રાજકોટ-ભાવનગર હાઈવે પર બાબરા નજીક પોલીસની કાર્યવાહી : સુરત પાસિંગની એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાયો હોવાની માહિતી
રાજકોટ-ભાવનગર હાઈવે પર બાબરા નજીક પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીના આરોપસર ગોંડલના બુટલેગર તરીકે ઓળખાતા લાલો ગોહિલની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. એમ્બ્યુલન્સ સુરતની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ-ભાવનગર હાઈવે પર બાબરા નજીક પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ સમગ્ર મામલે ગોંડલના લાલો ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો? દારૂની હેરાફેરી માટે સુરતની એમ્બ્યુલન્સનો ઉપયોગ કેવી રીતે થયો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ તપાસમાં મહત્વની વિગતો બહાર આવી શકે છે.
દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે હવે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનનો ઉપયોગ થતો હોવાની ઘટના ગંભીર ચિંતા ઊભી કરે છે. એમ્બ્યુલન્સનો મુખ્ય હેતુ દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવાનો હોય છે. આવા વાહનનો કથિત રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હોય તો તેની પાછળના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવું જરૂરી બને છે.
પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. દારૂ ક્યાંથી આવ્યો, કોના કહેવાથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠિત નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.
આ ઘટના ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે સવાલો ઉભા કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ પણ હવે લોકોનો સવાલ છે કે દારૂની હેરાફેરી રોકવા માટે વધુ કડક અને અસરકારક કાર્યવાહી ક્યારે થશે? માત્ર વાહન અને એક આરોપીની ધરપકડ પૂરતી નહીં, પરંતુ દારૂના સપ્લાયના મૂળ સુધી પહોંચી સમગ્ર ચેઇન સામે કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.
મહિપતસિંહ ચૌહાણગ

