રાજકોટમાં ચાર દિવસથી વરસાદે વિરામ લઇ લીધો છે. શહેરમાં હવે લગભગ કોઇ મોટા રસ્તા કે બ્રીજમાં પાણી ભરાયેલા છે. સામાન્ય વરસાદમાં પણ જ્યાં અવરજવર બંધ થઇ જાય છે તે પોપટપરા નાલા હેઠળ પણ હવે પાણી નથી પરંતુ વર્ષો અગાઉ મહાપાલિકાએ રેલવે પાસે તૈયાર કરાવેલા અને ડિઝાઇન સહિતના સવાલોમાં કાયમ ઘેરાયેલા રહેતા રેલનગર અંડરબ્રીજમાં વરસાદ બાદ હવે ફરી પાણી ભરાવાનું શરૂ થયું છે.
આજુબાજુની ખેતરાઉ જમીનના કારણે રેલનગર બ્રીજમાં પાણી ભરાવાની સમસ્યા છે. તેમાં હવે તળમાંથી પાણી નીકળવાનું શરૂ થતા બ્રીજનો પુરો ભાગ પાણી-પાણી થઇ ગયો છે. નાના વાહન ચાલકો તો સ્લીપ થઇ જાય તેવી હાલત ઉભી થઇ છે. ગત વર્ષે તો મહાપાલિકાએ ખાતમુહૂર્ત કરીને પાણી છલકાતું રોકવા કેમીકલ ફિલીંગનું કામ કર્યુ હતું અને 60 લાખ રૂપિયા જેવો ખર્ચ પણ કર્યો હતો.
પરંતુ બે દિવસથી બ્રીજની વચ્ચેના ભાગમાંથી પાણી નીકળવા લાગ્યું છે. થોડા સમય પહેલા શાસકોએ જામનગર રોડના નવા પુલનું ઉદઘાટન કરતા આ રોડનો મોટો ટ્રાફિક પ્રશ્ર્ન હલ થયો છે. પરંતુ જામનગર રોડથી થોડે જ અંદર આવેલા રેલનગર બ્રીજની હાલત ફરી પાણી પાણી થઇ ગઇ છે. તેનું કારણ અધિકારીઓ જાણતા હશે પરંતુ અગાઉ આ જ સમસ્યા સામે વિરોધ પક્ષ કોંગ્રેસે આંદોલન પણ કર્યુ હતું તે ઉલ્લેખનીય છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)

