Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગણેશજીની માટીની પ્રતિમાનું રૂા.500માં વિતરણ : આવતા વર્ષથી મનપા જાતે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ આપશે

ગણેશજીની માટીની પ્રતિમાનું રૂા.500માં વિતરણ : આવતા વર્ષથી મનપા જાતે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ આપશે

રાજકોટ, તા.3 પૂરા દેશ અને રાજ્ય સાથે હવે રાજકોટ મહાનગરમાં પણ ગણેશ ઉત્સવનું ધર્મમય મહત્વ ખુબ વધ્યું છે ત્યારે આગામી ગણેશ ઉત્સવમાં ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણની નવી પહેલ કરવા મહાપાલિકાએ નિર્ણય લીધો છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સહયોગથી નાગરિકોને માત્ર રૂા.પ00ના ટોકન દરમાં માટીથી બનેલી એક ફુટની શ્રી ગણેશની મૂર્તિનું વિતરણ કરવામાં આવશે.

આ વર્ષે સમયના અભાવે કોર્પોરેશન ટેન્ડર પ્રક્રિયા કરી ન શકતા શાળા પરિવારનો સહયોગ લેવામાં આવ્યો છે.

આવતા વર્ષે મહાપાલિકા પોતે સમયસર ટેન્ડર કરી પર્યાવરણની રક્ષામાં યોગદાન આપવા નાગરિકોને ઇકો-ફ્રેન્ડલીના ગણેશજીની મૂર્તિનું આ જ રીતે વિતરણ કરવા આયોજન કરશે તેવી મહત્વની જાહેરાત પણ મેયર ડો.નેહલ શુકલએ કરી છે.

શાળા સંચાલક મંડળે કયુઆર કોડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી આજથી જ રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે તેવી જાહેરાત કરવામાં આવી છે. પર્યાવરણનું સંરક્ષણ, પ્રાકૃતિક સંસાધનોનું જતન અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ કેળવવાના હેતુથી મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે.

આગામી તા. 14 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા શ્રી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને નાગરિકો વધુમાં વધુ ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવે તેવા આશય સાથે માટીમાંથી નિર્માણ કરવામાં આવેલી શ્રી ગણેશ ભગવાનની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે તેમ મંડળે જણાવ્યું હતું.

આજે પત્રકાર પરિષદમાં મેયર ડો. નેહલ શુકલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના `પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી`ના સંકલ્પને સાકાર કરવા તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોર્પો. સતત વિવિધ જનજાગૃતિ અભિયાનો હાથ ધરી રહી છે.

ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસ(પીઓપી)ની મૂર્તિઓના જળાશયોમાં કરવામાં આવતા વિસર્જનને કારણે જળાશયો અને પર્યાવરણને થતી હાનિ અટકાવવા માટે માટીની મૂર્તિઓનો ઉપયોગ સમયની માંગ બની ગયો છે.

આ પહેલ દ્વારા વધુમાં વધુ નાગરિકો ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે અને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જન પછી પણ પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે.

મેયરે વધુમાં જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ આશરે એક ફૂટ ઊંચાઈની ઉચ્ચ ગુણવત્તાની માટીની શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ નહીં નફો, નહીં નુકશાનના ધોરણે માત્ર રૂ.500ના ટોકન દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મૂર્તિઓ સંપૂર્ણપણે કુદરતી માટીમાંથી તૈયાર કરવામાં આવી હોવાથી ઘરમાં જ ટબમાં સરળતાથી વિસર્જન થઈ જાય છે. આ પહેલ માત્ર એક મૂર્તિ વિતરણ કાર્યક્રમ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ છે.

તેમણે નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ગણેશોત્સવ જેવા પવિત્ર પર્વને પર્યાવરણમૈત્રી રીતે ઉજવવા માટે દરેક પરિવારે માટીની મૂર્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવાની જવાબદારી સૌની છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ માત્ર શિક્ષણ પૂરતું જ કાર્ય કરતી નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ અભિયાન માટે કયુઆર કોડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકો પ્રદર્શિત કરાયેલા કયુઆર કોડને સ્કેન કરીને સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ વધુ માહિતી પણ મેળવી શકશે.

શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા અને પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કરાયો છે. આ પ્રસંગે મંડળના અન્ય હોદ્દેદારો અવધેશભાઈ કાનગડ, અજયભાઈ પટેલ તથા ઉર્વેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar