અમદાવાદ,તા.27 ગુજરાતને ભલે વિકસિત રાજ્ય ગણાવવામાં આવતું હોય, પરંતુ આજે પણ દહેજના દૂષણની કુપ્રથાના કારણે મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે. રાજ્યમાં 3 વર્ષ દરમિયાન 178 મહિલાઓને દહેજનું દૂષણ ભરખી ગયું હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ આ સમય દરમિયાન દહેજના દૂષણની કુલ 5638 ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે.
મહિલાઓના આત્મસન્માનની વાતો તો બહુ થાય છે, પરંતુ દહેજ જેવી વર્ષો જૂની કુપ્રથામાંથી મહિલાઓને છુટકારો અપાવવામાં સરકાર ઉણી ઉતરી છે.
દહેજના દૂષણને ડામવા માટે કાયદો અમલમાં છે, છતાં આજે પણ ગુજરાતમાં દહેજના કારણે મહિલાઓએ મોતની સોડ તાણવી પડે છે.
વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે, ત્રણ વર્ષમાં ગુજરાતમાં દહેજના દૂષણના કારણે 178 મહિલાઓએ આપઘાત કરી લીધો છે. જ્યારે આપઘાતના પ્રયાસના 4 કેસ નોંધાયા છે. આપઘાતની આ ઘટનાઓમાં અમદાવાદ અને સુરત મોખરે છે.
સરકારના જવાબ અનુસાર તમામ કેસમાં 522 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને 15 આરોપીને પકડવાના હજી બાકી છે. અલબત્ત, આ તો દહેજના દૂષણની ચરમસીમારૂપ બાબતનો ચિતાર છે.
ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોધાયા છે. જેમાં 1665 કેસ સામે 34 મહિલાઓએ આપઘાત કર્યો, સુરતમાં 1166 કેસ, 36 આપઘાત, બનાસકાંઠામાં 362 કેસ, 7 આપઘાત, ભાવનગરમાં 99 કેસ 9 આપઘાત, ભરૂચ 89 કેસઃ 2 આપઘાત, પંચમહાલ 91 કેસ 2 આપઘાત અમરેલીમાં 74 કેસ, 5 આપઘાત, જામનગરમાં 70 કેસ 3 આપઘાત રાજકોટમાં 158 કેસ અને પાંચ મહિલાઓએ અંતિમ પગલુ ભર્યુ.

