હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા માટે કરવામાં આવેલ હાઈએલર્ટ અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાંઠાળા વિસ્તારોમાં ધાબડીયા વરસાદી વાતાવરણ સાથે દરિયા કિનારાઓ પર વિશાળકાય મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં પણ ગોમતી ઘાટ, પંચકુઈ બીચ, સંગમનારાયણ બીચ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર બીચ, રૂપેણ બંદર સહિતના કાંઠાળા વિસ્તારોમાં 15 થી 20 ફુટ ઊંચા ઉછળતા મોજાઓ જોવા મળ્યા હતા.
તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે યાત્રીકોને ગોમતી ઘાટ તેમજ સમુદ્રમાં નહાવા પર પ્રતિબંધ લગાવી દરિયાકાંઠાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
આ વચ્ચે છેલ્લા બે દિવસ દરમિયાન ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા માર્ગો પાણીથી તરબતર બન્યા હતા. લોકો તેમજ ખાસ કરીને ધરતીપુત્રો મુશળધાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. (ફોટો: કુંજન રાડિયા)

