ત્યાં ઉભેલા પુરુષોમાં પણ તમને કાવ્યતત્વ સાંપડે એવું આ શહેર. કોઈ ઓટા પર એકાદ બકરો મોજથી લીલોતરી ચાવતો નજરે પડે, તો ક્યાંક તગડાં ડુક્કર પાછળ બચ્ચાંઓની આખી ફૌજ ઉકરડાં ફંફોસતી હોય. અહીંના કૂતરાઓ પણ સ્વમાની, જરાક અમથું અડપલું કરો તો પણ પિંડી તોડી લે એવા.

અહીંની સાંકડી શેરીઓ ભારે અટપટી. એકવારમાં તો તેનો તાળો ક્યારેય મળે જ નહીં ને ! જેમ શેરપાઓ વિના હિમાલય ખેડવો અશક્ય છે એવું જ આ નગરીમાં ટુ વ્હીલર ચલાવવા બાબતે સ્થાનિક ડ્રાઈવરોનું છે. સાંકડી અહીંની શેરીઓમાં બાઈક ચલાવવી બહારના ડ્રાઈવરનું ગજું નહીં ! નગરપાલિકાની બેદરકારીના કારણે રસ્તાની બંને બાજુ ખુલ્લી ગટરોમાં ગમે ત્યારે પડી જવાનો ભય રહે. પણ અમારા રિક્ષાચાલકને તો આ બધું રોજનું થયું હોઈ તે ભાઈસાહેબ તો બેફિકર થઈને કાવા માર્યે જતો હતો. પંદરેક મિનિટમાં નોનવેજના ખૂમચા, શરબતની દુકાનો, બંગડીઓની લારીઓ, મીઠાઈવાળા, બૂટપોલીશવાળા, છૂટક કરિયાણાની દુકાનો, શીંગચણાની લારીઓ, તાળાંકૂંચીવાળા, બેકરી શોપ, સમોસાવાળા, પાનના ગલ્લાં, કચરિયાની હાટડીઓ, સસ્તા અનાજની દુકાનો, મટન-ચીકન કોર્નર એમ ભાતભાતની જણસો વચ્ચેથી રસ્તો કાપતી રિક્ષા આખરે એક મેદાનમાં આવીને ઉભી રહી. અમે નીચે ઉતર્યા કે તરત સામેની દીવાલ પર નજર ગઈ. ત્યાં લખેલું હતું, 'હો અગર રઈસ તો ઈતના વક્ત દિજીયે, કભી કભી શહરે ખામોશા કી સફર કિયા કિજીયે'. એ કબ્રસ્તાન હતું અને અમે ખાસ એ 'શહરે ખામોશા'ની મુલાકાતે જ આવ્યા હતા.

રિક્ષાવાળો ચારભાઈ ફૂંકતો અંદર જ બેસી રહ્યો અને અમે બંને 'ઔરતો કો કબ્રસ્તાનમેં જાના સખ્ત મના હૈ' લખેલું બોર્ડ વટાવીને અંદર પ્રવેશ્યા. પહેલા જ એક મુસ્લિમ યુવાન એક કબર પર ગુલાબ ચઢાવતો નજરે પડ્યો. મારી સાથે રહેલા ભાઈને સામે જોઈને તેણે સ્માઈલ આપી. ત્યાંથી ઢાળ તરફના રસ્તે અમે આગળ વધ્યાં. ઢાળ વટાવ્યો તેમ ચોમાસામાં ઉગી નીકળેલી કાંટાળી વનસ્પતિના ઝૂંડની સાથે કબરોની સંખ્યા અને ગીચતા પણ વધતી ચાલી. માણસ તરીકે જેમની હસ્તી કાયમ માટે મટી ચૂકી હતી તેવા અનેકોની કબરો સામે આરસની તકતી ખોડેલી જોઈ અને એ જ ધરતીના વધુ એક જાણીતા શાયરની રચના યાદ આવી ગઈ, 'મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ!'. મનમાં એ પંક્તિઓ મમળાવતા નિચાણવાળા ભાગમાં આગળ વધ્યાં ત્યાં સાથે આવેલા ભાઈએ જંગલી વનસ્પતિઓની વચ્ચે જરાક અમથી ડોકિયું કરતી એક કબર તરફ આંગળી ચીંધી, કહ્યુંઃ 'ત્યાં છે'. એ બાજુ નજર સ્થિર થઈ અને શરીરમાંથી રોમાંચનું એક મોટું લખલખું પસાર થઈ ગયું ! રુંવાડાં તો ઉભા થઈ જ ગયા હતા એમાં વળી અંતરનો ઉન્માદ પણ ભળ્યો. પછી તો એ તરફ મંડાતા દરેક ડગલાં સાથે હૃદયના ધબકારાં અને રોમાંચ વધતા ચાલ્યાં. કાંટાળી વનસ્પતિને હડસેલતો વીસેક ડગલાં કાપીને અંતે તેની સામે આવીને ઉભો રહ્યો. હાથેથી જેમ તેમ કરીને આસપાસની કાંટ અને ખડ દૂર કરી તકતીને ખુલ્લી કરી. સફેદ આરસ પર આછા કાળા રંગે લખેલું દેખાયું, '૭૮૬, અલીખાન ઉસ્માનખાન બલોચ ઉર્ફે શૂન્ય પાલનપુરી!'.

