Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
3 માસની બાળકીની ચાંદીપુરા વાયરસ સામે સફળ લડત : રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન

3 માસની બાળકીની ચાંદીપુરા વાયરસ સામે સફળ લડત : રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન

રાજકોટ, તા. 5 રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ ખાતે અતિ ગંભીર સ્થિતિમાં ચાંદીપુરા વાયરસથી પીડિત રાજ્યની સૌથી નાની વયની 3 માસની બાળકીની સફળ સારવાર કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ સિવિલ ખાતે ચાંદીપુરા વાયરસ ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

અહીં ચાંદીપુરા અસરગ્રસ્ત બાળકને સતત 17 દિવસ સુધી સઘન સારવાર આપ્યા બાદ હાલ તે સંપૂર્ણ સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.

મોનાલી માકડિયાએ જણાવ્યું છે.

ગત તા. 19 જુલાઈના રોજ ગોંડલ ખાતેથી આ બાળકીને ચાંદીપુરા વાયરસની અસર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. જેને તરત જP.I.C.U.માં દાખલ કરવામાં આવી હતી. બાળકીને જ્યારે દાખલ કરાઈ ત્યારે તે કોમામાં હતી અને લોહીનું પરિભ્રમણ ધીમું હોવાથી હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા. એસોસિએટ પ્રોફેસર ડો. પલક હપાણી અને નાના બાળકોના વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી સારવાર શરૂ કરાઈ હતી.

સતત સાત દિવસ વેન્ટિલેટર અને ત્યારબાદ ઓક્સિજન પર રાખી, જરૂરી દવાઓ તેમજ સિનિયર ડોક્ટર્સના સઘન મોનિટરિંગ બાદ બાળકીની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. એમ.આર.આઈ. સહિતના તમામ રિપોર્ટ નોર્મલ આવતા તેને રજા અપાઈ છે.

મેડિકલ કોલેજના ડીન ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસની ગંભીર પરિસ્થિતિમાં મગજ પર અસર થવાથી મલ્ટી ઓર્ગન ફેલ્યોરની સંભાવના રહે છે, પરંતુ યોગ્ય સમયે સારવારથી જોખમ ઘટાડી શકાય છે. હાલ P.I.C.U. માં અન્ય બે શંકાસ્પદ દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે.

મૂળ મધ્ય પ્રદેશનો આ પરિવાર હાલ ગોંડલના પાંચિયાવદર ગામે માટીના ઘરમાં રહી ખેત મજૂરી કરતો હોવાથી બાળકીને વાયરસની અસર થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર નિ:શુલ્ક સારવારથી બાળકીને નવજીવન મળતા તેના પરિવારજનોએ ગળગળા થઈ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar