Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઇસ્માઇલ દરબાર: સૂરોના બાદશાહ મુખ્યધારાની ફિલ્મોથી કેમ દૂર છે?

ઇસ્માઇલ દરબાર: સૂરોના બાદશાહ મુખ્યધારાની ફિલ્મોથી કેમ દૂર છે?

(સૈયદ શકીલ દ્વારા): હિન્દી સિનેમાના ઇતિહાસમાં કેટલીક જોડીઓ એવી છે, જેમનું નામ માત્ર લેવાથી સંગીતના સોનેરી યુગની યાદ તાજી થઈ જાય. સંજય લીલા ભણસાલી અને ઇસ્માઇલ દરબારની જોડી પણ એવી જ એક યાદગાર જોડી છે. 'હમ દિલ દે ચૂકે સનમ'ના દર્દભર્યા સૂર હોય કે 'દેવદાસ'ની ભવ્યતા અને શાસ્ત્રીય સંગીતની ઊંડાઈ…ઇસ્માઇલ દરબારે પોતાના સંગીતથી એક આખી પેઢીના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

બન્ને વચ્ચેનાં અંગત સંબંધો અકબંધ છે પણ ફિલ્મી સંબંધોમાં મોટી ઓટ આવી ગઈ છે.

પરંતુ જે સંગીતકારના સૂરોએ કરોડો દિલોને સ્પર્શ્યા, તે જ સંગીતકાર સમય જતાં બોલિવુડની મુખ્યધારાથી લગભગ ગાયબ થઈ ગયા. આ ગેરહાજરી પાછળ માત્ર બદલાતી સંગીતની પસંદગી જવાબદાર હતી કે પછી ઇસ્માઇલ દરબારનો સ્પષ્ટવક્તા સ્વભાવ, નો-કોમ્પ્રોમાઈઝવાળો નેચર, તેમના કડક સિદ્ધાંતો અને ફિલ્મ નિર્માતાઓ સાથે થયેલા મતભેદો પણ એટલા જ જવાબદાર રહ્યા? આવા અનેક સવાલો વખતો વખત ઉભા થતાં રહ્યા છે.

સલમાન ખાને બિગબોસનાં હમણાની સિઝનમાં અવૈઝ દરબારને ટોણો પણ માર્યો હતો કે વહી એટીટ્યૂડ હૈ ક્યા અભી અભી…આમ ઈસ્માઈલ દરબારને એટીટ્યૂડ માટે પણ યેનકેન રીતે નુકશાન થતું રહ્યું છે.

ઇસ્માઇલ દરબાર પોતે અનેક પ્રસંગોએ પોતાની કારકિર્દીના ઉતાર-ચઢાવ વિશે ખુલ્લેઆમ વાત કરી ચૂક્યા છે. તેમની વાતોમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે તેમણે પોતાની વાત કહેવામાં ક્યારેય વધારે સંકોચ રાખ્યો નથી. કદાચ આ જ તેમની સૌથી મોટી તાકાત પણ હતી અને ઉદ્યોગમાં સૌથી મોટો પડકાર પણ.

'હમ દિલ દે ચૂકે સનમ': એક ગીત અને ત્રણ આંસુભરી કહાનીઓ

ઇસ્માઇલ દરબાર અને સંજય લીલા ભણસાલીની જોડીનું સૌથી યાદગાર અધ્યાય 'હમ દિલ દે ચૂકે સનમ'થી શરૂ થાય છે. 1999માં આવેલી આ ફિલ્મ માત્ર તેની પ્રેમકથાને કારણે જ નહીં, પરંતુ તેના સંગીતને કારણે પણ યાદગાર બની.

ફિલ્મના ગીતોમાંથી 'તડપ તડપ કે ઇસ દિલ સે' આજે પણ હિન્દી સિનેમાના સૌથી અસરકારક દર્દભર્યા ગીતોમાં ગણાય છે. આ ગીતની રચના પાછળની કહાની પણ એટલી જ ભાવનાત્મક છે.