નવાબી નગરી પાલનપુરની આમ તો અનેક વિશેષતાઓ, લાક્ષણિકતાઓ રહી છે. અહીંના ઝવેરીઓ, ચિત્રકારો, ફોટોગ્રાફરો, અત્તર વગેરે તો જાણીતા છે જ, પણ તેના સાહિત્યકારો અને શાયરોએ તેને વૈશ્વિક સ્તરે ઝળહળતું કર્યું છે. શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરીથી ખ્યાતિ પામેલો આ વારસો ઓજસ પાલનપુરી, મુસાફિર પાલનપુરીથી આગળ ધપીને નવી પેઢીના ઈશ્ક પાલનપુરી, શૈલ પાલનપુરી અને પરમ પાલનપુરી સુધી લંબાયો છે. ચંદ્રકાન્ત બક્ષી જેવા ખ્યાતનામ સર્જક પણ આ જ શહેરની દેન છે. ૧૯મી ડિસેમ્બરના રોજ મશહૂર શાયર 'શૂન્ય' પાલનપુરીની જન્મજયંતિ આવે છે. ત્યારે પ્રસ્તુત છે શૂન્ય અને તેમના જેવા જ અહીંના કવિરત્નો વિશે રઝળપાટ કરીને મેળવેલા કેટલાક વિણેલાં મોતી.

પાલનપુરી શાયરોનો સમૃદ્ધ વારસો

ગુજરાત કે ગુજરાત બહાર યોજાતા કવિ સંમેલનો અને મુશાયરાઓમાં એક સવાલ ચોક્કસ રિપીટ થાય છે કે, પાલનપુરમાં આટલા બધાં કવિઓ-શાયરો થવા પાછળનું કારણ શું ? લોકમુખે એકથી વધુ વખત ચર્ચાતા આ સવાલના મૂળ જો કે છેક તેના સ્થાપનાકાળ સાથે સંકળાયેલા છે. પાલનપુરના સ્થાપક રાજવી પ્રહલાદનદેવ પરમાર એક ઉચ્ચ કોટિના કવિ અને નાટ્યકાર હતા. સ્થાનિક સંશોધનકારોના મતે તેમણે વિક્રમ સંવત ૧૨૩૦થી ૧૨૩૩ની વચ્ચે પાલનપુરની સ્થાપના કરી તેમણે તેને રાજધાની બનાવી હતી. શરૃઆતમાં તેનું નામ પ્રહલાદનપટ્ટણ હતું જે કાળક્રમે પ્રહલાદનનગર, પાલણપુર અને પછી પાલનપુર થયું હતું. પ્રહલાદન દેવે સંસ્કૃતમાં 'પાર્થપરાક્રમવ્યાયોગ' નામે નાટિકાનું સર્જન કરેલું. મહાભારતની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ નાટિકામાં અર્જુન અને શ્રીકૃષ્ણલીલાનું વર્ણન હતું. તેમની સાહિત્યપ્રીતિએ તેમને રાજ્યમાં સાહિત્યકારો માટે અનેક સુવિધાઓ ઉભી કરવા પ્રેર્યા હતા. એટલું જ નહીં તત્કાલીન જાણીતા સાહિત્યકારોને પોતાના રાજ્યમાં નિમંત્રણ પણ પાઠવ્યું હતું. પાલનપુરની હનુમાન ગલી સ્થિત પલ્લવિયા પાર્શ્વનાથ મોટા દેરાસરમાં આજે પણ તેમની પ્રતિમા જોવા મળે છે.

