રાજકોટ, તા.30 દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઇ ગયાના ચાર-પાંચ દિવસ થઇ જવા છતાં હજુ સંતોષકારક વરસાદ થયો નથી પરંતુ મેઘરાજાની મહેર શરૂ થઇ હોય તેમ સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા ચોવિસ કલાકમાં અને આજે સવારથી છ કલાકમાં 33-33 તાલુકામાં વરસાદ થયો હતો. સુરતમાં પાંચ ઇંચ સાથે સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો.
નૈઋત્ય ચોમાસુ ગત સપ્તાહમાં જ સુરત સુધી ચોમાસુ પ્રવેશી ગયું હતું છતાં ક્યાંય નોંધપાત્ર વરસાદ નહતો. હવે વરસાદી રાઉન્ડની આશા જાગી હોય તેમ દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જાળવા સાથે કેટલાંક ભાગોમાં વરસાદ થયો હતો.
ખાસ કરીને સુરતમાં મેઘરાજાનું જોર હતું. સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. સવાર સુધીમાં 66 મીમી (2.60 ઇંચ) પાણી વરસી ગયું હતું. પ્રથમ વરસાદમાં જ સુરતવાસીઓ હેરાનગતિમાં મુકાયા હોય તેમ ઠેકઠેકાણે પાણી ભરાયા હતા.
ભૂગર્ભ ગટરો ઉભરાતા તેના પાણી પણ વ્હેવા લાગ્યા હતા. અંડરપાસ સ્વીમીંગ પુલમાં ફેરવાયો હતો. માર્ગો પર જળબંબાકાર જેવી હાલતથી ટ્રાફિક પ્રભાવિત થયો હતો. અમરેલી વિસ્તારમાં તો લોકોના ઘરના ઉબરા સુધી પાણી પહોંચી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ મોટા વરાછામાં તાજેતરમાં જ નવો બનેલો 400 મીટરનો આખેઆખો રોડ જમીનમાં ધસી ગયો હતો અને આ ભુવામાં એક કાર તથા સમારકામ માટે આવેલી કોર્પોરેશનની ટ્રક ગરકાવ થઇ ગઇ હતી.
આજે રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં સુરતમાં 66 મીમી, તાપીના વાલોદમાં 52 મીમી, સુરતના માંગરોળમાં 42 મીમી, કામરેજમાં 42 મીમી, વરસાડમાં 34 મીમી, અરેઠમાં 32 મીમી પાણી વરસ્યું હતું.
વલસાડના ઉંમરગાવમાં 27 મીમી, માનાપોંઢામાં 25 મીમી વરસાદ થયો હતો. આ સિવાય બોટાદ, નવસારી, અમરેલી, ડાંગ, નર્મદા, ભરૂચ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવો વરસાદ હતો. કુલ 33 તાલુકામાં પાણી વરસ્યું હતું.
દરમિયાન આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં હળવો-નોંધપાત્ર વરસાદ થયો હતો. સુરતના કામરેજમાં 60 મીમી વરસાદ હતો. જ્યારે સુરત શહેરમાં 59 મીમી પાણી વરસ્યું હતું.
છેલ્લા 30 કલાકમાં 125 મીમી (પાંચ ઇંચ) વરસાદ થતાં અનેક વિસ્તારો પાણી-પાણી થયા હતા. આ સિવાય નવસારીમાં 45 મીમી, ધરમપુરમાં 43 મીમી, પલસાણામાં 40 મીમી, ઓલપાડમાં 35 મીમી, ગીર સોમનાથના ઉનામાં 34 મીમી, જલાલપોરમાં 30 મીમી, ચોર્યાસીમાં 33 મીમી, માંગરોળમાં 30 મીમી તથા બારડોલીમાં 27 અને મહુવામાં 25 મીમી પાણી પડ્યું હતું. ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ, તાપી જિલ્લાઓમાં પણ હળવો વરસાદ હતો.