ઇસ્માઇલ દરબારના જણાવ્યા અનુસાર, જ્યારે સંજય લીલા ભણસાલીએ પહેલીવાર આ ગીત સાંભળ્યું ત્યારે તેઓ એટલા ભાવુક થઈ ગયા કે ગીત વારંવાર સાંભળ્યું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. અંતે આ ગીતને ફિલ્મનો હિસ્સો બનાવવાનો નિર્ણય લેવાયો.

આ જ ગીતના રેકોર્ડિંગ સમયે સલમાન ખાન પણ સ્ટુડિયોમાં હાજર હતા. ગીતના શબ્દો, સંગીત અને કેકેના અવાજે તેમને પણ એટલા સ્પર્શ્યા કે તેઓ ભાવુક થઈ ગયા હતા.

આ રીતે એક જ ગીતની આસપાસ ત્રણ અલગ-અલગ કલાકારોની લાગણીઓ જોડાઈ ગઈ. સંગીતકાર ઇસ્માઇલ દરબારના સૂર, દિગ્દર્શક ભણસાલીની લાગણી અને સલમાન ખાનની આંખોના આંસુ.

કેકે પણ ડરી ગયા હતા!

'તડપ તડપ કે'નું સૌથી રસપ્રદ પાસું તેના ગાયક કેકે સાથે જોડાયેલું છે.

કહેવાય છે કે જ્યારે આ ગીત કેકેને ગાવા માટે આપવામાં આવ્યું ત્યારે તેની રચના અને સ્વરની મુશ્કેલી જોઈને તેઓ શરૂઆતમાં થોડા ગભરાઈ ગયા હતા. ગીતમાં જે પ્રકારની લાગણી, ઊંચાઈ અને ભીતરની પીડા-વ્યથાની જરૂરી હતી, તે સરળ નહોતી.

કેકેએ શરૂઆતમાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. પરંતુ ઇસ્માઇલ દરબારને તેમના પર વિશ્વાસ હતો. સંગીતકારના માર્ગદર્શન અને વિશ્વાસથી કેકેએ અંતે ગીત રેકોર્ડ કર્યું.

પરિણામ સામે હતું. 'તડપ તડપ કે' કેકેના સૌથી યાદગાર ગીતોમાંનું એક બની ગયું.

આ ગીતે માત્ર ફિલ્મના દૃશ્યને નહીં, પરંતુ હિન્દી ફિલ્મ સંગીતના એક આખા યુગને અવાજ આપ્યો.

એક સૂર જે બીજી ફિલ્મ માટે બનાવાયો હતો?

'તડપ તડપ કે' સાથે જોડાયેલી બીજી રસપ્રદ વાત એ છે કે આ સૂર શરૂઆતથી જ 'હમ દિલ દે ચૂકે સનમ' માટે બનાવવામાં આવ્યો નહોતો.

ઇસ્માઇલ દરબારે આ ધૂન બીજી એક મોટી ફિલ્મ માટે સ્ક્રેચ તરીકે તૈયાર કરી હતી. પરંતુ જ્યારે ભણસાલીએ તેને સાંભળી, ત્યારે તેમને લાગ્યું કે આ સૂર તેમની ફિલ્મની ભાવનાત્મક દુનિયા માટે સંપૂર્ણ છે.

ક્યારેક સંગીતમાં પણ એવું જ થાય છે. જે સૂર એક વાર્તા માટે જન્મે છે, તે બીજી વાર્તામાં જઈને અમર બની જાય છે.

'હમ દિલ દે ચૂકે સનમ' અને રાષ્ટ્રીય પુરસ્કાર

'હમ દિલ દે ચૂકે સનમ'ના સંગીતે ઇસ્માઇલ દરબારને માત્ર લોકપ્રિયતા જ આપી નહોતી, પરંતુ તેમને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા અપાવી.

તેમના સંગીત માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ એ સમય હતો જ્યારે ફિલ્મ સંગીતમાં શાસ્ત્રીય પરંપરા, લોકસંગીત અને આધુનિક સિનેમેટિક ભવ્યતાનું એક અનોખું સંયોજન જોવા મળતું હતું.

ઇસ્માઇલ દરબારની વિશેષતા એ હતી કે તેઓ સંગીતને માત્ર ગીત તરીકે નહીં, પરંતુ ફિલ્મની વાર્તાનો એક મહત્વપૂર્ણ પાત્ર માનતા હતા.