તેમના ગયા બાદ આચાર્ય દેવેન્દ્રસિંહ સૂરિજી મહારાજ, આચાર્યશ્રી સોમસુંદર સુરિજી મહારાજ, આચાર્યશ્રી હીર વિજયસૂરિ મહારાજ અને કવિ અનવર કાઝી સાહેબ 'જ્ઞાની'એ તેમના સાહિત્ય વારસાને આગળ ધપાવ્યો હતો. અનવર કાઝી સાહેબના 'અનવર કાવ્ય'ની લોકપ્રિયતાનો ખ્યાલ એના પરથી જ આવે છે કે ૧૯૫૭ સુધીમાં તેની આઠ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હતી. સાડા ચારસો પાનાંના 'અનવર કાવ્ય' ગ્રંથમાં ભજનો, ગરબી, પદો, ઉર્દૂ- ફારસી ગઝલો, શોક કાવ્યો સમાવેશ થાય છે. જો કે, પોતાના નામની પાછળ 'પાલનપુરી' અટક લખાવનાર પહેલા કવિ હતા હકીમસૈયદ લાલમીયાં ખાનજીમીયાં ઉર્ફે 'લાલ' પાલનપુરી. ૧૯૩૬માં ૮૫ વર્ષની વયે મૃત્યુ પામેલા લાલ પાલનપુરીની સમગ્ર રચનાઓનો સંગ્રહ એટલે એ સમયે ઊર્દૂલિપિમાં પ્રસિદ્ધ થયેલ 'કુલિયાતે લાલ'. 'લાલ સે તેરી તરહ તર્કે-મહોબ્બત ક્યોં હો ? કેહરો-આફત હૈ લગે દિલકા છુડાના જાનાં' જેવા તેમના શેર આજે પણ પાલનપુરમાં જાણીતા છે. જો કે ઊર્દૂ-ફારસીના એ સમૃદ્ધ વાતાવરણ વચ્ચે અસલ પાલનપુરી બોલીમાં કવિતા રચવાનો શ્રેય કવિ લશ્કરખાન બલોચના ફાળે જાય છે. અસલ પાલનપુરી બોલીમાં 'કેમ છો ? ને બદલે 'કૂં હો ?', 'ક્યારે આવ્યા ?' ને 'કદે આય ?', 'ઠીક છો ને ?' બદલે 'બેસ હો ને ?' બોલાય છે. વળી પાણીને પોંણી, રાણીને રોંણી, લેવાને લેંણા અને દેવાને દેંણા બોલાય છે. લશ્કરખાન બલોચે પાલનપુર અને તેની આસપાસના ચિત્રાસણ, જૂના ડિસા, માલણ અને આંબેથા જેવા ગામોના જાગીરદાર પરિવારોમાં બોલાતી આ અસલ પાલનપુરી લહેકાવાળી બોલીને કંઈક આ રીતે કવિતામાં ઉતારી હતી,

ફખરના હોય ક્યૂં અપણે હુનર કા આજ અપણોં કૂં ?
ક્યા યુરોપમેં બી કોઈ કર સકા હૈ આજ તક છોંણા ?

લશ્કરખાન ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, ઊર્દૂ અને ફારસીના પણ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. પાલનપુરના તત્કાલીન રાજવી નવાબ તાલેમહંમદખાનજીએ તેમને 'દમ' ઉપનામ સૂચવેલું. જો કે એ તેમણે સ્વીકાર્યું કે નહીં તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પણ બાદમાં તેમણે પોતાના નામ ઉપરથી 'લશ્કર' ઉપનામ રાખીને ૧૯૩૦માં 'લશ્કરમાલા' નામનો કવિતાસંગ્રહ પ્રસિદ્ધ કર્યો હતો. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે તેમને પોતાને ત્યાં નોકરીએ રાખેલાં હોઈ તેમનો આ સંગ્રહ પણ વડોદરામાં જ પ્રિન્ટ થયો હતો. ૧૯૨૨માં તેઓ મહારાજા સાથે યુરોપના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાં મોટાં મોટાં કારખાનાઓ જોઈને તેમણે ઉપર જણાવ્યો તે શેર લખ્યો હતો. સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તેને 'આફતાબે મૌસીકી' એટલે કે સંગીતના સૂર્યનો ખિતાબ મળ્યો હતો. ૧૯૬૦માં લગભગ ૬૦ વર્ષની વયે લશ્કરખાને દેહ છોડ્યો ત્યાં સુધીમાં તેઓ અસલ પાલનપુરી બોલીના પ્રથમ કવિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતા. તેમના ગયા પછી એ પ્રકારની કવિતાઓ લખાવી થોડા સમય માટે અટકી ગઈ.

એ દરમિયાન પાલનપુર રાજ્યના રાજકવિ છોટાલાલ બ્રહ્મભટ્ટે કાલિદાસની કેટલીક રચનાઓનો અનુવાદ કર્યો હતો. તેમની સાથે સૂરજમલભાઈ ઝવેરી ઉર્ફે કુમારી જ્યોતિર્બાળા, વિશ્વનાથ ડૉલરરાય હાથી, બાબુભાઈ પવાર, જેસિંગલાલ ઝવેરી વગેરે એવા સર્જકો આવ્યા જેમણે કવિતાઓ તો કરી પણ પોતાની રચનાઓમાં પાછળ 'પાલનપુરી' નામ ધારણ ન કર્યું. એમાં સૂરજમલભાઈ ઝવેરી સાથેનો એક કિસ્સો ભારે જાણીતો છે. તેઓ 'નવચેતન' સામયિકમાં 'કુમારી જ્યોતિર્બાળા' નામથી નારીસંવેદના આધારિત કવિતા લખતા હતા. દરમિયાન તેમની કવિતાઓમાં ઝીલાતા સ્ત્રીભાવ સામે વાચકોમાં શંકા ઉત્પન્ન થઈ કે, આ કાવ્યોના રચનાર કોઈ સ્ત્રી નહીં પણ પુરુષ લાગે છે. કેટલાક વાચકોએ પત્રો લખ્યા એટલે તંત્રી ચાંપશીભાઈ ઉદ્દેશીએ સૂરજમલભાઈ સુધી પોતાની મૂંઝવણ પહોંચાડી. એજ અઠવાડિયે સૂરજમલભાઈએ સ્ત્રીવેશ ધારણ કરી, ફોટો પડાવી ચાંપશીભાઈને મોકલી આપ્યો. જે તેમણે 'નવચેતન'ના દિવાળી અંકમાં પ્રસિદ્ધ કરી વાચકોની મૂંઝવણનો અંત આણ્યો હતો. તેમની અનેક રચનાઓમાં 'ભગવી ચૂંદડી' નામની કવિતા બહુ જાણીતી છે.

