◙ પુત્રવધૂએ ફરીયાદ નોંધાવતા સાસુ મનીષા ઉર્ફે મોતી અને સસરા બાબુ ઉર્ફે અતુલ બાંભવા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી
રાજકોટ. તા.3
ગોંડલના ગુંદાળા ગામનો ખળભળાટ મચાવતો બનાવ સામે આવ્યો છે. દારૂડિયા પુત્રને એસીડ પીવડાવી મોઢે ડૂમો દઈ માતા પિતાએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. મૃતક રામ અવારનવાર દારૂના નશામાં ઘરે આવી માથાકૂટ કરતો હતો.
ઉપરાંત સસરાના ઘરે પણ જઈ ઝઘડો કરતાં માતા પિતાની સહનશક્તિ તૂટી હતી અને ફરીવાર ઘરે દારૂ પી આવી પિતા સાથે મારકૂટ કરતાં માતાએ જ એસીડ પીવડાવી દિધું, પિતાએ ડૂમો આપી મોતને ઘાટ ઉતારી દીધો
પુત્રવધૂએ ફરીયાદ નોંધાવતા સાસુ મનીષા ઉર્ફે મોતી અને સસરા બાબુ ઉર્ફે અતુલ બાંભવા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.
બનાવ અંગે ગોંડલના ગુંદાળા ગામે પટેલ શેરીમાં રહેતાં બંશીબેન રામભાઈ બાંભવા (ઉ.વ. 20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાબુ ઉર્ફે અતુલ ઘુઘા બાંભવા અને મનીષા ઉર્ફે મોતી બાબુ ઉર્ફે અતુલ બાંભવા (રહે. બંને ગુંદાળા) નું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે હત્યા સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે. તેઓના સમાજમાં સામાજીક રીતે તેણીના અને તેના ભાઈના લગ્ન સામ સામે થયેલ છે. લગ્ન તા.12/02/2026 ના રોજ ગુંદાળાના રામભાઈ બાબુભાઈ બાંભવા સાથે થયેલ છે. તેણીના પતિ અવાર નવાર દારૂ પીતા હોય જેથી દારૂ પી ઘરે આવી અવાર નવાર સસરા સાથે નાના મોટા કજીયા થયા કરતા હતા.
ગઇ તા.29 ના રોજ તેણી તથા તેના પતિ બન્ને બપોર પછી પાંચેક વાગ્યાની આસપાસ એકટીવા લઇ તેના પપ્પાના ઘરે ઘોઘાવદર ગામે આટો ગયેલ હતા. મોટાબાપુ રામભાઇને ત્યા જમવાનુ હોય જેથી તેમના ઘરે હતા. તેણીના પતિ પપ્પાના ઘરે હતા ત્યારે પતિ દારૂ પી ઘરે આવતા પપ્પાને ખબર પડતા બોલાચાલી થયેલ હતી. જેથી પપ્પાએ તેણીના સસરાને ફોન કરી તમારા દીકરો રામ દારૂ પી અમારા ઘરે ખેલ કરે છે, તેમ વાત કરી રામને તેડી જાવ કહેતાં થોડીવારમાં સસરા ઘરે દોડી આવેલ હતાં.
ફરીયાદીનાં સસરાએ તેણીના પતિને કહેતા કે, આપડા ઘરે તો દારૂ પી ખેલ કરેશ, પણ અહીં તો શાંતી રાખતો હો તેમ કહી ગુસ્સો કરેલ અને તેને તેડીને જતા રહેલ હતા. ગઇ તા.01 ના તેણી પપ્પાના ઘરે ઘોઘાવદર ગામે હતી ત્યારે પપ્પાએ વાત કરેલ કે જમાઇ (રામભાઇ) એ એસીડ પી આપઘાત કરી લીધો છે.
જેથી આપડે ગુંદાળા જવાનુ છે, તેમ વાત કરી તેણી અને તેના માતા પિતા સહિતના લોકો ગુંદાળા ગામે આવેલ હતા. તેમના પતિની લાશનુ પીએમ કરી ઘરે લાવેલ હોય અને સમાજના રીત રીવાજ પતિની લાશની અંતીમવીધી કરેલ હતી.
આ બનાવ બાબતે તેમના મોટા સસરા ઘુઘાભાઈએ વાત કરેલ કે ગઇ તા.30 ના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ રામ દારૂ પી ઘરે આવી તમારા સસરા સાથે માથાકુટ કરતો હોય જેથી બાપ-દીકરાને માથાકુટ થતા જપાજપી થયેલ હતી. જેથી તમારી સાસુએ એસીડની બોટલ આપી પીવડાવતા તેવામાં રામ, દેકારો કરતા મારા દીકરા બાબુભાઈએ રામને મોઢે ડુસ્સો મારતા મરણ ગયેલ તેમ વાત કરતા સાસુ-સસરાએ કહેલ કે જે કંઇ થયુ છે તે વાત બહાર ન જાય, નહીતર આપડા બધાની આબરૂ જશે અને ગામમાં વાતો થશે જેથી આ વાત અહીં જ ડામી દઇએ તેમ વાત કરેલ હતી.
ત્યારબાદ તેણીએ મમ્મી-પપ્પાને મળી આ બનાવ બાબતે વાતચીત કરી ફરીયાદ નોંધાવવાનું નક્કી કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીને મળેલ ત્યારે જાણવા મળેલ કે, તેણીના પતિનુ પી.એમ. કરાવેલ જેમા પણ તબીબે ગળાટુપો આપવાથી મોત થયેલનુ જણાવેલ હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પુત્રની હત્યા કરનાર માતા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સાસુ-સસરાએ પુત્રવધૂને વાત દબાવી દેવા દબાણ પણ કર્યું, પરંતુ ફોરેન્સિક પીએમમાં ભાંડો ફૂટ્યો
રાજકોટ. તા.3
આ બનાવ બાબતે તેમના મોટા સસરા ઘુઘાભાઈએ હત્યાની સમગ્ર ઘટના અંગે પુત્રવધૂને વાત કરી હતી. જે બાદ સાસુ-સસરાએ કહેલ કે જે કંઇ થયુ છે તે વાત બહાર ન જાય, નહીતર આપડા બધાની આબરૂ જશે અને ગામમાં વાતો થશે જેથી આ વાત અહીં જ ડામી દઇએ તેમ વાત કરેલ હતી.
જ્યારે પરિજનોએ પ્રથમ પોલીસને એવુ નિવેદન આપ્યું હતું કે, ગત તા.30 ના રોજ પુત્રના રૂમનો દરવાજો બંધ હોય તે ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો ન હતો. બાદ પરિવારજનોએ દરવાજો તોડી અંદર જતાં પુત્ર પલંગ પર બેભાન હાલતમાં પડેલ હતો.
જેથી તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જતાં તબીબે મૃત જાહેર કરી દીધો હતો તેમ માતા-પિતાએ જણાવ્યું હતું. જો કે, પોલીસ અને તબીબને બનાવ શંકાસ્પદ જણાતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા તેમાં ગળાટુંપો દઈ હત્યા કરવામાં આવ્યાનું ખુલવા પામ્યું હતું.