'દેવદાસ': અઢી વર્ષની મહેનત અને ભવ્ય સંગીત

જો 'હમ દિલ દે ચૂકે સનમ'એ ઇસ્માઇલ દરબારને ઘર-ઘરમાં પહોંચાડ્યા, તો 'દેવદાસ'એ તેમની સંગીતકાર તરીકેની ઊંડાઈને વધુ મજબૂત બનાવી.

2002માં આવેલી સંજય લીલા ભણસાલીની 'દેવદાસ' એક ભવ્ય સિનેમેટિક અનુભવ હતો. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની અમર કથાને ભણસાલીએ વૈભવી દૃશ્યો સાથે પડદા પર રજૂ કરી અને સંગીત તેની આત્મા બની ગયું.

ઇસ્માઇલ દરબારના જણાવ્યા અનુસાર, ફિલ્મના ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર પર કામ કરવામાં તેમને લાંબો સમય લાગ્યો. લગભગ અઢી વર્ષ સુધી તેઓ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહ્યા.

આટલો લાંબો સમય કોઈ ફિલ્મના સંગીત પર કામ કરવું એ પોતે જ બતાવે છે કે પ્રોજેક્ટ કેટલો મહત્ત્વનો હતો.

આશા ભોંસલેનું ગીત પણ રેકોર્ડ થયું હતું

'દેવદાસ'ના સંગીત સાથે જોડાયેલી એક ઓછી જાણીતી વાત આશા ભોંસલે સાથે સંકળાયેલી છે.

સંગીત તૈયાર કરતી વખતે આશા ભોંસલેએ ફિલ્મ માટે એક ગીત રેકોર્ડ કર્યું હતું. પરંતુ અંતે સર્જનાત્મક કારણોસર તે ગીત ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું નહીં.

ફિલ્મોના સંગીતમાં આવી ઘટનાઓ સામાન્ય હોય છે. ઘણી વખત ઉત્તમ ગીતો પણ અંતિમ સંપાદન અથવા વાર્તાની જરૂરિયાતને કારણે ફિલ્મમાંથી બહાર થઈ જાય છે. પરંતુ 'દેવદાસ' જેવા પ્રોજેક્ટમાં આ પ્રકારનો નિર્ણય ખાસ ચર્ચાનો વિષય બને છે, કારણ કે તેની પાછળ સંગીતની રચના અને ફિલ્મની વાર્તા વચ્ચેનું સંતુલન મહત્વનું હતું.

ઈસ્માઈલ દરબારની ફિલ્મોનું લિસ્ટ

મુખ્ય ફિલ્મો (સંગીત નિર્દેશક તરીકે)

  • હમ દિલ દે ચૂકે સનમ (1999) - આ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

  • તેરા જાદુ ચલ ગયા (2000)

  • દેવદાસ (2002) - આ ફિલ્મનું સંગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું.

  • શક્તિ: ધ પાવર (2002)

  • દીવાનગી (2002)

  • દેશ દેવી (2002)

  • બાઝ: અ બર્ડ ઇન ડેન્જર (2003)

  • વિષ્ણુ (2003) - તેલુગુ ફિલ્મ.

  • કિસ્ના: ધ વોરિયર પોએટ (2005)

  • હુસ્ન (2006)

  • મહેબૂબા (2008)

  • ધ અનફોર્ગેટેબલ (2009)

  • કાંચી: ધ અનબ્રેકેબલ (2014)

  • એક અદભુત દક્ષિણા: ગુરુ દક્ષિણા (2015)

  • સંતેયલ્લી નિંથા કબીરા (2016) - કન્નડ ફિલ્મ

બેકગ્રાઉન્ડ મ્યુઝિક

  • ભૂમિ (2017)

  • અમીના

દિગ્દર્શક તરીકે (Director)

  • યે કૈસા તિગડમ (2018) - આ ફિલ્મ દ્વારા તેમણે નિર્દેશન ક્ષેત્રે ડેબ્યૂ કર્યું હતું અને સંગીત પણ આપ્યું હતું.