રંગાવ મારે માટે વ્હાલમા એક ભગવી ચૂંદડી !
પહેરાવ ત્હારા હાથથી ઓ નાથ! ભગવી ચૂંદડી !

અસ્પર્શ્ય મ્હારાં ભાન્ડુઓનાં "હાય" ઝરતી આંખનાં,
લૂછીશઃ ઊન્હાં આંસૂડાં એ લેઈ ભગવી ચૂંદડી !

સૂરજમલભાઈ પછી અને જેસિંગભાઈ ઝવેરીના સમયગાળા બાદ સળંગ એવા કવિઓ આવ્યા જેમણે પોતાના નામની પાછળ અટકને બદલે પાલનપુરી લખાવવું શરુ કર્યું. સાહેબજાદા કેપ્ટન અતામહંમદખાન ઉર્ફે 'અતા' પાલનપુરી તેમાં સૌથી પહેલા રહ્યાં. અગાઉ એકમાત્ર 'લાલ' પાલનપુરી જ હતા જેમણે પોતાના નામ પાછળ હકીમસૈયદને બદલે 'પાલનપુરી' અટક લખાવી હતી. પણ અતા પાલનપુરી બાદ અહીંના મોટાભાગના સર્જકો પાલનપુરી અટક લખાવતા થયા. એ શિરસ્તો આજદિન સુધી જળવાઈ રહ્યો છે. 'અતા' પાલનપુરીને ખાસ એટલા માટે યાદ કરવા પડે કેમ કે, તેઓ પાલનપુરની રાજગાદીના નવાબ સાહેબ શેરમહંમદખાનજીના પૌત્ર હતા છતા નવાબી અટક ત્યજીને 'પાલનપુરી' લખાવતા હતા. તેમના એકમાત્ર ઊર્દૂ સંગ્રહ 'તફકકુરાત' (ચિંતાઓ, મનોમંથનો)માં એવી અનેક રચનાઓ છે જે તેમની કવિપ્રતિભાનું પ્રતિબિંબ પાડે છે.

હુસ્ન જબ બેનકાબ હોતા હૈ
ઈક નયા ઈન્કિલાબ હોતા હૈ

શેખ ક્યા જાને ઐસી બાદાકશી (સુરાપાન)
જિસમેં પીના સબાવ હોતા હૈ

હમ જહાં ભી નઝરકો ઠેહરાદેં
વો વહીં બેનકાબ હોતા હૈ

અને 'શૂન્ય'પાલનપુરી..

'અતા' પાલનપુરીએ જે કેડી કંડારી તે પછી તો કાયમ માટે પાલનપુરી શાયરોની ઓળખ બની રહી. પણ એ કેડીનું પહેલું અને સૌથી જાણીતું પગલું એટલે 'શૂન્ય' પાલનપુરી! પાલનપુરી શાયરોમાં શિરમોર ગણાતા શૂન્ય પાલનપુરીની ગઝલોની જાહોજલાલી જબરી છે. ડૉ. એસ.એસ. રાહીના પુસ્તક 'શૂન્યલોક'માં જાણીતા વિવેચક ચંદ્રકાન્ત શેઠ લખે છે, 'ગુજરાતી ગઝલમાં સભરતા લાવવામાં જે કેટલાક ઉમદા શાયરોએ પોતાનું શહૂર દેખાડ્યું તેમાંના એક તે 'શૂન્ય' પાલનપુરી. 'શૂન્ય' તો અલગારી શાયરનાં ખમીર અને ખુમારીના ગાયક. તેમની ગઝલોનાં મૂળિયાં આત્મતત્ત્વ ને પરમતત્ત્વની ભોંયમાં ઊતરેલાં હોવાનું વરતાય છે. જીવનની કેવી ઊંડી અને સમતોલ સમજ 'શૂન્ય'ની છે તે એમની ગઝલો બરોબર બતાવે છે. એમના અવાજમાં એમના અસલીપણાનો રણકો છે ને તેથી જ પ્રથમ દર્શને કેટલીક વાર સાદી લાગતી ગઝલમાં એમનો વૈભવ પણ અનુભવી શકાય છે.'

