સુરત શહેરમાં મંગળવારે પડેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને જળબંબાકાર બનાવી દીધું છે. માત્ર 8 કલાકમાં અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. એસટી બસ સેવા ખોરવાઈ ગઈ છે, જ્યારે પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ખાડીઓમાં જળસ્તર વધતાં આશરે 2100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
શહેરના ઉગત બોટનિકલ ગાર્ડન વિસ્તાર, કોસાડ ગામના રેલવે ગરનાળા, કિમના શિવ મંદિર, એવરગ્રીન સોસાયટી (પાલનપુર જકાતનાકા), પાલનપુર પાટીયા, લાલજીનગર (અડાજણ), સાગર સોસાયટી (એલ.એચ. રોડ), સરથાણા પોલીસ સ્ટેશન, કાંતારેશ્વર મહાદેવ (કતારગામ), ભુલકાભવન સ્કૂલ, નાના વરાછા ગામ, પોદાર આર્કેડ, અયોધ્યા નગરી (ભૂમિ કોમ્પલેક્ષ રોડ), કડોદરા સંજીવની હોસ્પિટલ વિસ્તાર, અમરોલી ન્યૂ કોસાડ રોડ સ્ટાર પેલેસ, મેઈન બ્રાન્ચ સુટેક્ષ બેંક (ઊધના-મગદલ્લા રોડ) તેમજ જોગાણી નગર પ્રાઇમ આર્કેડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
કોસાડ ગામના રેલવે ગરનાળામાં એક કાર પાણીમાં ફસાઈ જતાં સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. નાના વરાછાની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓનું પણ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કિમ ખાતે આવેલા શિવ મંદિરમાં પાણી ઘૂસી જતાં શિવલિંગ જળમગ્ન થયું હતું, જ્યારે પોદાર આર્કેડમાં પાણી ભરાતા વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે.
ભારે વરસાદે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા મોડલ સુરત રેલવે સ્ટેશનની પણ પોલ ખોલી દીધી હતી. સ્ટેશનની છતમાંથી પાણી ટપકતાં પ્લેટફોર્મ પર જાણે ઝરણાં વહેતાં હોય તેવા દૃશ્યો સર્જાયા હતા, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે અને ડેમની સપાટી 308.76 ફૂટે પહોંચી છે, જ્યારે કોઝવેના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે. તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કમિશનરે જાહેર જનતાને અપીલ કરી છે કે, "ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો, તંત્રની સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષિત રહો."
શહેરમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

