> હાઈકોર્ટમાં ભારે સુરક્ષા વચ્ચે ચુકાદો અપાયો : હવે સુપ્રીમ અને રાષ્ટ્રપતિ સુધી મામલો જાય તેવા સંકેત : એકી સાથે 38ને ફાંસીની સજાનો અભૂતપૂર્વ ચુકાદો આવ્યો હતો
અમદાવાદ તા.7
ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવનાર અમદાવાદના 26 જુલાઈ 2008ના સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં આજે ગુજરાત હાઈકોર્ટે તમામ દોષીત 38 આરોપીઓની ફાંસીની સજા તથા 11ને આજીવન કારાવાસની સજા યથાવત રાખી છે.
તેની સાથે ગંભીર ઈજાગ્રસ્તને રૂા.5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તને રૂા.1 લાખનું વળતર ચુકવવા પણ આદેશ આપ્યો છે. દેશમાં એક જ સાથે 38 લોકોને ફાંસીની સજાના જવલ્લે જ અપાતા ચુકાદામાં અમદાવાદની સીટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના દેશના ઈતિહાસમાં પ્રથમ વખત 38 આરોપીઓને ફાંસી અને 11ને અંતિમ શ્વાસ સુધી જેલ સજાની સજા ફટકારી હતી અને હાઈકોર્ટે આજે તે સજાને બહાલ રાખી છે.
જયારે 48 આરોપીઓ જે સજાના હુકમ સામે અદાલતમાં ગયા હતા તે અરજી પણ ફગાવી દેવાઈ છે. આમ 2008માં થયેલા અને 56 લોકોના ભોગ લેનાર આ સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં હવે કેસ સુપ્રીમમાં જાય તો પણ આશ્ચર્ય થશે નહી. જેની સામે રાજય સરકાર કેવીએટ પણ દાખલ કરી શકે છે.
આજે આ ચુકાદા સમયે તમામ આરોપીઓને ખાસ બંદોબસ્ત હેઠળ હાજર રખાયા હતા તથા અદાલતમાં જબરા ખામોશીભર્યા માહોલ સાથે ન્યાયમૂર્તિ એ પોતાનો ચુકાદો આપ્યો છે.
18 વર્ષ જુના આ બોમ્બ બ્લાસ્ટમાં અમદાવાદમાં 20 સ્થળોએ 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. સીરીયલ બોમ્બ બ્લાસ્ટના કારણે 56 લોકો સ્થળ પર જ માર્યા ગયા હતા અને સાંજના 6.30 થી રાત્રે 8.10 સુધી બોમ્બ ધડાકાથી અમદાવાદ ધણધણ્યુ હતું. ફકત 70 મીનીટમાં 21 બ્લાસ્ટ થયા અને દેશભરમાં તે સંદર્ભમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
ખાસ તપાસ ટીમ દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરીને દેશના અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્યપ્રદેશ, કેરાળા, કર્ણાટક, સુરત, ભુજ, ઉતરપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના સ્થળોએ દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
અમદાવાદની ખાસ સેશન્સ કોર્ટમાં અપાયેલા ચુકાદાને હાઈકોર્ટે બહાલ રાખતા હવે તમામ આરોપીઓને જો સુપ્રીમકોર્ટ કોઈ રાહત ન આપે અને રાષ્ટ્રપતિ પણ દયાની અરજી ફગાવે તો એકી સાથે 38ને ફાંસીની અભૂતપૂર્વ ઘટના બનશે.

