રાજકોટ તા.2 રાજકોટ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.11 જુલાઈએ લોક અદાલત યોજાશે. જેનો લાભ લેવા પક્ષકારોને અનુરોધ કરાયો છે. કોર્ટ યાદીમાં અપાયેલી વિગત અનુસાર, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તા.11/7/2026ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.
સદર લોક અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. લોક અદાલતમાં (1) ફોજદારી સમાધાન લાયક કેસો, (2) નેગોસીએબલ એકટની કલમ-138 (ચેક રિટર્ન અંગેના કેસો (3) બેન્ક લેણાના કેસો (4) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (5) લગ્ન વિષયક કેસો (6) મજુર અદાલતના કેસો (7) જમીન સંપાદનને લગતા કેસો (8) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (9) રેવન્યુ કેસીસ (10) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (11) અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે.આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, લોક અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈનો પરાજય નહી તેવી પરિસ્થિતિ ઉદભવે છે. અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે.
લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી લોક અદાલતનો મહતમ લાભ લઈ વધુને વધુ કેસો લોક અદાલતમાં મુકાવી, લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ કાલીન સચિવ કે.બી. રાઠોડની યાદીમાં જણાવાયું છે.

