Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોંડલની ગીર ગૌ જતન સંસ્થામાં રૂા.3.83 લાખની ઉચાપત

ગોંડલની ગીર ગૌ જતન સંસ્થામાં રૂા.3.83 લાખની ઉચાપત

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.5 ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા 'ગીર ગૌ જતન સંસ્થાન'માં મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે ટ્રસ્ટ સાથે વિશ્વાસઘાત કરી રૂા.3,83,920ની ઉચાપત કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના એક વેપારીને મોકલેલી પંચગવ્ય પ્રોડક્ટ્સના નાણાં સંસ્થાનના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવી ઉચાપત કરતા સંસ્થાનના સંચાલકે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડા રોડ પર શીતળા માતાના મંદિર સામે આવેલી ગૌશાળામાં રહેતા અને ગીર ગૌ જતન સંસ્થાન ચલાવતા રમેશભાઈ વેલજીભાઈ રૂપારેલીયા એ બનાવ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સંસ્થામાં મૂળ ભાયાવદરના અને હાલ ગોંડલ રહેતા વિજયભાઈ હમીરભાઈ જંજવાડીયા છેલ્લા 7 મહિનાથી મેનેજર તરીકે નોકરી કરતા હતા. સંસ્થા તરફથી તેમને દર મહિને રૂા.45,000 પગાર આપવામાં આવતો હતો. વિજયનું કામ સંસ્થાનના ઓર્ડરો ક્ધફર્મ કરવા, વેબસાઈટ સંભાળવી, પાર્સલ ડિસ્પેચ કરવા અને પેમેન્ટ જમા કરાવવાનું હતું.

દરમિયાન ઓડિશાના ગંજમ જિલ્લાના કોનીસી ગામના રહેવાસી શાંતનુ મનોરંજન પાનીગ્રહી નામની વ્યકિતએ ગોંડલની આ સંસ્થાનમાંથી ગોપાલન અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હતી. તેઓ ઓડિશા ખાતે પંચગવ્ય પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હોવાથી નિયમિત ઓર્ડર આપતા હતા. શાંતનુએ ગત તા.1 ફેબ્રુઆરી 2026થી 16 એપ્રિલ 2026 દરમિયાન અલગ-અલગ તારીખે પંચગવ્ય પ્રોડક્ટ્સનો ઓર્ડર આપ્યો હતો અને સંસ્થાન દ્વારા માલ મોકલાવી દેવામાં આવ્યો હતો.

શાંતનુ પાનીગ્રહીએ પ્રોડક્ટ્સના નાણાં ગીર ગૌ જતન સંસ્થાનના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં જમા કરાવવાના હતા. પરંતુ મેનેજર વિજય જંજવાડીયાએ પોતાના અંગત ફાયદા માટે સંસ્થાના એકાઉન્ટને બદલે પોતાનો યુનિયન બેંકનો એકાઉન્ટ નંબર આપી દીધો હતો. ગ્રાહકે અલગ-અલગ 14 ટ્રાન્ઝેક્શન દ્વારા મોકલેલા કુલ રૂા.3,83,920 વિજયે સંચાલકની જાણ બહાર પોતાના ખાતામાં જમા કરાવી લઈ સંસ્થા સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

બનાવ અંગે સંચાલક રમેશભાઈ રૂપારેલીયાએ બી-ડિવિઝન પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે મેનેજર વિજય હમીરભાઈ જંજવાડીયા સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા / ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 316(4) હેઠળ ગુનો દાખલ કર્યો છે. બનાવ અંગે પીએસઆઈ અશ્વિનભાઈ વેલજીભાઈ સાંખટે તપાસ ચલાવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar