Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gen-Z સાથે કનેક્ટ, યુવાનોના યારથી સત્તાના શિલ્પી સુધી: હર્ષ સંઘવીની રાજકીય ઉડાન

Gen-Z સાથે કનેક્ટ, યુવાનોના યારથી સત્તાના શિલ્પી સુધી: હર્ષ સંઘવીની રાજકીય ઉડાન

(સૈયદ શકીલ દ્વારા):ગુજરાતની રાજનીતિમાં યુવા નેતૃત્વની વાત થાય ત્યારે છેલ્લા એક દાયકામાં જે નામ સતત ચર્ચામાં રહ્યું છે, તે છે હર્ષ સંઘવી. સુરતની મજુરા બેઠકથી 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય તરીકે રાજકીય સફરની શરૂઆત કરનાર હર્ષ સંઘવી આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા છે. હવે તેમની રાજકીય સફરમાં વધુ એક મહત્વનું પાનું ઉમેરાયું છે…Gen-Z એટલે કે નવી પેઢીના યુવા મતદારો સાથે સંવાદ સાધવાની જવાબદારી.

હર્ષ સંઘવીના હૈયે દેશ અને ગુજરાતનું હિત સર્વોપરી છે.

ઓગસ્ટ 2026માં ભાજપે દેશના યુવા મતદારો અને ખાસ કરીને Gen-Z સુધી પહોંચવા માટે વિશેષ આઉટરીચ અભિયાનની દિશામાં નવી ટીમ રચી છે. આ ટીમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. ભાજપની આ પહેલ માત્ર સંગઠનાત્મક નિમણૂક નથી, પરંતુ યુવાનો સાથે સંવાદ સાધવા માટે હર્ષ સંઘવીની પોતાની રાષ્ટ્રીય સ્તરે રાજકીય ઓળખનો ઉપયોગ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી શકે છે.

હવે સવાલ એ છે કે આ જવાબદારી માટે હર્ષ સંઘવી જ કેમ? તેનો જવાબ તેમની આખી રાજકીય કારકિર્દીમાં છુપાયેલો છે.

15 વર્ષની ઉંમરથી શરૂ થયેલો રાજકીય સંપર્ક

હર્ષ સંઘવીનો રાજકીય પ્રવાસ પરંપરાગત રાજકીય પરિવારની પૃષ્ઠભૂમિમાંથી આવ્યો નથી. ઉપલબ્ધ અહેવાલો અનુસાર તેમણે નાની ઉંમરથી જ સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરૂ કર્યું હતું અને ભાજપના યુવા સંગઠન સાથે જોડાઈને આગળ વધ્યા.

તેમણે યુવા કાર્યકર તરીકે કામ કરતાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કર્યો. સ્થાનિક પ્રશ્નો, યુવાનોના મુદ્દા અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનુભવોએ તેમને સંગઠનના સ્તરે ઓળખ અપાવી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા યુવા મોરચામાં મહત્વની જવાબદારીઓ સુધી પહોંચ્યા.
આ સમયગાળો તેમના માટે માત્ર રાજકીય તાલીમનો નહોતો, પરંતુ ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલાનેતા તરીકેની ઈમેજ ઊભી કરવાનો પણ હતો.

સુરત સાથેનો સંબંધ અને રાજકારણમાં એન્ટ્રી
હર્ષ સંઘવી માટે સુરત માત્ર રાજકીય મતવિસ્તાર નથી. સુરતના પ્રશ્નો સાથે જોડાઈને તેમણે જાહેર જીવનમાં પોતાની આગવી ઓળખ બનાવવાનું શરૂ કર્યું.

સુરતને એર કનેક્ટિવિટી સહિતના મુદ્દાઓ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં તેમની શરૂઆતની સક્રિયતા અંગે પણ અહેવાલો સામે આવ્યા છે. આ પ્રકારના સ્થાનિક મુદ્દાઓ સાથે કામ કરતાં તેમને સમજાયું કે નીતિ અને વહીવટના સ્તરે પરિવર્તન લાવવા માટે રાજકીય ક્ષેત્રમાં વધુ સક્રિય થવાની જરૂર છે.
ભાજપના સંગઠનમાં તેમની સક્રિયતા વધતી ગઈ અને તેઓ યુવા મોરચાની જવાબદારીઓ સંભાળતા થયા.

2012: 27 વર્ષની ઉંમરે વિધાનસભામાં એન્ટ્રી

હર્ષ સંઘવીની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ 2012 આવ્યું.
ભાજપે તેમને સુરતની મજુરા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા. માત્ર 27 વર્ષની ઉંમરે ચૂંટણી લડીને તેઓ વિધાનસભામાં પહોંચ્યા અને તે સમયે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે બન્યા.

આ જીતે ગુજરાત ભાજપમાં હર્ષ સંઘવીને માત્ર યુવા ધારાસભ્ય તરીકે નહીં, પરંતુ ભવિષ્યના સંગઠનાત્મક નેતા તરીકે પણ સ્થાપિત કર્યા.

રાજકારણમાં સામાન્ય રીતે લાંબા સમય સુધી સંગઠનમાં કામ કર્યા બાદ વિધાનસભા સુધી પહોંચવાની પ્રક્રિયા જોવા મળે છે. પરંતુ હર્ષ સંઘવી માટે આ સફર તુલનાત્મક રીતે ઝડપી રહી.

2014માં રાષ્ટ્રીય સ્તરે સંગઠનાત્મક ભૂમિકા
હર્ષ સંઘવીનો પ્રભાવ માત્ર ગુજરાત પૂરતો રહ્યો નહીં.
2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના વારાણસી મતવિસ્તારમાં સંગઠનાત્મક કામગીરીમાં પણ તેમણે ભૂમિકા ભજવી હોવાના અહેવાલો છે. યુવા સંગઠન સાથેનો તેમનો અનુભવ અને વિવિધ રાજ્યોમાં કાર્યકરો સાથે સંપર્ક કરવાની ક્ષમતાએ તેમને રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી.

આ તબક્કે તેમની ઓળખ એવી યુવા વ્યક્તિ તરીકે બનવા લાગી જે માત્ર ચૂંટણી લડવા પૂરતી નહીં પરંતુ સંગઠન ઊભું કરવામાં પણ સક્રિય રહી શકે.

2017: જીતનું અંતર વધ્યું, રાજકીય કદ પણ વધ્યું
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવી ફરી એક વખત મજુરા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા.

તેમણે ફરી જીત મેળવી અને અગાઉ કરતાં વધુ મોટા માર્જિનથી વિજય મેળવ્યો. 2012 અને 2017ની સતત જીતે મજુરા બેઠક પર તેમની રાજકીય પકડ મજબૂત કરી.
આ સાથે જ ભાજપના યુવા સંગઠનમાં પણ તેમની ભૂમિકા વધી અને તેઓ રાષ્ટ્રીય સ્તરની યુવા રાજનીતિ સાથે વધુ નજીકથી જોડાયા.

યુવાનો સાથે જોડાવાની કૂનેહ
હર્ષ સંઘવીની રાજકીય શૈલીમાં શરૂઆતથી જ યુવાનોને જોડવાનો પ્રયાસ જોવા મળ્યો છે.

રોજગાર મેળા, શૈક્ષણિક સહાય, બુક બેન્ક અને સામાજિક પ્રવૃત્તિઓ જેવા કાર્યક્રમો દ્વારા તેમણે પોતાના મતવિસ્તારમાં યુવાનો અને મધ્યમ વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે. કોવિડ-19ના સમયગાળામાં પણ તેમની કામગીરી ચર્ચામાં રહી હતી.

Gen-Z સાથે સીધા સંવાદની જવાબદારી

Gen-Z સાથે વાત કરવા માટે માત્ર રાજકીય ભાષણ પૂરતું નથી. સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ, રોજગાર, શિક્ષણ, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ અને બદલાતી જીવનશૈલી જેવા મુદ્દાઓ પર સીધો સંવાદ જરૂરી છે.અને અહીં હર્ષ સંઘવીની યુવા નેતા તરીકેની જૂની ઓળખ ભાજપ માટે ઉપયોગી બની શકે છે.

2021: માત્ર 36 વર્ષની ઉંમરે ગૃહ રાજ્યમંત્રી
હર્ષ સંઘવીની કારકિર્દીમાં સૌથી મોટો વળાંક સપ્ટેમ્બર 2021માં આવ્યો. ગુજરાતમાં નવી સરકારની રચના સમયે માત્ર 36 વર્ષની ઉંમરે તેમને ગૃહ રાજ્યમંત્રી સહિત મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી. તેમની પાસે હોમ ઉપરાંત પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એક્સાઈઝ, બોર્ડર સિક્યુરિટી અને જેલ જેવા વિભાગોની જવાબદારી પણ રહી હતી.

ગૃહ વિભાગ જેવી સંવેદનશીલ જવાબદારી કોઈપણ રાજકીય નેતા માટે મોટી કસોટી હોય છે. હર્ષ સંઘવી માટે તો આ કસોટી ખાસ હતી, કારણ કે તેઓ ઉંમરમાં હજુ પણ યુવા નેતા હતા. તેમની જાહેર છબીમાં આ તબક્કા બાદ મોટો ફેરફાર આવ્યો. યુવા સંગઠનના નેતા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના મહત્વના ચહેરા બની ગયા.

ગૃહ વિભાગ સાથે વધી રાજકીય ઓળખ
ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી સતત જાહેર ચર્ચામાં રહ્યા.પોલીસ વિભાગની આખી ઓળખનું મેકઓવરકરી નાંખ્યું. કાયદો અને વ્યવસ્થા, ડ્રગ્સ સામેની કાર્યવાહી, પોલીસિંગ, ટ્રાફિક અને વિવિધ સામાજિક મુદ્દાઓ પર તેઓ સક્રિય રીતે જાહેરમાં આવતા રહ્યા. 2022માં તેમના કાર્યકાળ દરમિયાન ગૃહ વિભાગને લગતા નિર્ણયો અંગે તેમણે મીડિયા સાથે પણ વાત કરી હતી.
ગૃહ વિભાગ જેવા ચર્ચામાં રહેતા પોલીસ વિભાગની લોકોમાં હાક,ધાક અને શાખ વધારવાનું ભગીરથ કાર્ય તેમણે કરી દેખાડ્યું છે. પોલીસ વિભાગના અધિકારીઓ સાથે તેમનું સંકલન અદ્વિતીય બન્યું છે. "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" એ આજે સોશિયલ મીડિયા પર ચર્ચાતું સૌથી લોકપ્રિય સૂત્ર બન્યું છે. પોલીસ વિભાગમાં ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું અદ્વિતીય કાર્ય તેમણે કરી દેખાડ્યું. ડિપાર્ટમેન્ટની નીતિઓ અને કાર્ય પદ્વતિમાં તેઓ આમૂલ પરિવર્તનો લાવ્યા છે અને લોકોને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે.

તેમની શૈલીમાં એક બાબત સ્પષ્ટ જોવા મળી છે. ઝડપથી પ્રતિસાદ આપવો અને સોશિયલ તથા પરંપરાગત મીડિયા બંનેમાં સક્રિય રહેવું. આ ઈમેજ તેમને અન્ય ઘણા પરંપરાગત રાજકારણીઓથી અલગ બનાવતી ગઈ.

2022: સતત ત્રીજી જીત
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવી ફરી મજુરા બેઠક પરથી જીત્યા. 2012માં 27 વર્ષની ઉંમરે વિધાનસભામાં પ્રવેશ કરનાર આ નેતા હવે સતત ત્રીજી વખત ધારાસભ્ય બની ચૂક્યા હતા. તેમની રાજકીય સફર હવે માત્ર 'યુવા નેતા' સુધી સીમિત રહી નહોતી; તેઓ ગુજરાત ભાજપના મહત્વના ચહેરાઓમાં સામેલ થઈ ચૂક્યા હતા.
આ સમયગાળામાં તેમના પાસે રાજ્ય સરકારમાં મહત્વની જવાબદારીઓ પણ યથાવત રહી.

2025: 40 વર્ષની ઉંમરે ડેપ્યુટી CM
હર્ષ સંઘવીની રાજકીય સફરનું સૌથી મોટું શિખર 17 ઓક્ટોબર 2025ના રોજ આવ્યું. ગુજરાત સરકારના કેબિનેટમાં મોટા ફેરફાર બાદ 40 વર્ષની ઉંમરે હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે પહોંચનારા છઠ્ઠા વ્યક્તિ અને સૌથી યુવાન ચહેરા બન્યા.

આ નિમણૂકનું રાજકીય મહત્વ એ માટે પણ વધારે છે કે ગુજરાતમાં ડેપ્યુટી CMનું પદ અગાઉ પણ મહત્વના અને સિનિયર રાજકીય નેતાઓ પાસે રહ્યું છે, પરંતુ હર્ષ સંઘવીની નિમણૂક તેમની યુવા ઉંમર અને સંગઠનાત્મક બેકગ્રાઉન્ડના કારણે ખાસ ધ્યાન ખેંચે છે.
40 વર્ષની ઉંમરે ડેપ્યુટી CM બન્યા બાદ હવે તેઓ ગુજરાત સરકારના સૌથી મહત્વના યુવા ચહેરાઓમાંના એક છે.

હવે Gen-Zની જવાબદારી કેમ મહત્વની?
ઓગસ્ટ 2026માં ભાજપે Gen-Z સાથે સીધો સંપર્ક વધારવા માટે વિશેષ ટીમની રચના કરી અને હર્ષ સંઘવીને તેમાં મહત્વની જવાબદારી સોંપી.
આ નિર્ણયને માત્ર સંગઠનાત્મક નિમણૂક તરીકે જોવો અધૂરો રહેશે.
Gen-Z આજે રાજકારણ માટે અત્યંત મહત્વનો મતદાર વર્ગ છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો નવી પેઢીના મતદારો સાથે સંવાદ દરેક રાજકીય પક્ષ માટે મહત્વનો બનવાનો છે.
ભાજપની આ પહેલમાં હર્ષ સંઘવીની પસંદગી પાછળ તેમની પોતાની રાજકીય પ્રોફાઇલ પણ મહત્વપૂર્ણ બની છે.

તેઓ પોતે યુવા વયે રાજકારણમાં આવ્યા.
તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રાજકીય ચહેરા તરીકે જાણીતા છે.
યુવા સંગઠનથી તેમની કારકિર્દી શરૂ થઈ.
રોજગાર અને યુવા સંબંધિત કાર્યક્રમો સાથે તેમનું નામ જોડાયું છે.
તેઓ ગુજરાતની શહેરી, ખાસ કરીને સુરતની યુવા રાજનીતિને નજીકથી સમજે છે.
40 વર્ષની ઉંમરે તેઓ પોતે પણ Gen-Zથી બહુ દૂરની પેઢીના નેતા નથી.
અર્થાત ભાજપ માટે હર્ષ સંઘવી 'સરકાર અને નવી પેઢી વચ્ચેના સંવાદ સેતુ' તરીકે ઉપયોગી બનશે એવો આશવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Gen-Z શું સાંભળવા માંગે છે?
આ જવાબદારી હર્ષ સંઘવી માટે માત્ર કાર્યક્રમો કરવા કરતાં ઘણી મોટી છે.
આજની યુવા પેઢીના પ્રશ્નો પરંપરાગત રાજકીય મુદ્દાઓથી આગળ વધી ગયા છે.
રોજગાર છે, પરંતુ સાથે કૌશલ્ય આધારિત રોજગારનો પ્રશ્ન છે.
શિક્ષણ છે, પરંતુ સાથે ડિજિટલ એજ્યુકેશન અને AIનો પ્રશ્ન છે.
સ્ટાર્ટઅપ છે, પરંતુ સાથે ફંડિંગ અને માર્કેટ એક્સેસનો પ્રશ્ન છે.
સોશિયલ મીડિયા છે, પરંતુ સાથે ડિજિટલ પ્રાઇવસી અને ઓનલાઈન સુરક્ષાના પ્રશ્નો છે.

