ઇસ્લામાબાદ, તા.30 પાકિસ્તાનમાં એક અનોખી ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. દેશના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારનો એક વિડિયો હાલમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ લાલ કાર્પેટ પર લડખડાઈને પડી જતા નજરે પડે છે.
આ ઘટના ઈસ્લામાબાદમાં બની હતી, જ્યાં બદ્ર અબ્દેલટ્ટીના સ્વાગત માટે કાર્યક્રમ હતો. વિડિયોમાં જોવા મળે છે કે ઇશાક ડાર મહેમાનનું સ્વાગત કરવા આગળ વધે છે, પરંતુ અચાનક સંતુલન ગુમાવી દે છે અને જમીન પર પડી જાય છે.
ત્યારબાદ સુરક્ષાકર્મીઓ તેમને ઊભા કરવામાં મદદ કરે છે.
આ વિડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકોએ આ ઘટનાનો મજાક ઉડાવ્યો છે, જ્યારે કેટલાક લોકોએ તેને સામાન્ય અકસ્માત ગણાવ્યો છે.
આ ઘટના ત્યારે બની છે જ્યારે મધ્ય પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન, તુર્કી, ઈજિપ્ત અને સાઉદી અરેબિયા વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓનો હેતુ ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવાનો છે.

