ન્યૂયોર્ક, તા. 2 ન્યૂયોર્ક શહેરની સુપ્રસિદ્ધ ઇમારત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના ઓબ્ઝર્વેશન ડેક પર બુધવારે બપોરે પ્રવાસીઓ નજારો માણી રહ્યાં હતાં, ત્યારે જ એક રશિયન કપલે હૃદયનાં ધબકારા વધારી દે તેવું પરાક્રમ કર્યું.
એન્જેલા નિકોલાઉ અને વાન્યા બિરકુસ નામના આ કપલે 1,454 ફૂટ ઊંચી ગગનચુંબી ઇમારતના સૌથી ઉપરના છેડે આવેલા રેડિયો અને ટેલિવિઝન ટ્રાન્સમિશન ટાવર પર કોઈ પણ સુરક્ષા હાર્નેસ વગર ચઢાણ કર્યું હતું.
ચહેરા પર માસ્ક અને કાળા કપડાં પહેરીને આ જોડીએ એન્ટેનાની સાંકડી ટોચ પર ઊભા રહીને આ પરાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ઇમારતના એન્ટેનાની લાલ લાઈટ પાસે પહોંચીને આ કપલે એક મોટું કાળું બેનર લહેરાવ્યું હતું, જેના પર લખ્યું હતું, "જ્યારે પ્રેમની શક્તિ સત્તાને હરાવી દેશે, ત્યારે વિશ્વમાં શાંતિ સ્થપાશે' આ ઘટના બનતાં જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી, બિલ્ડિંગના ઓબ્ઝર્વેશન ડેકને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા હતા.
ન્યૂયોર્ક પોલીસ વિભાગનું હેલિકોપ્ટર પણ બિલ્ડિંગની આસપાસ ચક્કર લગાવવા લાગ્યું હતું. આ ખતરનાક સ્ટંટ બાદ જ્યારે બંને ટાવરની નીચે બનેલાં એક પ્લેટફોર્મ પર પહોંચ્યાં, ત્યારે યુવકે ઘૂંટણિયે બેસીને યુવતીને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને યુવતીએ હા પાડતાં જ બંને એકબીજાને ભેટી પડ્યાં હતાં.
આ જીવલેણ સ્ટંટ કરનાર રશિયન યુવતી એન્જેલા નિકોલાઉ સોશિયલ મીડિયા પર પોતાને એક 'નિયોઆર્ટિસ્ટ' તરીકે ઓળખાવે છે, જે ભય અને આઝાદીના વિષયો પર કામ કરે છે. આ કપલ અગાઉ પણ સાન ફ્રાિેન્સસ્કોના બે બ્રિજ અને મલેશિયાના મર્ડેકા 118 વિશ્વની બીજી સૌથી ઊંચી ઇમારત જેવી દુનિયાની ગગનચુંબી ઇમારતો પર ગેરકાયદેસર રીતે ચઢવા માટે જાણીતું છે.
વર્ષ 2024માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડોક્યુમેન્ટ્રી 'સ્કાયવોકર્સ: એ લવ સ્ટોરી' પણ આ બંનેના આવા જ સાહસિક જીવન પર આધારિત હતી. જો કે, આ ભવ્ય ઇમારતના પ્રતિબંધિત વિસ્તારમાં આ કપલ સુરક્ષા ભેદીને કેવી રીતે પહોંચ્યું, તેની તપાસ હજુ ચાલી રહી છે.
મેદાન પરથી નીચે ઉતરતાની સાથે જ પોલીસે કોઈ પણ પ્રકારનાં હોબાળા વગર આ કપલને કસ્ટડીમાં લઈ લીધું હતું અને તેમની સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીજી તરફ, એન્જેલાના પિતા દિમિત્રી નિકોલાઉ, જેઓ રશિયામાં સર્કસ આર્ટિસ્ટ છે, તેમણે પુત્રીના આ કૃત્યનો બચાવ કરતા કહ્યું કે બંધારણ મુજબ કોઈપણ દેશમાં છત પર ચઢવું સામાન્ય બાબત છે.
જો કે, બિલ્ડિંગના ચીફ એન્જિનિયર જોન ક્લીયરીએ ચેતવણી આપી હતી કે ટાવર પર હાઈ-વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ એનર્જી અને લાઇવ સિગ્નલો હોવાથી આ પ્રકારનો સ્ટંટ અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. અગાઉ 1994માં 'ફ્રેન્ચ સ્પાઈડરમેન' તરીકે જાણીતા એલેન રોબર્ટે પણ આ બિલ્ડિંગ પર ગેરકાયદેસર ચઢાણ કર્યું હતું.