અને સૌથી મહત્વનું…આ પેઢી રાજકીય નેતા પાસેથી માત્ર ભાષણ નહીં, પરંતુ સીધો સંવાદ અને ઝડપી જવાબ ઇચ્છે છે. અને સંતોષકારક જ નહીં પણ અસરકારક જવાબ આપવાની આ સ્કીલ હર્ષ સંઘવીમાં ઠાંસોઠાસ ભરેલી છે. ભાજપે Gen-Z માટે હર્ષ સંઘવીને સોંપેલી જવાબદારી સુપેરે પાર ઉતરશે એવું જાણકારો જણાવી રહ્યા છે.
સુરતથી દિલ્હી સુધી પહોંચેલો 'યુવા કનેક્શન'
હર્ષ સંઘવીની કહાનીમાં સુરતનું સ્થાન વિશેષ છે.
સુરતના સ્થાનિક પ્રશ્નોથી શરૂઆત કરનાર એક યુવા કાર્યકર આજે ગુજરાતના ડેપ્યુટી CMના પદ સુધી પહોંચ્યા છે અને હવે રાષ્ટ્રીય સ્તરે Gen-Z સાથે ભાજપનો સંવાદ વધારવાની જવાબદારી ધરાવતી ટીમમાં છે.


આ સફર જો એક વાક્યમાં સમજાવવી હોય તો કહી શકાય…
સ્થાનિક મુદ્દાઓ, યુવા સંગઠન, ધારાસભ્ય, રાજ્ય મંત્રી, ગૃહ રાજ્યમંત્રી, કેબિનેટમાં મહત્વનો ચહેરો,નાયબ મુખ્યમંત્રી, Gen-Z કનેક્શન…ખાસ કરીને તેમની વાકછટા સંપૂર્ણપણે કાર્યકરો અને લોકોને આકર્ષિત કરે છે.

હર્ષ સંઘવીની રાજકીય સફર
હર્ષ સંઘવીની કારકિર્દી પર નજર કરીએ તો ઉંમર અને જવાબદારીનું એક રસપ્રદ ગણિત જોવા મળે છે.

  • 27 વર્ષ: પ્રથમ વખત ધારાસભ્ય.
  • 36 વર્ષ: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી.
  • 40 વર્ષ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી.
  • 41 વર્ષ: Gen-Z સુધી ભાજપનો સંવાદ પહોંચાડવાની મહત્વની જવાબદારી.

આ આંકડા માત્ર ઉંમર દર્શાવતા નથી. તેઓ ભાજપની અંદર હર્ષ સંઘવીના વધતા રાજકીય કદની પણ ઝલક આપે છે.

ભવિષ્યનો માર્ગ
Gen-Z સુધી પહોંચવાની જવાબદારી જેટલી મોટી છે, તેટલી જ પડકારજનક પણ છે. નવી પેઢી પરંપરાગત રાજકીય ભાષાથી ઝડપથી પ્રભાવિત થાય એવું જરૂરી નથી. તે પ્રશ્ન કરે છે, તુલના કરે છે અને સોશિયલ મીડિયા પર તરત પ્રતિસાદ આપે છે.