ટેલિવિઝન શો

  • તેમણે પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારત (2013) (સ્ટાર પ્લસ) માં સંગીત આપ્યું હતું.

  • તેઓ 'સા રે ગા મા પા ચેલેન્જ' (2005 અને 2007) અને 'બીગ બોસ 3' (2009) જેવા રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળ્યા છે.

પછી બદલાઈ ગઈ કહાની…

'હમ દિલ દે ચૂકે સનમ' અને 'દેવદાસ' જેવી સફળ ફિલ્મો બાદ સ્વાભાવિક રીતે અપેક્ષા હતી કે ઇસ્માઇલ દરબાર અને ભણસાલી લાંબા સમય સુધી સાથે કામ કરશે.

પરંતુ એવું થયું નહીં…

સમય જતાં બંને વચ્ચે અંતર વધ્યું અને આ અંતર માત્ર વ્યાવસાયિક નહોતું રહ્યું. તેમાં વ્યક્તિગત ગેરસમજ અને અહંકારના ટકરાવની ચર્ચાઓ પણ જોડાઈ ગઈ.

આ વિવાદની આસપાસની સૌથી વધુ ચર્ચાતી કહાની 'હીરામંડી: ધ ડાયમંડ બજાર' સાથે જોડાયેલી છે.

'હીરામંડી' અને સંગીત સગપણમાં ભંગાણ

એક મીડિયા ઈન્ટરવ્યુમાં ઇસ્માઇલ દરબારે કહ્યું હતું કે તેઓ 'હીરામંડી'ના સંગીત પર લાંબા સમય સુધી કામ કરી રહ્યા હતા. લગભગ દોઢ વર્ષ સુધી તેમણે આ પ્રોજેક્ટ માટે સંગીત તૈયાર કર્યું હોવાનો તેમનો દાવો રહ્યો છે.

પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ

મીડિયામાં એક અહેવાલ પ્રકાશિત થયો, જેમાં ઇસ્માઇલ દરબારને ભણસાલીની ફિલ્મોના સંગીતની 'કરોડરજ્જુ' તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ભણસાલીને શંકા થઈ કે આ વાત ઇસ્માઇલ દરબાર તરફથી જ મીડિયામાં પહોંચાડવામાં આવી હશે.

અહીંથી ગેરસમજ વધી

ઇસ્માઇલ દરબારની દૃષ્ટિએ કદાચ આ માત્ર એક મીડિયા રિપોર્ટ હતો, પરંતુ ભણસાલીની દૃષ્ટિએ તે તેમની સર્જનાત્મક ઓળખ સાથે જોડાયેલો મુદ્દો બની ગયો. પરિણામે બંને વચ્ચેનું અંતર વધ્યું અને અંતે 'હીરામંડી'નું સંગીત ભણસાલીએ પોતે સંભાળ્યું.

એક સફળ સંગીતકાર અને દિગ્દર્શક વચ્ચેનું વર્ષોનું સર્જનાત્મક જોડાણ આ રીતે તૂટી ગયું.

'100 કરોડ આપો તો પણ નહીં કરું'..આ દાવામાં કેટલી સચ્ચાઈ?

ભણસાલી સાથેના સંબંધો અંગે ઇસ્માઇલ દરબારનો વલણ આજે પણ અત્યંત સ્પષ્ટ છે.

એક તાજેતરના ઇન્ટરવ્યુમાં તેમણે એવો દાવો કર્યો હતો કે જો સંજય લીલા ભણસાલી તેમને ફરી સાથે કામ કરવા માટે 100 કરોડ રૂપિયા પણ આપે, તો પણ તેઓ કામ નહીં કરે.

આ નિવેદન માત્ર નાણાંનો મુદ્દો નથી દર્શાવતું. તે તેમની અંદર રહેલા આત્મસન્માન અને જૂના વિવાદની ઊંડાઈ તરફ પણ ઈશારો કરે છે.

