સુરત, તા. 5 છૂટાછેડા માટે હવે પતિ-પત્નીનું એક જ દેશમાં હોવું કે અદાલતમાં આમને-સામને ઊભા રહેવું જરૂરી રહ્યું નથી. સુરત ફેમિલી કોર્ટમાં સામે આવેલાં એક કિસ્સામાં કેનેડામાં રહી રહેલી પત્ની અને પશ્ચિમ આફ્રિકાનાં સિએરા લિયોનમાં રહી રહેલાં પતિએ ભારત આવ્યાં વિના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની આપી અને અદાલતે છૂટાછેડાનો દાવો મંજૂર કરી દીધો.
બંનેએ સુરત ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.
સુરતનાં મહિધરપુરા નિવાસી યુવકના વર્ષ 2015માં સુરતની જ યુવતી સાથે લગ્ન થયા હતા. બંને વચ્ચે થોડા સમય પછી વૈચારિક મતભેદો વધવા લાગ્યા. તેના કારણે માર્ચ 2023થી બંને અલગ રહેવા લાગ્યા. પાછળથી રોજગાર માટે પતિ સિએરા લિયોન અને પત્ની કેનેડા જતી રહી. બંનેએ કાયમી ધોરણે અલગ થવાનો નિર્ણય કર્યો અને સુરત ફેમિલી કોર્ટમાં પાવર ઓફ એટોર્ની દ્વારા છૂટાછેડાનો દાવો દાખલ કરી દીધો.
'ટેકનોલોજી ન્યાયની દાસી હોવી જોઈએ'
એડવોકેટ અશ્વિન જોગડિયાના જણાવ્યાં અનુસાર, એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટે ઓસ્ટ્રેલિયામાં રહી રહેલાં પતિની વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની નોંધવાના કિસ્સામાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે ટેકનોલોજીનાં ઉપયોગ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે 'ટેકનોલોજી ન્યાયની દાસી હોવી જોઈએ, રસ્તાનો પથ્થર નહીં.' ટેકનિકલ વ્યવસ્થા સરળ, સચોટ અને સામાન્ય પક્ષકારો માટે સુલભ હોવી જોઈએ.

