નવી દિલ્હી, તા.5 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના સાંસદો સાથે નાસ્તા પર એક ખાસ બેઠક યોજી હતી. પારિવારિક અને સહજ વાતાવરણમાં યોજાયેલી આ મુલાકાતમાં ખાસ કરીને પહેલીવાર ચૂંટાયેલા અને અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદો હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાને સાંસદો સાથે પોતાનાં રાજકીય અને વ્યક્તિગત અનુભવો શેર કરતાં જાહેર જીવનમાં સતર્કતા અને જવાબદારીપૂર્વક કામ કરવાની ખાસ શિખામણ આપી હતી.
બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને `લુટિયન્સ દિલ્હી'ના મકળજાળ અને ખોટી મહેમાનગતીથી સાવધ રહેવાની કડક ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે, દિલ્હી એક એવી જગ્યા છે જ્યાં જાહેર જીવનમાં નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ ઉપરાંત, તેમણે સાંસદોને પોતાનાં સત્તાવાર લેટરપેડ અને હસ્તાક્ષર ખોટા હાથોમાં ન જાય અને તેનો દુરુપયોગ ન થાય તે માટે વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.
સાંસદોને જનતા સાથે સતત સંવાદ જાળવી રાખવા આહ્વાન કરતાં વડાપ્રધાને જણાવ્યું કે રાજકારણમાં માત્ર ચૂંટણી સમયે જવું પૂરતું નથી, પરંતુ લોકોનું દિલ જીતવું જરૂરી છે. તેમણે યુવાનો અને જેન-ઝીની વાતો તથા સમસ્યાઓ ધ્યાનથી સાંભળીને ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, વિપક્ષનાં નેતાઓ તરફથી આવતાં તીખા કે ખોટા નિવેદનો સામે સીધાં ટકરાવના બદલે સંવાદ અને સમજાવટનો માર્ગ અપનાવવા સલાહ આપી હતી.
સંસદની કામગીરી અંગે વાત કરતાં વડાપ્રધાને સાંસદોને ગૃહમાં નિયમિત હાજરી આપવા અને સંસદીય પ્રક્રિયાઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે સાંસદોએ ગૃહમાં વધુ સમય વિતાવવો જોઈએ અને સત્તાપક્ષ કે વિપક્ષનાં ભેદભાવ વગર અનુભવી સભ્યો પાસેથી શીખીને પોતાનાં કાર્યકાળનો સદુપયોગ કરવો જોઈએ.
આ બેઠકમાં માત્ર રાજકારણ જ નહીં, પરંતુ યોગ, ફિટનેસ અને ટાઇમ મેનેજમેન્ટ પર પણ રસપ્રદ ચર્ચા થઈ હતી. વડાપ્રધાને પોતાની દિનચર્યાના અનુભવો શેર કરતાં સાંસદોને પોતાની તંદુરસ્તી જાળવવા, શારીરિક રીતે સક્રિય રહેવા અને માનસિક શાંતિ માટે સંસદીય કાર્યકાળ દરમિયાન યોગ્ય સમયપત્રક જાળવવાની પ્રેરણા આપી હતી.

