નવી દિલ્હી, તા.3 દેશના મોટાભાગના રાજ્યોમાં નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી મોડી રહ્યા બાદ હવે તે સમગ્ર દેશમાં પ્રવેશી ગયું છે. છેલ્લા ત્રણેક દિવસમાં ચોમાસાએ રફતાર પકડી લીધી હતી. પરિણામે દિલ્હી-રાજસ્થાન સહિતના બાકીના રાજ્યો પણ કવર થઇ ગયા છે. ગુજરાત સહિત અમુક રાજ્યોના કેટલાંક ભાગોમાં એન્ટ્રી બાકી છે તેમાં પણ આવતા 48 કલાકમાં એન્ટ્રી થઇ જશે તેમ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે નૈઋત્ય ચોમાસુ સમગ્ર દેશમાં સક્રિય થઇ ગયું છે. પાટનગર દિલ્હી તથા રાજસ્થાનમાં પણ એન્ટ્રી કરી લીધી હતી. સાથોસાથ હરિયાણા, પંજાબ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગળ વધી ગયું હતું.
આ વર્ષે લગભગ તમામ રાજ્યોમાં ચોમાસાનો પ્રવેશ મોડો થયો હતો. રાજસ્થાનમાં 20 જુન તથા દિલ્હીમાં 27 જુને પ્રવેશતું હોય છે પરંતુ આ વખતે અનુક્રમે 12 અને પાંચ દિવસનું મોડુ થયું છે. હવે આવતા 48 કલાકમાં ચોમાસુ ઉતરીય અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા રાજસ્થાનના વધુ ભાગોમાં આગળ ધપી શકે છે.
દરમિયાન હવામાન ખાતા દ્વારા તા.6 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ ચોમાસાના આગમન સાથે વરસાદ વરસતા ભેજયુક્ત ગરમી અને બફારામાંથી લોકોને રાહત થઇ હતી. ઉત્તરાખંડ, હિમાચલ જેવા પર્વતીય રાજ્યોમાં વરસાદ આફતરૂપ બન્યો હતો. ઉતરાખંડમાં હજુ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોખમી ક્ષેત્રોમાં ભૂસ્ખલન તથા નદી-નાળામાં પૂર સ્થિતિ સર્જાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
ચારધામ યાત્રાળુઓને સાવધાન રહેવા તથા પર્વતીય ભાગો પર સફર ન કરવા સુચવવામાં આવ્યું છે. એચડીઆરએફને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆરમાં ચોમાસાના પ્રવેશ સાથે વરસાદી ગતિવિધિ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના સીનીયર વિજ્ઞાની ડો. નરેશ યાદવે કહ્યું કે ચોમાસુ ઉતરના ભાગો તરફ આગળ વધતું રહેશે. એક સાથે અનેક સિસ્ટમ સક્રિય હોવાથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ થશે. કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ અપાયું છે.
ઉત્તર પ્રદેશ મધ્ય અને પૂર્વીય ભાગોમાં પણ વરસાદ નોંધાયો હતો. લખનઉ, વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજમાં વરસાદી દોર હતો અનેક ભાગોમાં આંધી ફુંકાઇ હતી. 24 કલાકમાં સમગ્ર રાજ્યને ચોમાસુ કવર કરી લેશે. બિહારમાં પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.