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે

પાલનપુરના ધૂળિયા વિસ્તાર પાધરિયાવાસમાં અલીખાન ઉસ્માનખાન બલોચ ઉર્ફે 'રૃમાની' પાલનપુરી ઉર્ફે 'શૂન્ય' પાલનપુરી ઉછરેલા. તેમનો જન્મ તો ૧૯ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ અમદાવાદ નજીક આવેલા લીલાપુરમાં થયો હતો. પણ માત્ર ચાર વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતા તેઓ માતા સાથે મામાના ઘેર પાલનપુર આવી ગયેલા. અહીં તેમના માતાએ કપડાં સીવી, બીડીઓ વાળીને તેમને મોટા કર્યા હતા. કિશોરાવસ્થામાં નાનકડો અલીખાન પાધરિયાવાસમાં પાનનો કરંડિયો લઈ, ઘેરઘેર પાન વેચી વિધવા માતાને મદદ કરતો. બાળપણથી જ જવાબદારીની ધૂંસરી ખભે ઊંચકીને ઉછરેલો એ કિશોર મોટો થઈને કવિ થયો. અને તેની સંઘર્ષગાથા જ જાણે ગઝલનું સ્વરૃપ ધારણ કરીને આપણી વચ્ચે આવી પડી. એ સમયે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઊર્દૂના ઉસ્તાદ શાયરોનો જાદુ પથરાયેલો હતો. દિલ્હીથી યુપીના લખનઉ અને ગુજરાતના સુરત, રાંદેર, જૂનાગઢ, માંગરોળ, વડોદરા, ભરુચથી લઈને નાનકડા પાજોદ સુધી ઊર્દૂ મુશાયરાઓનો દબદબો હતો. ગુજરાતમાં જનાબ અખ્તર જૂનાગઢી, સિદ્દીક જૂનાગઢી, એજાઝ ભરુચી, દર્દ બડોદેવી, ફખરુદ્દિન કાદરી, લાલમિયાં સૈયદ, હાફિઝ અખ્તર હુસૈની જેવા ઉત્તમ કક્ષાના શાયરોની હાજરી હતી. જેમાંના કેટલાકની શાયરીઓ તો છેક આગ્રાથી પ્રસિદ્ધ થતા ઊર્દૂ માસિક 'શાઈર'માં છપાતી હતી. ઊર્દૂ કવિતાના આવા ફૂલગુલાબી વાતાવરણ વચ્ચે અલીખાને 'રૃમાની' ઉપનામથી શાયરીઓ કરવી શરુ કરી.

કેહ સકો તો જાઓ કેહદો હાકિમે-તકદીર સે
બાંધ તો દેખે જુનૂને-ઈશ્કકો તબદીર સે.

દહેર કે ઝૂટે ખુદાઓંકો પસીના આ ગયા-
મૈંને જબ ખુદકો મિલા દેખા તેરી તસવીર સે.

સાવ શરુઆતના ગાળામાં પણ તેમની શાયરીઓ દમદાર હતી. જો કે નિયતિએ એક અદ્ભૂત કાર્ય તેમની પાસે કરાવ્યું તે ઉમર ખૈયામની ફારસી રૃબાઈયોનો ગુજરાતીમાં અનુવાદ. ચં.ચી. મહેતા અને બચુભાઈ રાવત જેવા સાક્ષરોએ ખૈયામના ૧૪ જેટલા ગુજરાતી અનુવાદો પૈકી શૂન્ય પાલનપુરીએ કરેલા અનુવાદને સર્વશ્રેષ્ઠની મહોર મારી હતી. આશ્ચર્ય એ વાતનું થાય કે, જીવન-મરણનું ગહન તત્વદર્શન કરાવતી આ રૃબાઈયોને કેમ આપણી શાળાઓના પાઠ્યપુસ્તકોમાં સ્થાન નથી ? આ જૂઓ,

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે,

કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે

ગઝલ સર્જન માટે તેમણે કોઈની પણ પાસેથી પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી. જે કંઈપણ શીખ્યા હતા તે સ્વયંભૂ અને અભ્યાસ દ્વારા મેળવ્યું હતું. ૧૯૪૩-૪૪માં તેઓ જૂનાગઢ ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા. ત્યાં પાલનપુરના નવાબ સાહેબનો પત્ર લઈને તેઓ પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન બાબી ઉર્ફ રુસ્વા મઝલૂમીને મળ્યાં. સાહિત્ય અને સંગીતના રીતસર દિવાના એવા પાજોદ દરબારે અલીખાનની શાયરીમાં રહેલી તાકાતને પિછાણી. ગુજરાતી ગઝલ ભાગ્યશાળી કે, અહીં જ તેમની મુલાકાત અમૃત 'ઘાયલ' સાથે થઈ ગઈ. ઘાયલની પારખું નજરે ઊર્દૂમાં શાયરી કરતા અલીખાન 'રૃમાની'ને ગુજરાતીમાં ગઝલ લખવા કહ્યું. તરત તેઓ તૈયાર ન થયા પણ પછી તેમણે પોતાને કોઈ તખલ્લુસ આપવા વિનંતી કરી. ઘાયલે મીંચેલી આંખે બેફિકર થઈને એમ જ 'શૂન્ય' તખલ્લૂસ આપી દીધું ! બાદમાં તે બદલી નાખીશું એવું તેમણે કહ્યું, પણ અલીખાનના દિલમાં તે વસી ચૂક્યું હતું. એટલે એજ નામથી લખવું શરુ કર્યું અને પછી જે થયું તે ઈતિહાસ છે.

હું નથી પૂછતો, ઓ સમય ! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?

જ્યારે જ્યારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં -
'શૂન્ય' દોડે છે વહારે, જો કે અલગારી નથી.

તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

એક કવિ દ્વારા કેવી રીતે કોઈ ગઝલનું સર્જન થાય છે તે સમગ્ર પ્રક્રિયાને રજૂ કરતો એક અદ્ભુત શેર તેમણે આપ્યો. ગઝલ સ્ફૂરણાની અલૌકિક ક્ષણોને જે રીતે 'શૂન્ય' પાલનપુરીએ રજૂ કરી છે તેવું અન્ય ઉદાહરણ ગુજરાતી ગઝલવિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ,

દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઉઠે-
રૃપ ઝણકાવે પાયલ ને સ્ફૂરે ગઝલ.

શૂન્ય સાહેબના સાહિત્ય ઉપર નજર કરીએ ત્યારે તો તેમના પુસ્તકોનાં નામ અને તેમાં છુપાયેલો મર્મ પણ ધ્યાન ખેંચે. જૂઓ, શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનું સ્મારક અને શૂન્યની સ્મૃતિ. કેટલું અદ્ભુત ! આ પ્રકારની સાતત્યતા, ગૂઢતા સમગ્ર ગુજરાતી ગઝલ વિશ્વમાં બીજી કોઈ નથી. સર્જક માત્રને સન્માનની ઈચ્છા હોય. આપણે ત્યાં બેત્રણ કાવ્યો,ગઝલોના આધારે અવૉર્ડ મેળવતી જમાતનો તોટો નથી. ત્યારે એક બાબત સતત આપણને ખૂંચ્યા કરે કે 'શૂન્ય' પાલનપુરી જેવા આલા દરજ્જાના સર્જકને કેમ એકેય અવૉર્ડ નહીં મળ્યો હોય ? અફલાતૂન આ શાયર ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ કાયમ માટે પોઢી ગયા. પણ ત્યાં સુધીમાં તેઓ ગુજરાતી ગઝલને તેમના વારસદારો આપીને ગયા હતા.

'શાંત ઝરૃખે'ના સર્જક 'સૈફ' પાલનપુરી

'શૂન્ય' સાહેબના સમકાલીન એવા 'સૈફ' પાલનપુરી વિશે એમ કહેવાય છે કે તેમણે એકમાત્ર 'શાંત ઝરૃખે..' નઝમનું જ સર્જન કર્યું હોત તો પણ તેઓ ગુજરાતી ગઝલના ઈતિહાસમાં અમર થઈ ગયા હોત. ૩૦ ઑગસ્ટ, ૧૯૨૩ના રોજ પાલનપુરના કમાલપુરા વિસ્તારના દાઉદીવ્હોરા સમાજમાં તેમનો જન્મ થયેલો. તેમનું પૂરું નામ તો સૈફુદ્દિન ગુલામઅલી ખારાવાલા પણ ગુજરાતી ગઝલવિશ્વે તેમને 'સૈફ' પાલનપુરીના નામે સર આંખો પર બેસાડ્યાં. તેમને 'સૈફ' ઉપનામ આપનાર બીજું કોઈ નહીં પણ શૂન્ય પાલનપુરી હતા. સૈફ પાલનપુરી વિશે કહેવાતું કે તેઓ પતંગિયું, ફૂલ, શિશુ, સુંદર સ્ત્રી એમ પ્રકૃતિના કોઈપણ મુગ્ધ સૌંદર્યને જૂએ કે તરત કોઈને કોઈ શેર લખી નાખતા. મુશાયરાના સંચાલનની કળા તેમને અદ્ભુત રીતે વરેલી હતી. શયદાયુગીન આ શાયરના સંચાલન વિના ૧૯૪૦-૭૦ના ગાળાના મુશાયરાઓની કલ્પના પણ ન થઈ શકતી. નઝમ કાવ્યપ્રકારમાં તેમણે સવિશેષ ખેડાણ કર્યું હતું. પણ તેમને સર્વકાલીન લોકપ્રિય ગુજરાતી ગઝલકારનું ગૌરવ અપાવ્યું ૧૯૬૫માં પ્રકાશિત થયેલા તેમના નઝમસંગ્રહ 'ઝરૃખો'ની નઝમ 'શાંત ઝરૃખે વાટ નીરખતી રૃપની રાણી જોઈ હતી..'એ! મનહર ઉધાસે તેનેે કંઠ આપ્યો અને આ નઝમને દુનિયાભરમાં વસતા ગુજરાતી કાવ્યરસિકોએ કાયમ માટે પોતાના દિલમાં જગા કરી આપી,

