Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આપત્તિ સમયે ઈજાગ્રસ્તોના જીવ બચાવવા, માટે 243 યુવાનો બનશે 'આપદામિત્ર'

આપત્તિ સમયે ઈજાગ્રસ્તોના જીવ બચાવવા, માટે 243 યુવાનો બનશે 'આપદામિત્ર'

રાજકોટ તા.2 રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ, કલેક્ટર કચેરી, રાજકોટ દ્વારા "રાષ્ટ્રીય સેવા યોજના" અને "મેરા યુવા ભારત"ના સ્વયંસેવકો માટે 'યુવા આપદા મિત્ર યોજના' અંતર્ગત સાત દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ સ્પીપા ખાતે આ તાલીમનું આયોજન કુલ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં રાજકોટ જિલ્લાના એન.એસ.એસ.ના 123 વિદ્યાર્થીઓ અને "મેરા યુવા ભારત"ના 120 સ્વયંસેવકો મળીને કુલ 243 તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. આ તાલીમમાં એસ.ડી.આર.એફ. ગ્રુપ-13ના માસ્ટર ટ્રેનર્સ, ફાયર વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ સાત દિવસીય શિબિર દરમિયાન સ્વયંસેવકોને પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવું અને વીજળી પડવી જેવી કુદરતી આફતો તેમજ આગ લાગવી કે ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે જ ઈજાગ્રસ્તોને સી.પી.આર.આપવો, પ્રાથમિક સારવાર કરવી, ગંભીર ઘટના વખતે લેવાતા તાત્કાલિક પગલાં અને દર્દીઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાની ઇમરજન્સી મેડિકલ સર્વિસ વિશે જીવંત નિદર્શન દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

નિવાસી અધિક કલેક્ટર અને યુવા આપદા મિત્ર નોડલ જે.એચ.બારોટ, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એ.એસ.ઝાપડા, મામલતદાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મીરાબેન એચ.જાનીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડિઝાસ્ટર શ્રી એચ. એલ. ભાસ્કર તથા નાયબ મામલતદાર આર.આઈ.ઉપાધ્યાયની દેખરેખમાં યુવાનોને આ તાલીમ આપવામાં આવી રહી છે.

આ યુવાનોને તાલીમબદ્ધ કરવાનું કાર્ય પોલીસ કોન્સ્ટેબલ સર્વે નલિનભાઈ વાસોયા, હરપાલસિંહ જાડેજા,વિજયભાઈ ચાવડા, શ્રી દેવેન્દ્રસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ભાસળીયા અને સુધીરકુમાર ઓસુરા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તાલીમના અંતે તમામ તાલીમાર્થીઓને 'યુવા આપદા મિત્ર'નું સર્ટિફિકેટ તેમજ એન.ડી.એમ.એ. દ્વારા 5 લાખનું વીમા કવચ આપી પ્રોત્સાહિત કરાશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar