નવી દિલ્હી, તા.5 દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI 406) માંથી એક સગીર છોકરીને માત્ર એટલાં માટે ઉતારી દેવામાં આવી કારણ કે તેણે વિમાનના ક્રૂ મેમ્બર્સને પોતાની આંચકીની બીમારી (એપિલેપ્સી) અંગે જાણ કરી હતી.
સગીરાના પિતા પ્રવીણ સ્વામીએ સોશિયલ મીડિયા પર એરલાઈન્સ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમની પુત્રીની બીમારી સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને તેને છેલ્લાં ઘણાં વર્ષોથી આંચકીનો કોઈ હુમલો આવ્યો નથી.
એરલાઈને તેની પાસે 'ફિટ ટુ ફ્લાય' મેડિકલ સર્ટિફિકેટ માંગ્યું હતું, જેને પિતાએ અયોગ્ય અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું.
આ ઘટના બાદ રોષે ભરાયેલા પિતાએ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ સામે 'દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ, 2016' હેઠળ ગુનાહિત કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે તેમની પુત્રીને સાચું બોલવાની સજા મળી છે. બાદમાં, અન્ય એક ડોક્ટરની મદદથી મેડિકલ પ્રોટોકોલ પૂરો કરીને સગીરાને વહેલી સવારની બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થતાં જ લોકોએ એર ઈન્ડિયાના આ અસંવેદનશીલ વર્તનની ભારે ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાની પોતાની વેબસાઈટ મુજબ આંચકીનો હુમલો આવ્યાના 24 કલાક પછી જો સ્થિતિ નિયંત્રણમાં હોય તો મુસાફર દવા લઈને ફ્લાઈટમાં મુસાફરી કરી શકે છે. આ મામલે એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર જવાબ આપતાં સમગ્ર બાબતની તપાસ કરવાની અને નિયમોની સમીક્ષા કરવાની ખાતરી આપી છે.

