મુંબઈ, તા. 7 તહેવારોની સીઝનમાં શેરબજારના રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યાં છે. આગામી 10 દિવસ દરમિયાન દેશની અનેક અગ્રણી કંપનીઓ પોતાનાં શેરધારકોને જંગી ડિવિડન્ડ (લાભાંશ) ચૂકવવા જઈ રહી છે. 9 થી 17 નવેમ્બર દરમિયાન અલગ-અલગ કંપનીઓ દ્વારા ડિવિડન્ડ ચૂકવણીની તારીખો નક્કી કરવામાં આવી છે, જેનાથી રોકાણકારોને વધારાની આવક થશે.
આ સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રની જાણીતી કંપનીઓ પોતાનાં શેરહોલ્ડર્સને ડિવિડન્ડ આપશે.
જેમાં બેયર કોર્પ પ્રતિ શેર સૌથી વધુ 90 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે, જ્યારે ટાપરિયા ટૂલ પ્રતિ શેર 40 રૂપિયા અને ગૈલેક્સી સરફેક્ટન્ટ્સ 18 રૂપિયા ડિવિડન્ડ આપશે.
આ સિવાય એફએમસીજી દિગ્ગજ હિન્દુસ્તાન યુનિલીવર પ્રતિ શેર 19 રૂપિયા, ડાબર ઈન્ડિયા 3.5 રૂપિયા, અરબિંદો ફાર્મા 7 રૂપિયા અને પીએફસી 4.1 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે.
તહેવારો બાદ કંપનીઓ તરફથી મળનારી આ વધારાની રકમ રોકાણકારો માટે કોઈ દિવાળી બોનસથી ઓછી નથી. નવેમ્બર મહિનામાં શેરબજારની આગળની દિશા નક્કી કરવામાં કંપનીઓના બીજી ત્રિમાસિકના નાણાકીય પરિણામો, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિઓ, વૈશ્વિક સંકેતો અને વ્યાજ દરો સાથે જોડાયેલા ઘટનાક્રમ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ સાથે જ વિદેશી રોકાણકારો પણ હવે ભારતીય માર્કેટ તરફ પાછા ફરી રહ્યા હોવાના સંકેત મળી રહ્યાં છે.

