(ફારૂક ચૌહાણ)વઢવાણ તા.11 ચોટીલાઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ચોટીલા વિધાનસભા હેઠળની ઢોકળવા-5 જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ આ બેઠક પર મહિલા ઉમેદવાર કાજલબેન અજીતભાઈ ખોરાણીને મેદાનમાં ઉતાર્યા છે, જેમણે આજે વિધિવત રીતે ઉમેદવારી પત્ર ભર્યું.
ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકરોએ 'પરિવર્તન'ના નારા લગાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉમેદવારી પત્ર ભર્યા બાદ કાજલબેન ખોરાણીએ જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના પાયાના પ્રશ્નો જેવા કે શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણીની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આમ આદમી પાર્ટીની વિચારધારા અને દિલ્હી-પંજાબના વિકાસ મોડેલના આધારે મતદારો સમક્ષ જવાની વાત કરી.
ચોટીલા પંથકની ઢોકળવા જિલ્લા પંચાયત બેઠક રાજકીય રીતે મહત્વની ગણાય છે. કાજલબેન ખોરાણીની ઉમેદવારીથી આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાવાની અને રસાકસી વધવાની શક્યતાઓ છે.