બોલિવુડમાં જ્યાં મોટા પ્રોજેક્ટ, મોટા બજેટ અને મોટા નામો ઘણીવાર વ્યક્તિગત મતભેદો કરતાં ઉપર આવી જાય છે, ત્યાં ઇસ્માઇલ દરબારનો આ અભિગમ તેમને અન્ય ઘણા લોકો કરતાં અલગ બનાવે છે.

પરંતુ એ જ અભિગમ તેમની કારકિર્દી માટે કેટલો ફાયદાકારક રહ્યો અને કેટલો નુકસાનકારક..તે સવાલ આજે પણ ઉભો છે.

કરણ જોહર અને આદિત્ય ચોપરા: ફોન કર્યા, જવાબ ન મળ્યો?

ઇસ્માઇલ દરબારની કારકિર્દીના ઉતાર અંગે વાત કરતાં બીજી એક મહત્વપૂર્ણ બાબત તેઓ પોતે જણાવે છે.

તેમના કહેવા પ્રમાણે, લગભગ 15 વર્ષ પહેલાં તેમણે મોટા નિર્માતાઓ કરણ જોહર અને આદિત્ય ચોપરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કામ અંગે ફોન અને મેસેજ કર્યા, પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહીં.

એક સંગીતકાર માટે આ પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.

સિનેમામાં પ્રતિભા મહત્વની છે, પરંતુ કામ મેળવવા માટે સંબંધો, નેટવર્કિંગ અને ઉદ્યોગની અંદરની સ્વીકાર્યતા પણ ઘણી વખત એટલી જ મહત્વની બની જાય છે.

ઇસ્માઇલ દરબારની વાતોમાં આ અવગણનાનો દર્દ સ્પષ્ટ દેખાય છે. તેઓ માને છે કે કામ ન મળવાથી તેમની કારકિર્દી અને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર થઈ.

સ્પષ્ટવક્તા સ્વભાવ: શક્તિ કે કારકિર્દી માટે જોખમ?

ઇસ્માઇલ દરબારની સૌથી જાણીતી વિશેષતાઓમાંની એક છે તેમની સ્પષ્ટવક્તા, આખાબોલો સ્વાભાવ….તેઓ સાચું કહેવામાં માને છે અને સારું લાગે કે ખોટું તેઓ પોતાની વાત બેધડક કહી દે છે.

તેઓ પોતાના મનની વાત કહેવામાં અચકાતા નથી. સંગીત ઉદ્યોગના મોટા નામો અંગે પણ તેઓ ઘણીવાર ખુલ્લેઆમ પોતાની વાત મૂકે છે.

પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં દરેક વાતનું વજન હોય છે.

એક નિવેદન ઇન્ટરવ્યુની હેડલાઇન બની શકે છે. એક ટિપ્પણી સંબંધોને અસર કરી શકે છે. અને એક જાહેર મતભેદ વર્ષો જૂના વ્યાવસાયિક સંબંધને તોડી શકે છે.

ઇસ્માઇલ દરબારના કિસ્સામાં પણ એવું જ બન્યું હોવાની ચર્ચા થાય છે.

તેમના માટે પોતાની વાત પર અડગ રહેવું આત્મસન્માન છે. જ્યારે ઉદ્યોગની દૃષ્ટિએ એ જ બાબતને ક્યારેક 'મુશ્કેલ સ્વભાવ' તરીકે જોવામાં આવી શકે છે.

એ. આર. રહેમાન સાથેનો વિવાદ

ઇસ્માઇલ દરબારના કેટલાક જાહેર નિવેદનો સંગીત ઉદ્યોગમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

એ. આર. રહેમાન અંગે પણ તેમણે અનેક વખત ટિપ્પણીઓ કરી હતી અને તેમને ફોનનો જવાબ ન આપવાનો આરોપ મૂક્યો હતો.

ઓસ્કાર અંગે કરાયેલા તેમના એક વિવાદાસ્પદ આરોપે પણ ભારે ચર્ચા જગાવી હતી. આવા નિવેદનોને કારણે ઇસ્માઇલ દરબારનું નામ સંગીત માટે જેટલું ચર્ચાતું હતું, તેટલું જ ક્યારેક વિવાદો માટે પણ ચર્ચાતું થયું.