તેથી હર્ષ સંઘવી માટે આ અભિયાનમાં સૌથી મોટો બાબત એ છે કે યુવાનોને માત્ર મતદાર તરીકે નહીં, પરંતુ નીતિ-નિર્માણના ભાગીદાર તરીકે જોડવાની છે. શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ, ટેક્નોલોજી, સ્પોર્ટ્સ અને યુવા નીતિ જેવા મુદ્દાઓ પર લાંબા ગાળાનો સંવાદ ઊભો થશે તો હર્ષ સંઘવીની આ નવી ભૂમિકા ભાજપ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે.

'યુવા નેતા'થી 'યુવા પેઢીના સંવાદક' સુધી

હર્ષ સંઘવીની રાજકીય સફરનું સૌથી રસપ્રદ પાસું એ છે કે તેમની ઓળખ શરૂઆતથી જ યુવા નેતા તરીકે બની હતી.
પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. તેઓ માત્ર યુવા નેતા નથી રહ્યા. તેઓ હવે સરકારના ટોચના સ્તરે બેઠેલા નેતા છે. અને તેમની સામેની નવી જવાબદારી છે. નવી પેઢીને સરકાર અને રાજકારણ સાથે જોડવાની. આથી Gen-Z માટેની જવાબદારીને હર્ષ સંઘવીની રાષ્ટ્રીય સ્તરે કારકિર્દીના આગામી તબક્કાની શરૂઆત તરીકે જોવામાં આવે તો ખોટું નહીં કહેવાય.

ઝડપી રાજકીય ઉદયનું શ્રેષ્ઠ ઉદાહરણ
સુરતની મજુરા બેઠક પરથી 27 વર્ષની ઉંમરે વિધાનસભામાં પહોંચેલા હર્ષ સંઘવીએ છેલ્લા વર્ષોમાં એક પછી એક રાજકીય પડાવ પાર કર્યા છે.

યુવા મોરચાના કાર્યકરથી ધારાસભ્ય, ધારાસભ્યથી ગૃહ રાજ્યમંત્રી, ત્યાંથી ગુજરાત સરકારના મહત્વના કેબિનેટ ચહેરા અને અંતે 40 વર્ષની ઉંમરે નાયબ મુખ્યમંત્રી-આ સફર ઝડપી રાજકીય ઉદયનું ઉદાહરણ છે. હવે તેમની સામે નવી પરીક્ષા છે. જે પેઢી સોશિયલ મીડિયા પર મોટી થઈ છે, જે પરંપરાગત રાજકીય ભાષા કરતાં સીધા સંવાદને મહત્વ આપે છે અને જે પોતાના ભવિષ્ય અંગે સૌથી વધુ સવાલો કરે છે, તે Gen-Z સુધી ભાજપનો સંદેશ પહોંચાડવાનો.

હર્ષ સંઘવી માટે Gen-Z સુધી પહોંચવાની નવી જવાબદારી છે પણ આ જવાબદારીનું તેઓ વર્ષોથી નિર્વહન કરી રહ્યા છે, માત્ર તેમાં નિમણૂંક શબ્દનો ઉમેરો થયો છે. આ તેમની અત્યાર સુધીની રાજકીય સફરની સૌથી મોટી 'યુવા કસોટી' બની શકે છે.

એક સમયે હર્ષ સંઘવી પોતે યુવા મતદાર અને કાર્યકરોની વચ્ચે ઉભા રહીને રાજકારણ શીખતા હતા. આજે એ જ હર્ષ સંઘવીને આખી નવી પેઢી સાથે સંવાદ સ્થાપવાના અભિયાનનાં પ્રમુખ ચહેરા બનાવવામાં આવ્યા છે. સુરતના યુવા કાર્યકરથી ગુજરાતના ડેપ્યુટી CM સુધી પહોંચેલો આ ચહેરો હવે Gen-Zના દરવાજે પહોંચ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Samkaleen