(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા દ્વારા તા. 02/07/2026ના રોજ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહાલક્ષ્મી ટોકીઝ, સુરેન્દ્રનગર ખાતે ગુજરાતી ફિલ્મ `ભમરડો` દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની સાથે જીવનમૂલ્યો, વૈજ્ઞાનિક અભિગમ અને સામાજિક જાગૃતિનો અનુભવ કરાવવાના હેતુથી આ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો.
`ભમરડો` એક સંવેદનશીલ અને વિચારપ્રેરક ગુજરાતી ફિલ્મ છે, જે ગ્રામ્ય સમાજની વાસ્તવિક પરિસિ્થતિને ઉજાગર કરે છે. ફિલ્મમાં શિક્ષણના પ્રકાશ દ્વારા અંધશ્રદ્ધા, રૂઢિચુસ્ત માન્યતાઓ અને સામાજિક કુરિવાજો સામે જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.
એક સમર્પિત શિક્ષક પોતાના ધૈર્ય, સમજણ અને સતત પ્રયત્નોથી બાળકો તેમજ ગામલોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે છે અને શિક્ષણનું સાચું મહત્વ સમજાવે છે. ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે શિક્ષણ અને જાગૃતિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સૌથી શક્તિશાળી સાધનો છે.
વિદ્યાર્થીઓએ સમગ્ર ફિલ્મ ખૂબ જ રસ અને એકાગ્રતા સાથે નિહાળી હતી. ફિલ્મના વિવિધ પ્રસંગોએ તેમને શિક્ષણનું મહત્વ, અંધશ્રદ્ધાથી દૂર રહી તર્કસંગત વિચારસરણી અપનાવવાની પ્રેરણા, સમાજ પ્રત્યેની જવાબદારી તેમજ માનવતાના મૂલ્યો વિશે મહત્વપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ. ફિલ્મ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં તેના સંદેશ અંગે ઉત્સાહપૂર્વક ચર્ચા પણ જોવા મળી હતી.
આ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષિકા શ્રીમતી જાનકીબેન ગોહિલ તથા શાળાના સેવક શ્રી દિલીપભાઈ વિદ્યાર્થીઓ સાથે હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપ્યો હતો.
શાળાના આચાર્ય શ્રી વારિસ ભટ્ટાના માર્ગદર્શન હેઠળ આયોજનબદ્ધ રીતે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રકારના શૈક્ષણિક અને મૂલ્યલક્ષી કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને જવાબદાર તથા જાગૃત નાગરિક બનવા માટે પ્રેરિત કરે છે.