આ પ્રકારની જાહેર ટિપ્પણીઓનો કલાકારની છબી પર લાંબા ગાળે શું પ્રભાવ પડે છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ બોલિવુડના સંબંધો ઘણીવાર અત્યંત નાજુક હોય છે, અને જાહેર નિવેદનો એ સંબંધોને અસર કરી શકે છે.

'પહેલી' અને 'રાજુ ચાચા' જેવી ફિલ્મોમાં શું થયું?

ઇસ્માઇલ દરબારની કારકિર્દી વિશેની ચર્ચામાં 'પહેલી' અને 'રાજુ ચાચા' જેવી ફિલ્મોના નામ પણ આવે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેટલાક પ્રોજેક્ટ્સમાં સર્જનાત્મક મતભેદો, ધૂન પસંદ ન આવવી અથવા નિર્માતાઓ સાથેની અસહમતિને કારણે તેમનું કામ આગળ વધી શક્યું નહોતું.

અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. ફિલ્મનું સંગીત એક વ્યક્તિની રચના હોવા છતાં અંતિમ નિર્ણય હંમેશા ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાની દૃષ્ટિ સાથે જોડાયેલો હોય છે.

ક્યારેક સંગીતકારને પોતાની રચના શ્રેષ્ઠ લાગે છે, જ્યારે દિગ્દર્શકને વાર્તા માટે બીજો સૂર યોગ્ય લાગે. અને અહીંથી સર્જનાત્મક મતભેદ શરૂ થાય છે.

ઇસ્માઇલ દરબારની કારકિર્દીમાં આવા અનેક પ્રસંગો વિશે ચર્ચા થઈ છે.

'નો કોમ્પ્રોમાઈઝવાળો સ્વભાવ' જ જવાબદાર છે?

આ સવાલનો સીધો જવાબ આપવો સરળ નથી.

ઇસ્માઇલ દરબારની ગેરહાજરી માટે માત્ર તેમના સ્વભાવને જવાબદાર ગણવું કદાચ અતિસરળીકરણ થશે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ છેલ્લા બે દાયકામાં ઘણો બદલાઈ ગયો છે.

સંગીતની પસંદગી બદલાઈ. મ્યુઝિક કંપનીઓનું માળખું બદલાયું. ડિજિટલ પ્લેટફોર્મ આવ્યા. ફિલ્મોમાં ગીતોની સંખ્યા ઘટી. અનેક નવા સંગીતકારો આવ્યા. પ્રોડક્શન હાઉસે પોતાના સંગીતકારો સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવ્યા.

આ બધાની વચ્ચે ઇસ્માઇલ દરબાર જે પ્રકારના શાસ્ત્રીય અને ભવ્ય ફિલ્મી સંગીત માટે જાણીતા હતા, તેની માંગનું સ્વરૂપ પણ બદલાયું.

પરંતુ બીજી બાજુ, તેમના પોતાના નિવેદનો બતાવે છે કે ઉદ્યોગ સાથેના સંબંધો અને વ્યક્તિગત મતભેદોએ પણ તેમની કારકિર્દીની દિશા બદલવામાં ભૂમિકા ભજવી હોઈ શકે છે.

સૌથી મોટી તાકાત જ સૌથી મોટી નબળાઈ બની?

ઇસ્માઇલ દરબારની સફરનું સૌથી રસપ્રદ પાસું કદાચ આ જ છે.

એક તરફ તેઓ એવા સંગીતકાર છે જેમણે 'હમ દિલ દે ચૂકે સનમ' અને 'દેવદાસ' જેવી ફિલ્મોને યાદગાર બનાવ્યા. બીજી તરફ તેઓ એવા વ્યક્તિ તરીકે પણ જાણીતા બન્યા જેમણે પોતાના વિચારોને દબાવી રાખવાનું પસંદ કર્યું નહીં.

સમાધાન કરતાં સંગીત અને ધરાનાને મહત્ત્વ આપ્યું

પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં લાંબી કારકિર્દી માટે માત્ર પ્રતિભા પૂરતી નથી. સંબંધો, સમય સાથે બદલાવાની ક્ષમતા અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સાથે કામ કરવાની કળા પણ એટલી જ મહત્વની છે. તેમણે પોતાની શરતોને આધિન દરબાર ધરાનાનાં સંગીતને મહત્વ આપ્યું છે.

