વર્જિનિયા, તા. 17 : તણાવ દૂર કરવા માટે શરીરને હળવાશથી હલાવવાથી માંસપેશીઓને રાહત મળે છે અને મન શાંત થાય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો તેને 'સોમેટિક શેકિંગ' કહે છે. વર્જિનિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના નિષ્ણાતોએ આ અંગે એક અભ્યાસ કર્યો છે.
તેમનાં જણાવ્યાં મુજબ, આ અંગોને હળવા ઝટકા આપવાની કે હલાવવાની એક નાની એવી પ્રક્રિયા છે, જેમાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાનાં હાથ ઢીલા છોડીને ધીમે-ધીમે હલાવે છે, ત્યારે તણાયેલી માંસપેશીઓને શાંત થવાનો સંકેત મળે છે. આ પ્રવૃત્તિ તમારા મગજનું ધ્યાન નકારાત્મક વિચારો કે જૂની વાતો વારંવાર યાદ કરવા પરથી હટાવીને શરીરની હલચલ પર કેન્દ્રિત કરે છે.
હોનોલુલુના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે તણાવમાંથી બહાર આવવા માટે હંમેશાં એક કલાકના યોગ કે લાંબી દિનચર્યાની જરૂર પડતી નથી. તમે કોઈ તણાવપૂર્ણ ફોન કોલ પછી, બે કામોની વચ્ચે અથવા કોઈ મુશ્કેલ મીટિંગ પહેલાં દસ સેક્ધડ માટે આ અભ્યાસ કરી શકો છો. જો તમને લોકોની સામે આ કરવામાં સંકોચ થતો હોય, તો તમે ઓફિસના વોશરૂમમાં કે કોઈ શાંત ખૂણામાં જઈને પણ આ અજમાવી શકો છો. આ અભ્યાસ બેચેનીને બહાર કાઢવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે.
માત્ર એક મિનિટના અભ્યાસથી મળશે રાહત
♦ સ્ટેપ 1 (હાથ ઝટકાવા) : તમારા હાથમાંથી પાણીના ટીપાં ખંખેરતા હોઈએ તેવી રીતે 10 થી 15 સેક્ધડ સુધી હલાવો.
♦ સ્ટેપ 2 (ખભા અને હાથ): તમારા ખભા થોડા ઢીલા છોડીને હાથને હળવાશથી હલાવવાનો પ્રયાસ કરો.
♦ સ્ટેપ 3 (પગ હલાવવા): ખુરશીનો સહારો લઈને વારાફરતી બંને પગને રિલેક્સ કરવાનો અભ્યાસ કરો.
♦ સ્ટેપ 4 (શાંતિ અને ઊંડો શ્વાસ): આંખો ખુલ્લી રાખીને શાંત ઊભા રહો અને ઊંડા શ્વાસ લો.
અભ્યાસ કરવાની રીત
♦ જમીન પર પગ ટેકવીને ઊભા રહો અથવા ખુરશી પર બેસો. ગર્દન સીધી રાખો અને સામાન્ય શ્વાસ લો.
♦ હાથને 10 થી 15 સેક્ધડ સુધી ઝટકો. ત્યારબાદ ખભા ઢીલા છોડીને હાથ હલાવો.
♦ ઊભા રહીને સહારા સાથે એક પછી એક પગ હલાવો. જો બેઠા હોવ તો પંજાને જમીન પર પછાડો.
