શાનક્સી, તા. 3 મધ્ય ચીનનાં શાનક્સી પ્રાંતમાં આવેલાં યુનચેંગ શહેરમાં અસહ્ય ગરમી અને હીટવેવથી રાહત મેળવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં રહેણાંક સોસાયટીની હાઈ-રાઈઝ (ઊંચી) ઇમારતોની છત પર`રૂફટોપ રેન' નામની અદભૂત કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સિસ્ટમ હેઠળ ઇમારતોની ટોચ પર હાઈ-પ્રેશર મિસ્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે હવામાં પાણીનો ખૂબ જ ઝીણો ધુમ્મસ જેવો કૃત્રિમ વરસાદ વરસાવે છે.
આ ટેકનોલોજીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ સિસ્ટમ વિજ્ઞાનનાં 'ઈવેપોરેટિવ કૂલિંગ' એટલે કે બાષ્પીભવન દ્વારા ઠંડક આપવાનાં સિદ્ધાંત પર કામ કરે છે. બિલ્ડિંગની છત પરથી જ્યારે પાણીનાં અતિ સૂક્ષ્મ ટીપાં હવામાં છોડવામાં આવે છે, ત્યારે તે ગરમ હવામાં ભળીને તરત જ વરાળ બની જાય છે.
આ પ્રક્રિયા દરમિયાન તે આસપાસની ગરમીને શોષી લે છે, જેના કારણે માત્ર થોડી જ મિનિટોમાં આસપાસની સપાટીનું તાપમાન આશરે 5ઓઈ થી 8ઓઈ સુધી ઘટી જાય છે. આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે પાણીનાં ટીપાં ખૂબ જ બારીક હોવાથી તે હવામાં જ સુકાઈ જાય છે, જેથી નીચે રસ્તા પર જતા લોકો કે વાહનો ભીના થતા નથી.
ચીનનાં ઘણાં ભાગોમાં સતત વધી રહેલી ભીષણ ગરમી અને હીટવેવ સામે શહેરી તાપમાનને નિયંત્રિત કરવા અને ત્યાંનાં લોકોને ઝડપી રાહત આપવાનાં હેતુથી આ સ્માર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

