અલીગઢ, તા.5 ઉત્તર પ્રદેશનાં ઔરૈયા જિલ્લાનાં રહેવાસી ધર્મેન્દ્ર તેમની સગર્ભા પત્ની કામિની દેવી સાથે દિલ્હીથી ગોમતી એક્સપ્રેસ (12420) ટ્રેનમાં પોતાનાં ઘરે પરત ફરી રહ્યાં હતાં. કામિની દેવી દિલ્હીની એક હોસ્પિટલમાં ચાર દિવસથી દાખલ હતાં, પરંતુ તબીબોએ સામાન્ય ડિલિવરીની શક્યતા ઓછી જણાવી તેમને ઘરે જવાની સલાહ આપી હતી.
મુસાફરી દરમિયાન અચાનક કામિની દેવીને તીવ્ર પ્રસવ પીડા શરૂ થતાં, ટ્રેન અલીગઢ જંકશન પર રોકાતાં જ પતિએ તાત્કાલિક મદદ માટે વિનંતી કરી હતી.
ઘટનાની ગંભીરતા જોઈને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ના મહિલા કોન્સ્ટેબલો અને અધિકારીઓએ સમય બગાડ્યા વિના પ્લેટફોર્મ નંબર-2 પર સાડીઓ અને કપડાંથી પડદો બનાવીને મહિલાની ગોપનીયતા સુનિશ્ચિત કરી હતી.
આ દરમિયાન ત્યાં હાજર બે મહિલા મુસાફરો પણ મદદ માટે આગળ આવી હતી. સૌના સાથ-સહકારથી પ્લેટફોર્મ પર જ કામિની દેવીએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો, જેથી ત્યાં હાજર તમામ મુસાફરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
બાળકીના જન્મ બાદ તરત જ એમ્બ્યુલન્સ મારફતે માતા અને નવજાત શિશુને સ્થાનિક મોહનલાલ ગૌતમ મહિલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં હાલ બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.
અજાણ્યા સ્ટેશન પર મુશ્કેલીના સમયે RPF ટીમ અને સામાન્ય મુસાફરોએ બતાવેલી માનવતા તથા સમયસરની મદદને કારણે ચિંતામાં મુકાયેલા પરિવાર માટે આ ક્ષણ યાદગાર બની ગઈ હતી.

