Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

બે શિક્ષણ સંસ્થાઓના નિષ્ણાતોએ સાથે મળીને અભ્યાસ કર્યો

♦ 12 હજાર પગલાં ચાલવાથી માનસિક સમસ્યાઓ ઘટે છે : ચાલીને જવું માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે : વધુ ચાલવાથી મગજની મૂવમેન્ટ અને ભાવનાઓવાળા હિસ્સા મજબૂત થાય છે.

લંડન,
પાર્કમાં ફરવું, ચાલીને શાળાએ જવું કે રોજના વધુ પગલાં ચાલીને જવાથી બાળકોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. કિંગ્સ કોલેજ લંડન અને મેસાચુસેટ્સ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

નિષ્ણાતોએ 11 થી 12 વર્ષની વયના 5,515 કિશોરોના ડેટાનું વિશ્લેષણ કર્યું. આ બાળકોને ત્રણ અઠવાડિયા સુધી ફિટનેસ ટ્રેકિંગ ડિવાઇસ પહેરાવવામાં આવ્યું હતું, જેથી તેમના દૈનિક ચાલવાનો ચોક્કસ અને સાચો આંકડો મળી શકે.

આના એક વર્ષ પછી, તેમણે બાળકો અને તેમના માતાપિતા પાસેથી 'ચાઇલ્ડ બિહેવિયર ચેકલિસ્ટ' પ્રશ્નનાવલી ભરાવી. આ પ્રશ્નાવલી દ્વારા બાળકોમાં ચિંતા, લો મૂડ અને વર્તન સંબંધિત સમસ્યાઓ જેવા લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

પરિણામો પરથી જાણવા મળ્યું કે જે કિશોરો રોજિંદા ધોરણે જેટલું વધુ ચાલતા હતા, એક વર્ષ પછી તેમનામાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ એટલી જ ઓછી જોવા મળી. આ સંકેત આપે છે કે કિશોરો માટે શારીરિક પ્રવૃત્તિ વધારવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

રમતગમત કે કસરત માટે અલગથી વધુ સમય ફાળવવો જરૂરી નથી. ચાલીને શાળાએ જવું, મિત્રો સાથે બહાર રમવું, દાદરનો ઉપયોગ કરવો કે આસપાસના કામ માટે ચાલીને જવું પણ રોજના પગલાં વધારવામાં મદદ કરી શકે છે.

નિષ્ણાતોના મતે, નાના ફેરફારો પણ મહત્વ ધરાવે છે. દરરોજ બે હજાર પગલાં વધુ ચાલવું એ પણ વધુ સારા માનસિક સ્વાસ્થ્ય અને મગજની રચના સાથે જોડાયેલું જોવા મળ્યું છે.

ફાયદા માટે એથલીટ હોવું જરૂરી નથી
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ફાયદા મેળવવા માટે એથલીટ હોવું જરૂરી નથી. જો કોઈ કિશોર રોજના ચાલવાના પગલાંમાં માત્ર એકથી બે હજાર પગલાં ઉમેરે છે, તો પણ તેના મગજની રચના અને માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સકારાત્મક પરિણામો જોવા મળે છે. સૌથી સારી વાત એ છે કે પગલાંની સંખ્યા વધવાની સાથે આ ફાયદાકારક અસર આગળ પણ સતત વધતી રહે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar