અમદાવાદઃ રાજયમાં અનિયમીત ચોમાસુ અનેક વખત ચિંતા કરાવે છે તથા ઔદ્યોગીક સહિતના વિકાસના કારણે પાણીની માંગ વધી રહી છે જયારે ોત મર્યાદીત છે. ખાસ કરીને ભુગર્ભ જળ જે રીતે ખેંચાઈ રહ્યું છે તથા જળસંચયના આયોજનોમાં ધારી સફળતા મળતી નથી.જે વિશાળ ડેમો છે તેમાં કોપ વિ. ભરાવાના કારણે તેની સંગ્રહ ક્ષમતા ઘટી છે.
આ સ્થિતિમાં રાજય સરકાર સમક્ષ લાંબા સમયથી જે વિચારણા હેઠળ છે.
તે ભુગર્ભ જળના ઉપયોગ માટે એક કાનૂન લઈ આવવા તૈયાર છે. જેમાં સૌથી મહત્વનું જળ પાણી એ એક જાહેર મિલ્કત ગણાશે. કોઈ વ્યક્તિગત નહી, તેથી કોઈની માલીકીની જમીનમાં ભુગર્ભ જળ વિશાળ પ્રમાણમાં હોય તો પણ તે જાહેર મિલ્કત ગણાશે તેના ઉપયોગ-કેટલુ ભુગર્ભ જળ ખેચવુ કયાં ઉપયોગ કરવો તે અંગે નિયમો ઘડાશે.
આ માટે ગુજરાત ભુગર્ભ જળ ખરડો 2026 વિધાનસભાના ચોમાસુ સત્રમાં આવી શકે છે અને તે બાદ ભુગર્ભ જળના ઉપયોગ અંગે ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સ્થાપવામાં આવશે. જે સરકાર દ્વારા નિર્ધારિત નીતિ-નિયમો અમલમાં મુકવા જવાબદાર હશે તો અનેક પર્યાવરણ સંતુલન જરૂરી હોય તેને ગ્રાઉન્ડ વોટર પ્રોટેકશન ઝોન જાહેર કરશે જેથી એ વિસ્તાર સુકા પ્રદેશમાં ફેરવાઈ જતા અટકાવી શકાશે.
એટલું જ નહી વિવિધ ઔદ્યોગીક એકમો તેના યુનીટનું ગંદુ પાણી જે જાહેરમાં છોડીને ભુગર્ભ જળ કે જળાશયોના પાણી પણ પ્રદુષિત કરે છે તેને માટે રૂા.10 લાખ સુધીના દંડની પણ જોગવાઈ થશે તથા જેઓ ગેરકાનુની રીતે ભુગર્ભ જળ ખેચશે તે પણ દંડાશે. સરકાર નવા બાંધકામમાં જળસિંચય- વરસાદી પાણીના સંચય- ભુગર્ભમાં જાય તે વ્યવસ્થા કરવાનું ફરજીયાત બનાવશે.
ફેકટરી-કારખાનાઓમાં તેમની માલીકીની જમીનમાંથી પણ ભુગર્ભ જળ ખેચવા માટે મંજુરી લેવી પડશે તથા તેમાં વોટર ચાર્જ ભરવો પડશે. જો કે આ ખરડાની દંડાત્મક જોગવાઈમાંથી કૃષીને બાકાત રખાશે અને ભુગર્ભ જળ નિવારણ માટે ગ્રામીણથી રાજયકક્ષાની કમીટી બનશે તથા પંચાયતથી મહાપાલિકા સુધી આ માટે આયોજન થશે. વરસાદી પાણીના જળસંચય, ગંદા પાણીના ટ્રીટમેન્ટ પ્લાંટ પણ ફરજીયાત થશે.

