રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) દ્વારા બુધવાર, 5 ઓગસ્ટના પોલિસી રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા તેને 5.25 ટકા પર યથાવત રાખવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂન બાદ ચાલુ વર્ષે સતત ચોથી વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો છે.
વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાનો આ નિર્ણય એમપીસી સમિતિના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો છે અને આરબીઆઈએ પોતાનું નીતિ વિષયક વલણ પણ ન્યુટ્રલ જાળવી રાખ્યું છે.
પોલિસી રેપો રેટ યથાવત રહેવાના પરિણામે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 5.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે.
નીતિ વિષયક વક્તવ્ય આપતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક આર્થિક વાતાવરણ ઉત્તરોત્તર વધુ અસ્થિર બનતું જઈ રહૃાું છે.
હેડલાઈન ફુગાવો (મોંઘવારીનો દર) ધારણા મુજબ જ આરબીઆઈના નિર્ધારિત લક્ષ્યાંકથી થોડો ઉપર પહોંચ્યો હોવાનું સ્વીકારતા ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન નોંધાયેલો વાસ્તવિક ફુગાવો અપેક્ષા કરતા સહેજ નીચો રહૃાો છે. આ ઉપરાંત દેશમાં કિંમતોના દબાણનું વ્યાપક સામાન્યીકરણ (જનરલાઈઝેશન) થયું નથી અને કોર ઈન્ફ્લેશન હજુ પણ નિયંત્રણ હેઠળ તથા સાનુકૂળ સ્થિતિમાં જળવાઈ રહૃાું છે.
આરબીઆઈએ રેપો રેટ 5.25% પર જ રાખ્યો છે. તેથી જેમની હોમ, કાર કે પર્સનલ લોન રેપો રેટ સાથે જોડાયેલી છે, તેમની ઈએમઆઈ કે લોનના વ્યાજ દરમાં હાલમાં કોઈ ફેરફાર થશે નહીં.
બેંકો હાલમાં હોમ, કાર અને પર્સનલ લોનના વ્યાજ દરોમાં તાત્કાલિક કોઈ ફેરફાર કરશે નહીં. નવી લોન પણ વર્તમાન દરો પર જ મળવાની શક્યતા છે.
રેપો રેટ સ્થિર રહેવાથી ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજ દરોમાં પણ તાત્કાલિક ફેરફારની અપેક્ષા નથી. જોકે, આખરી નિર્ણય દરેક બેંક પોતાની જરૂરિયાત મુજબ લેતી હોય છે.
આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ફેરફાર ન કરવાનો અર્થ એ નથી કે તમામ બેંકો પોતાના વ્યાજ દરોમાં બિલકુલ ફેરફાર નહીં કરે. બેંકો તેમના ફંડિંગ ખર્ચ, ડિપોઝિટ અને બજારની સ્થિતિના આધારે સીમિત ફેરફાર કરી શકે છે.