આ સંદર્ભમાં ઇસ્માઇલ દરબારની કહાની એક રસપ્રદ વિરોધાભાસ બની જાય છે.

જેણે પોતાના સંગીત સાથે સમાધાન ન કર્યું, તેણે કદાચ પોતાના કારકિર્દી માર્ગ સાથે પણ સમાધાન ન કર્યું.

ઇસ્માઇલ દરબારનું સંગીત જીવંત છે અને રહેશે

સમય બદલાયો. ફિલ્મો બદલાઈ. સંગીતની ભાષા બદલાઈ. પરંતુ 'તડપ તડપ કે', 'આંખોં કી ગુસ્તાખિયાં', 'નિમ્બૂડા', 'ચાંદ છુપા બાદલ મેં' જેવા ગીતો આજે પણ શ્રોતાઓની યાદોમાં જીવંત છે.

આ ગીતોની સૌથી મોટી સફળતા એ છે કે તેઓ માત્ર એક ચોક્કસ પેઢી પૂરતા સીમિત રહ્યા નથી.

નવા શ્રોતાઓ પણ તેમને સાંભળે છે. જૂના શ્રોતાઓ માટે તેમાં સ્મૃતિ છે, જ્યારે નવી પેઢી માટે તેમાં એક અલગ પ્રકારની સંગીતમય ભવ્યતા છે.

ઇસ્માઇલ દરબારનું સંગીત કદાચ તેમની ફિલ્મી હાજરી કરતાં ઘણું મોટું બની ગયું છે.

અંતિમ સવાલ: શું બોલિવુડ તેમને ફરી તક આપશે?

ઇસ્માઇલ દરબારની કહાની હજુ પૂર્ણ થઈ નથી.

આજે પણ જો કોઈ દિગ્દર્શક તેમને સંપૂર્ણ સર્જનાત્મક સ્વતંત્રતા સાથે એવો પ્રોજેક્ટ આપે, જેમાં શાસ્ત્રીય સંગીત, ઓર્કેસ્ટ્રેશન અને ભાવનાત્મક ઊંડાઈ માટે જગ્યા હોય, તો તેઓ ફરી એક યાદગાર સંગીત આપી શકે છે. એવું માનનારા તેમના ચાહકોની સંખ્યા ઓછી નથી.

પરંતુ શું તેઓ બદલાયેલા બોલિવુડ સાથે ફરી એ જ રીતે જોડાઈ શકશે?

અમારો જવાબ છે, હા. અને શું બોલિવુડ પણ તેમના સ્પષ્ટવક્તા સ્વભાવ અને મજબૂત વ્યક્તિગત અભિગમને સ્વીકારીને તેમને ફરી મુખ્યધારામાં સ્થાન આપશે?

આ સવાલોના જવાબ ભવિષ્યમાં જ મળશે.

પરંતુ એક વાત નિશ્ચિત છે. ઇસ્માઇલ દરબારને માત્ર તેમની ગેરહાજરીથી યાદ કરવું અન્યાય થશે.

કારણ કે કેટલીક કારકિર્દીઓ ફિલ્મોની સંખ્યા દ્વારા નહીં, પરંતુ તેમણે સર્જેલા સંગીતની અમરતા દ્વારા માપવામાં આવે છે.

અને ઇસ્માઇલ દરબારના સૂરો આજે પણ એ જ વાત કહે છેે…

ફિલ્મો બદલાઈ શકે છે, સંબંધો તૂટી શકે છે, સમય આગળ વધી શકે છે; પરંતુ સાચા સંગીતને કદીય ભૂંસી કે મિટાવી શકાતું નથી. એ સંગીત અમર બની જાય છે. ઈસ્માઈલ દરબાર થોડા પ્રેક્ટીકલ વે પણ આવશે એ દિવસો દુર નથી કે હિન્દી ફિલ્મોમાં ફરી એક વાર દરબાર ધરાનાનો મ્યૂઝીકલ રાજ હશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Samkaleen