શાંત ઝરૃખે વાટ નીરખતી રૃપની રાણી જોઈ હતી,
મેં એક શાહજાદી જોઈ હતી,

એના હાથની મેંદી હસતી'તી એની આંખનું કાજળ હસતું'તું
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું'તું

'સૈફ' પાલનપુરી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પત્રકાર અને નવલકથાકાર પણ હતા. મુંબઈથી પ્રકાશિત થતા 'બેગમ' સાપ્તાહિકના તેઓ સંપાદક રહ્યા હતા. તો 'વતન' સાપ્તાહિકના તંત્રીપદે ઉપરાંત 'જન્મભૂમિ', 'જામે જમશેદ' અને 'જનશક્તિ' દૈનિકમાં પણ તેમણે પત્રકાર તરીકે ઉત્તમ સેવાઓ આપી હતી. ત્રીસ જેટલી નવલકથાઓનું સર્જન પણ તેમના ખાતે જમા છે. ૭ એપ્રિલ ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે હૃદયરોગના હુમલાથી સૈફ ખુદાના દરબારમાં પહોંચી ગયા ત્યાં સુધીમાં તેમણે અનેક યાદગાર સર્જન કરી નાખ્યું હતું. તેમની ગઝલોની ભાષા સરળ છતાં રમતિયાળ છે તેમાં વિચાર અને સંવેદનાનું તત્વ હૃદયની આરપાર ઉતરી જાય તેવું ધારદાર હોય છે,

એ જ વખત બસ હોય છે એનું પૂરતું ધ્યાન અમારા પર,
એટલે અમને એનાં કરતાં એનો ગુસ્સો પ્યારો છે.

મારી સામે કેમ જૂએ છે મિત્રો શંકાશીલ બની,
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ મુંઝારો છે.

આ વિરહની રાતે હસનારા તારા બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?

પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલા સાત સંચાવાળા વહોરવાસમાં આજની તારીખે આ અલબેલા શાયરનું જૂનું જર્જરીત મકાન ખંડેર હાલતમાં તેમની સ્મૃતિરૃપે જાણે એમના જ શેરની છડી પોકારી રહ્યું છે. 'અભિયાન' પાલનપુરમાં લાંબી રઝળપાટ પછી ત્યાં પહોંચ્યુ ત્યારે જબરો આઘાત લાગેલો. કેમ કે, શાયરની પડોશમાં રહેલા લોકોને પણ તેમના વિશે ખ્યાલ નહોતો. વધારે આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેમના ઘરની પડોશમાં જ રહેતા એક યુવકના મોબાઈલમાં 'શાંત ઝરૃખે..' નઝમ ડાઉનલોડ કરેલી મળી આવી છતાં તેને શાયર વિશે જરાય માહિતી નહોતી. જીવનની આ કરુણતા પારખી ગયેલા શાયર કદાચ એટલે જ કહી ગયા હશે,

ભાંગેલા દરવાજા પર છે ભીના ભીના શેર,
શહેરની વચ્ચોવચ જીવે છે આ મારું ખંડેર.

'ઓજસ'થી 'મુસાફિર' અને 'ઈશ્ક' સુધી..

શૂન્ય અને સૈફ પાલનપુરી બાદ એ હકીકત સ્વીકારવી રહી કે, તેમના અનુગામીઓ 'ઓજસ', 'રજની' અને 'અમર' પાલનપુરી તેમના ગુરૃની સરખામણીએ ગઝલ મામલે ઢીલાં પડ્યાં હતા. હા, દરેકની કેટલીક છૂટીછવાઈ રચનાઓ જરુર પ્રસિદ્ધિ પામી. રજની પાલનપુરીની 'જૂઠો તારો પ્યાર હે બેટી..' ઉત્તમ હોવા છતા મનહર ઉધાસનો કંઠ મળ્યા બાદ જ લોકપ્રિય નીવડેલી.

ઓજસ પાલનપુરી સૈયદ લાલમિયાં ઉર્ફે લાલ પાલનપુરીના પૌત્ર હતા. વિખ્યાત ફિલ્મ મુઘલે આઝમની સ્ટીલ ફોટોગ્રાફી કરનાર જનાબ એ.એલ. સૈયદના તેઓ સગા ભત્રીજા. માત્ર છ ચોપડી ભણેલા ઓજસ પાલનપુરીનું ઊર્દૂ અને ગુજરાતીનું વાંચન વિશાળ હતું. પણ અવાજ, માંદગીની મર્યાદાના કારણે તેઓ મુશાયરાઓમાં ધાર્યો પ્રભાવ પાડી શકતા નહીં. ૪ ઑક્ટોબર ૧૯૬૮ના રોજ પાલનપુરમાં જ સાપ કરડવાથી તેમનું મોત થયેલું. તેમની હયાતીમાં તેમનો કોઈ ગઝલ સંગ્રહ પ્રસિદ્ધ ન થતા તેમના મૃત્યુ બાદ તેમના મિત્ર રજની પાલનપુરીએ તેમનો એકમાત્ર સંગ્રહ 'ઓજસ' પ્રગટ કરેલો. ઓજસ પાલનપુરીએ અનેક ઉત્તમ શેર લખ્યાં પરંતુ તેમની ઓળખ તો તેમના આ એક જ શેરના કારણે બંધાઈ હતી,

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આમ છેક 'શૂન્ય' પાલનપુરી અને 'સૈફ'પાલનપુરીથી વિખ્યાત થયેલા પાલનપુરી શાયરોના વારસાને 'ઓજસ, 'રજની ', 'અમર', 'મુસાફિર' થી લઈને આજના 'શૈલ' પાલનપુરી અને 'ઈશ્ક' પાલનપુરી સુધીના શાયરોએ જાળવી રાખ્યો છે. જો કે, દુઃખની વાત એ છે કે ગુજરાતી ગઝલને પોતાના દમદાર સર્જન થકી સમૃદ્ધ કરનાર પાલનપુરી શાયરો કે તેમના પ્રદાન વિશે મુખ્યધારાના માધ્યમોમાં ભાગ્યે જ કશું લખાયું છે. આગામી પેઢીઓ અને સાહિત્ય રસિકોને અહીંના કલાધરો-કસબીઓ વિશે વધુ જાણવા મળે તેવું કોઈ ચોક્કસ અને સ્થાયી કાર્ય પણ અહીં અસ્તિત્વમાં નથી. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક નાનાં નગરોના જે તે સમયના રાજવીઓના પોશાક, શસ્ત્રો, આભૂષણો, હથિયાર, હસ્તપ્રતો વગેરે સાચવી રખાય છે તેમાંનું કશું પાલનપુરમાં જોવા મળતું નથી. દસ્તાવેજીકરણના અભાવે અહીં જન્મેલી કવિ પ્રતિભાઓના જીવનકવનની માહિતી પણ ક્રમબદ્ધ રીતે ઉપલબ્ધ નથી.

છેલ્લે 'શૂન્ય' પાલનપુરીના દીકરા તસનીમભાઈ બલોચે પાલનપુરની મુલાકાત દરમિયાન વર્ણવેલી વ્યથા હજુ પણ મનમાં ખટક્યાં કરે છે. તેમના પ્રશ્નો હતાઃ 'મહાન શાયરો આર્થિક રીતે કેમ પાયમાલ હોય છે ? તેમની પ્રતિભા પ્રમાણે તેમના પરિવારને આર્થિક સદ્ધરતા કેમ સાંપડતી નથી ? બીજા લોકો તેમના નામે ચરી ખાય અને સર્જકનો પરિવાર કંગાલિયતમાં કેમ જીવતો હશે ?' તેમના સવાલોના જવાબ મારી પાસે તો નથી, તમારી પાસે છે ?

----.

આપણે ત્યાં મહાન સર્જકોને માન સન્માન મળે છે પણ તેમના નામે ચરી ખાવા વાળાને કારણે તેમને કાયમ દરિદ્રતામાં જીવવું પડે છે. આપણી આ સૌથી મોટી કરુણતા છે.
તસનીમખાન બલોચ,'શૂન્ય' પાલનપુરીના પુત્ર, પાલનપુર

----.

નવી પેઢીના પાલનપુરી ગઝલકારો પર 'શૂન્ય' અને 'સૈફ' સાહેબનો સમૃદ્ધ વારસો જાળવી રાખવાની બહુ મોટી જવાબદારી છે. અમે યોગ્ય ન્યાય આપવા તત્પર છીએ.
'ઈશ્ક' પાલનપુરી, યુવા ગઝલકાર, પાલનપુર

----.

'શૂન્ય'ભાઈએ પોતાના ઉપનામને સર્વસ્વમાં ફેરવી દીધું હતું. ગઝલોની શુદ્ધતા બાબતે તેઓ ગુરુ અમૃત'ઘાયલ'થી પણ બે કદમ આગળ નીકળ્યા હતા.
મુસાફિર પાલનપુરી, વરિષ્ઠ ગઝલકાર, પાલનપુર

----.

મુંબઈના સ્વામિનારાયણ મંદિરમાં શૂન્ય સાહેબના શેર સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજે 'તારો શૂન્ય ખુદાની સૌથી નજીક હશે હું પણ નહીં' એમ કહેલું એ ભૂલાતું નથી.
'શૈલ' પાલનપુરી, ગઝલકાર, મુંબઈ

----.

પાલનપુરે ગુજરાતી ગઝલને ઘણું આપ્યું છે. હજુ પણ આપી રહ્યું છે પણ, ગુજરાતીઓ તેનું સન્માન કરવામાં, ઈતિહાસની જાળવણીમાં કાયમ ઉણા ઉતરતા રહે છે એ ખટકે છે.
નરેન્દ્રભાઈ જગતાપ 'નરેન' કવિ, પાલનપુર

------------.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sambhaav News
Top