નવી દિલ્હી, તા.4 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી-2026ના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે 12 વાગ્યા સુધીના વલણો મુજબ ભાજપ 185, ટીએમસી 99 અને અન્યો 6 સીટો પર આગળ છે. આ સ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ બહુમતિવાળી સીટો પરથી ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે અને તેમાં આશ્ર્ચર્યજનક રીતે ભાજપ આગળ છે.
પશ્ચિમ બંગાળમાં 30 ટકાથી વધુ મુસ્લિમ વસ્તીવાળી સીટોનું ગણિત ઘણું મહત્વનું માનવામાં આવે છે.
ટીએમસી માટે આ સીટો હંમેશા સત્તાની ચાવી રહી છે. પરંતુ આ વખતે તેમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પાર્ટીની વૃદ્ધિને જોઇને વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ મોટું નિવેદન આપ્યું હતું કે દક્ષિણ બંગાળમાં મુસ્લિમ વોટોનું વિભાજન થયું છે, જેનો સીધો ફાયદો ભાજપને મળી રહ્યો છે.
અધિકારીના જણાવ્યા મુજબ મુસ્લિમ બહુમતી ધરાવતા માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લામાં આ ફેરફાર સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું તે 2021 અને 2024ની ચૂંટણીઓમાં જ્યાં મુસ્લિમ વોટોનો 90-95 ટકા એક તરફી ઝુકાવ સત્તારૂઢ ટીએમસી તરફ હતાં તેમાં હવે તિરાડ પડી રહી છે.
શું છે મુખ્ય કારણ
મુસ્લિમ બહુમતિ જિલ્લામાં ભાજપના આ દેખાવ પાછળ મતદાતા યાદીનું વિશેષ ગહન પુન: નિરીક્ષણ એસઆઇઆરને મોટું કારણ માનવામાં આવે છે. આ કારણે ખાસ કરીને આ મુસ્લિમ બહુમતી જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી કપાયા છે.
જેનો સીધો ફાયદો ભાજપને મળતો જોવા મળે છે. એક દક્ષિણ બંગાળ અને કૂચ બિહાર જેવા ક્ષેત્રોમાં મુસ્લિમ મતદાર હજુ પણ પ્રારંભિક દોટમાં ટીએમસી તરફ ઝુકાવ રાખતા જોવા મળી રહ્યા છે.

